RTEમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ફોર્મ ભરાયા, મુદત વધી પણ બેઠકો ઘટતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે
સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો
પ્રવેશ ફોર્મ ભરવાની મુદત વધતા હજુ પણ વધુ ફોર્મ ભરાશે
Education News: ધો.1માં આરટીઈના પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ રજૂઆતોને પગલે ચૂંટણીને ધ્યાને રાખી ફોર્મ ભરવાની મુદત વધારીને 30મી માર્ચ કરવામા આવી છે. જો કે આ વર્ષે રેકોર્ડબ્રેક 2.10 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાંથી આજ સુધીમાં 1.33 લાખ જેટલા ફોર્મ અપ્રુવ થયા છે. પ્રવેશ ફોર્મ ભરવાની મુદત વધતા હજુ પણ વધુ ફોર્મ ભરાશે અને બીજી બાજુ આ વર્ષે 50 ટકા બેઠકો ઘટી છે ત્યારે હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.
ફોર્મ ભરવાની મુદત વધારાઈ
કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન, એક્ટ 2009 અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો પર ગરીબ, જરૂરિયાતમંદ સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મફત પ્રવેશ આપવામા આવે છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આરટીઈમાં ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે. વર્ષ 2024-25ના વર્ષ માટેની આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં 14મી માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત હતી પરંતુ આજે મુદત વધારીને 30મી માર્ચ કરાઈ છે.
2024-25 માટે આટલી જ બેઠકો
ધો.1માં છ વર્ષે જ પ્રવેશના નવા નિયમને લીધે ધો.1માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અને વિદ્યાર્થીઓના બાલવાટિકામાં પ્રવેશ થતા તેની સીધી અસર આરટીઈની બેઠકો પર પડી છે આ વર્ષે આરટીઈની બેઠકો 50 ટકા જેટલી ઘટી ગઈ છે. જે મુજબ આ વર્ષે એટલે કે 2024-25 માટે માત્ર 43896 જેટલી જ બેઠકો છે.જેનીસામે ગત વર્ષે 83 હજાર જેટલી બેઠકો હતી. આરટીઈ પ્રવેશના હાલના નિયમ મુજબ ધો.1ની વર્ગદીઠ કુલ મંજૂર જગ્યામાં ગત વર્ષે જે આરટીઈના પ્રવેશ થયા હોય તેને બાદ કરતા જેટલી બેઠકો રહે તેના 25 ટકા મુજબ બીજા વર્ષે પ્રવેશ અપાય છે.
હજુ પણ 30મી સુધીમાં અપ્રુવલ ફોર્મ વધશે
આ નિયમ મુજબ હવે 2024-25ના વર્ષ માટે રાજ્યમાં બેઠકો ઘટતા મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ગત વર્ષે ત્રણ રાઉન્ડને અંતે 61 હજારથી વધુબાળકોના પ્રવેશ થયા હતા. આમ ગત વર્ષ મુજબ પ્રવેશની સંખ્યા જોઈએ તો આ વર્ષે 43 હજાર બેઠકો સામે હજારો બાળકો પ્રવેશ વંચિત રહે તેવી સ્થિતિ છે. કારણ કે આ વર્ષે અત્યાર સુધીમાં 2.12 લાખ ઓનલાઈન ફોર્મ ભરાયા છે અને અને જેમાંથી 1.33 લાખ ફોર્મ અપ્રુવ થયા છે એટલે કે બેઠકોના ત્રણ ગણાથી વધુ ફોર્મ અપ્રુવ થયા છે. હજુ પણ 30મી સુધીમાં અપ્રુવલ ફોર્મ વધશે.