તમાકુ ખાતાં 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં થૂંકે છે, અધિકારીઓ પોતાની જ ઑફિસના ખૂણા કરે છે લાલ
Ahmedabad News: અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના એક પ્રાઇવેટ યુનિવર્સિટીના રિસર્ચ 'Daily Tobacco Consumption in Adults of Ahmedabad'માં 882 જેટલા 15 થી 64 વર્ષની ઉંમરના વયસ્કોને તમાકુ અને તેની સાથે થૂંકવાની આદતને તારવતાં કેટલાંક તથ્યો જાણવા મળ્યા હતા. જેમાં જાહેરમાં થૂંકનારા લોકોમાંથી 90 ટકા લોકો તમાકુના બંધાણી હોય છે. તે તમાકુ ખાધા પછી સરેરાશ દર દસ મિનિટે થૂંકવાની આદત ધરાવે છે. જો કે આ આદત પણ દરેક વ્યક્તિની અલગ હોઈ શકે છે.
સરકારી અધિકારીઓ પોતાની જ ઑફિસોના ખૂણાં લાલ કરે છે
એક અંદાજ મુજબ અમદાવાદની આશરે 80 લાખની વસ્તીમાં આશરે 30 લાખ લોકો તમાકુના બંધાણી હોવાનો અંદાજ છે. જે પ્રમાણે એક બંધાણી સરેરાશ એક વાર તમાકુના મસાલા સાથે ત્રણવાર થૂંકતા આખા દિવસમાં તે ત્રીસેકવાર થૂંકે છે. જે ત્રીસ લાખે ગુણવા જતાં લોકો 9 કરોડ વાર થૂંકે છે. જો કે આ બધાં અમદાવાદના જાહેર સ્થળોની દિવાલો પર થૂંકે તો અમદાવાદની દરેક દિવાલોનો રંગ બદલાઈ જાય. જોકે, તેમાંથી પચીસ ટકા લોકો જાહેર સ્થળોની દિવાલોના ખૂણા પર, સીડીઓની દિવાલના ખૂણા પર, મૂતરડીઓમાં અને પોતાના ફલેટના જાહેર સ્થળોના ખૂણા પર થૂંકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતા, ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને
ચાલુ રીક્ષાએ થૂંકવાની આદત
રીક્ષાચાલકોમાં પણ તમાકુના બંધાણીઓની ચાલુ રીક્ષાએ મસાલો અને તમાકુ ખાઈને રસ્તામાં જ થૂંકવાની આદત હોવાથી આખા દિવસમાં અસંખ્ય ઘટનાઓમાં પાછળ આવતાં વાહન ચાલકો રીક્ષાચાલકોની ગંદકીનો ભોગ બને છે.
થૂંકવા પર લાગ્યો કડક નિયમ
જો કે, કૉર્પોરેશન દ્વારા આ પ્રકારના ગુનાઓ માટે શું વ્યવસ્થા કરી છે તે વાત સ્પષ્ટ નથી. કૉર્પોરેશને હાલમાં થૂંકવા પર નિયમ કડક કર્યો છે. જેમાં કેમેરા સામે ગુનો કરનારા ચોક્કસ દંડનીય બનશે. પરંતુ જાહેર સ્થળો સિવાયના સ્થળો અને રોડ રસ્તાઓને બગાડનારાને આમાંથી છૂટ મળી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે, વર્ષે 172 લાખ મેટ્રિક ટનથી વધુ થાય છે ઉત્પાદન
થૂંકદાનીની પ્રથા થઈ બંધ
અમદાવાદના એક જાણીતા ફિઝિશિયનના મતે તમાકુ, પાન અને મસાલા ખાનારાઓની થૂંકવાની આદત વધારે છે. આવા લોકોને કેટલાંક સમયના અંતરે માનસિક પ્રોત્સાહન મળે તે માટે તેઓ વ્યસન કરે છે. તમાકુ અને સોપારી ખાવાની સાથે તેમની લાળગ્રંથી સક્રિય બનતાં મોઢું આખું લાળગ્રંથીથી ભરાઈ જાય છે, જેથી તેમને થૂંકવાની જરૂર પડે છે. જ્યારે વોશબેસિન હતા નહીં ત્યારે પહેલાં જાહેર સ્થળોએ અને ઘરોમાં પણ થૂંકદાનીઓ રાખવામાં આવતી. જો કે હવે તો થૂંકવું એ ગુનો હોવાથી જાહેર સ્થળોએ થૂંકનારા પોતાના પર કંટ્રોલ રાખ્યા વિના જ બ્રિજની નીચે, સરકારી ઑફિસોમાં, જાહેર શૌચાલયોમાં, યુરિનલમાં, રોડ પરની જાહેર દિવાલો પર અને રસ્તા પર થૂંકીને કાયદાનો ભંગ કરે છે.
એક અમદાવાદી તમાકુની આદત હોય તો સરેરાશ ત્રીસ વાર થૂંકે છે. એ ક્યાં થૂંકે છે એ એના વ્યવસાય અને રહેઠાણ પર આધારિત છે. જો તે સ્લમ વિસ્તારમાં રહે છે તો તેની થૂંકવાની પ્રક્રિયા જાહેર સ્થળોએ વિશેષ છે.
સોલા જાહેર સ્થળે કામ કરતાં રમેશભાઈ પુરબિયા જણાવે છે કે, મોટા ભાગના લોકો થૂંકવા માટે સરકારી હૉસ્પિટલના ખૂણા અને સરકારી કચેરીઓને વધારે અનુકૂળ સમજે છે. કારણ કે તેમને અહીં કોઈ રોકટોક નથી. ઘણાં આવા સ્થળોની રાહ જોઈને થૂંકે છે. આ પ્રોસેસમાં માણસ એટલો સ્વાર્થી બની જાય છે કે એને બીજાની ચિંતા રહેતી નથી. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તો આવા થૂંકવાવાળાથી બેહાલ છે જ પરંતુ ઍરપૉર્ટ પણ બાકાત નથી.