માંડલ અંધાપા કાંડ: હાઈકોર્ટની સુઓમોટો પછી સરકારના તાબડતોડ તપાસના આદેશ
આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી
ગાંધીનગરની તબીબી ટીમે માંડલ ખાતે આ સમગ્ર મામલે તપાસ શરુ કરી છે
Negligence in cataract operation : અમદાવાદ જિલ્લાના વિરગામના માંડલમાં આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 દર્દીઓએ મોતિયાની સર્જરી કરાવી હતી. આ સર્જરીના બે દિવસ બાદ 17 જેટલા વ્યક્તિએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ ઉઠ્યા બાદ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલને આગળના આદેશો સુધી મોતિયાની વધુ સર્જરી ન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત કરી હતી.
કડક પગલા લેવામાં સરકાર બિલકુલ પાછી પાની નહીં કરે : આરોગ્ય મંત્રી
આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હેલ્થ કમિશનર હર્ષદ પટેલ આ રિફર કરાયેલા દર્દીઓ મુલાકાત લેવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ અંગે આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. જો કોઈ જવાબદાર હશે તો સરકાર તેની સામે કડક પગલા લેવામાં બિલકુલ પાછી પાની નહીં કરે. આ અગાઉ મંત્રીએ આ મામલાની વિગતો મંગાવી હતી અને ગાંધીનગર તબીબી ટીમને માંડલ ખાતે રવાના કરવામાં આવી હતી. આ માટે જવાબદાર દવા, ઇન્જેક્શન કે સારવાર કરનાર સ્ટાફને લઈને તપાસ શરુ કરવામાં આવી છે.
હોસ્પિટલને આદેશો સુધી વધુ સર્જરી ન કરવા જણાવાયું
આ પહેલા પાંચ દર્દીઓને ગંભીર અસર થતાં તેમને 5મી જાન્યુઆરીએ અમદાવાદ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે 12ને એ જ રામાનંદ આઈ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. આ હોસ્પિટલમાં જાન્યુઆરી માસમાં ઓપરેશન કરાવનાર 100થી વધુ દર્દીઓને વધુ અસર ન થાય તેના ભાગરુપે વિરમગામ ખાતે દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું હતું.
અમે દરેક દર્દીની જીણવટ ભરી તપાસ કરી રહ્યા છીએ ડૉ. સોમેશ અગ્રવાલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્થેલ્મોલોજીના ડૉ. સોમેશ અગ્રવાલ, જેઓ કમિટીના સભ્ય છે તે પણ માંડલ પહોંચ્યા હતા અને તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે દરેક દર્દીની જીણવટ ભરી તપાસ કરી રહ્યા છીએ અને સર્જરી પછી દર્દીઓને આપવામાં આવેલી દવાઓના નમૂનાઓ પણ એકત્રિત કરી રહ્યા છીએ."
હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી
આ પહેલા આજે આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી હતી. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.