GSRTCની એકસ્ટ્રા બસોમાં ચૂકવવું પડશે એકસ્ટ્રા ભાડું! સરકાર તહેવારોમાં ઉઘાડી લૂંટ બંધ કરે: કોંગ્રેસ
GSRTC Bus Price : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યભરમાં 8,340 વધારાની બસો દોડાવાની જાહેરાત કરી છે. તેવામાં કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાની સાથે લોકો પાસેથી એકસ્ટ્રા ભાડું વસુલ કરે છે. જેમાં આશરે 25થી 45 રૂપિયા સુધીનું વધારાનું ભાડું વસુલવામાં આવે છે. તહેવારોની સિઝનમાં ખાનગી ટ્રાવેલ્સ તો તોતિંગ ભાડા વધારો કરે જ છે, પરંતુ એસ.ટી વિભાગે પણ એકસ્ટ્રા બસોના ભાડામાં વધારો કરતાં કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
એક્સ્ટ્રા ભાડા મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 'કોઈપણ તહેવારના સમયે સરકાર દ્વારા દોડાવવામાં આવતી એકસ્ટ્રા બસોમાં મુસાફરો પાસેથી સવા ગણું ભાડું વસુલવામાં આવે છે. તહેવારોમાં એસ.ટી. દ્વારા એકસ્ટ્રા બસોના નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું લેવામાં આવશે. દિવાળીના તહેવારોમાં ખાનગી બસોની જેમ એસ.ટી વિભાગ પણ એક્સ્ટ્રા બસોમાં ઉઘાડી લૂંટ બંધ કરે. મોંઘવારીના માર વચ્ચે સરકારે એકસ્ટ્રા બસોનું ભાડું લેવાનું બંધ કરવું જોઈએ અને સામાન્ય દિવસો પ્રમાણે ભાડું રાખવું જોઈએ'.
ડીઝલનો ભાવ ઘટ્યો પણ ભાડા ન ઘટ્યા:કોંગ્રેસ
મનીષ દોશીનું કહેવું છે કે, 'જ્યારે ડીઝલના ભાવમાં વધારો થયો ત્યારે સરકારે એસ.ટી બસના ભાડા વધાર્યા હતા પરંતુ, ડીઝલના ભાવમાં ઘટાડો થયો તો તેનો લાભ મુસાફરોને નથી આપવામાં આવ્યો.'
આ પણ વાંચો : અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, આવતી કાલે આ જિલ્લામાં જાહેર કરાયું યલો ઍલર્ટ
સરકારે એસ.ટી વિભાગને નથી ચૂકવ્યા રૂ. 4,500 કરોડ
કોંગ્રેસનો આરોપ છે કે, સરકારી કાર્યક્રમમાં એસ.ટી બસોનો બેફામ ઉપયોગ થાય છે. પરંતુ તેના ભાડાની ચૂકવણી નથી કરાતી. સરકારે એસ.ટી વિભાગને 4,500 કરોડ રૂપિયાના ચૂકવવાના બાકી છે. જો સરકાર તે નાણાની ચૂકવણી કરે તો તહેવારોમાં દોડાવાતી વધારાની બસો માટે મુસાફરો પાસેથી એક્સ્ટ્રા ભાડુ લેવાની જરૂર જ ન રહે'.
કેટલું હશે એક્સ્ટ્રા બસોનું એક્સ્ટ્રા ભાડું?
એકસ્ટ્રા બસોમાં ગાંધીનગરથી જૂનાગઢનું 306, સોમનાથનું 377, પોરબંદરનું 360, રાજકોટનું 239, ઉનાનું વાયા અમરેલી 316 અને વાયા ભાવનગરનું 336, ભાવનગરનું 224 અને સાવરકુંડલાનું 276 રૂપિયા ભાડું. જ્યારે અમદાવાદના બાપુનગરથી સોમનાથનું 363, અમરેલીનું 243, રાજકોટનું 226, જૂનાગઢનું 288, ઉનાનું વાયા અમરેલી 304 અને વાયા ભાવનગર 318, ભાવનગરનું 205, સાવરકુંડલાનું 261 અને ધારીનું 261 રૂપિયા ભાડું રખાયું છે.
અમદાવાદના ગીતામંદિરથી રાજકોટનું 214, સોમનાથનું 352, અમરેલીનું 239, જૂનાગઢનું 283, પોરબંદરનું 339, ઉના વાયા અમરેલીનું 298, વાયા ભાવનગરનું 316, સાવરકુંડલાનું 254, ધારીનું 261, સુરતનું 285, ભાવનગરનું 199, મોરબીનું 206, દાહોદનું 215, ઝાલોદનું 201 અને ભુજનું 307 રૂપિયા ભાડું. તેમજ અમદાવાદના કૃષ્ણનગરથી રાજકોટનું 226, જૂનાગઢનું 293, સોમનાથનું 363, અમરેલીનું 244, ઉનાનું વાયા અમરેલીથી 304 અને વાયા ભાવનગરથી 323, સાવરકુંડલાનું 261, ભાવનગરનું 205 અને ધારીનું 268 રૂપિયા ભાડું રખાયું છે.
દિવાળીના તહેવારોને લઈને એસટી નિગમ દ્વારા તા. 26થી 30 ઑક્ટોબર દરમિયાન કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. જેમાં સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. હાલમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો થયો છે.