ગુજરાતમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસો નિષ્ફળ, 10 કરોડ વૃક્ષોની વાવણી સામે 10 લાખનો જ ઉછેર

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Plantation Of Trees


Plantation Of Trees: ગુજરાતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન 10 કરોડ વૃક્ષો રોપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. પરંતુ માવજતના અભાવે મોટાભાગના રોપા કરમાઈ જાય છે અને માત્ર 10 લાખ વૃક્ષોનો ઉછેર થાય છે. એટલું જ નહીં વિકાસના નામે દર વર્ષે સરેરાશ અંદાજે એક લાખથી વધુ વૃક્ષોનો સોંથ વાળી દેવામાં આવે છે.

જતનના અભાવે મોટા ભાગના રોપા કરમાઈ જાય છે

રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતના 33 જિલ્લામાં વૃક્ષા રોપણ મોટી માત્રામાં થાય છે. પરંતુ આ ઝૂંબેશ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ તેની માવજતમાં મોટી ખામી છે. છેલ્લા 10 વર્ષમાં સામાજિક વનીકરણના નામે વન મહોત્સવ તેમજ અન્ય પ્રસંગોએ સરકાર દ્વારા દર વર્ષે 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, એ હિસાબે જોઇએ તો રાજ્યમાં 100 કરોડ નવા વૃક્ષો હોવા જોઈએ. પરંતુ માવજતના અભાર્વે મોટાભાગના રોપાઓ કરમાઈ જતાં હોય છે.'

રાજ્યમાં કોઈ ઠેકાણે એક વૃક્ષ કાપવું પ્રમાણ હોય તો સામે પાંચ વૃક્ષો જ્યાં સુધી રોપવામાં ન આવે ત્યાં સુધી વૃક્ષ કાપવાની મંજૂરી મળતી નહીં હોવાનો સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટમાં 11 વર્ષ પહેલાં સુધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ એક્ટનું પાલન ખુદ સરકારના અધિકારીઓ જ કરતા નથી. બે શહેરોને જોડતો એક હાઈવે બનાવવો હોય તો સરકાર બે હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખે છે.

આ પણ વાંચો: બાઈડેને લોથ મારી, ઝેલેન્સ્કીને 'પુતિન' તો કમલા હેરિસને 'ટ્રમ્પ' ગણાવ્યાં, NATOની બેઠકમાં બની ઘટના


વન પ્રમાણે વિભાગની સત્તાવાર માહિતી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 33 જિલ્લામાં 18 લાખ વૃક્ષોનું છેદન કરી દેવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં વન વિભાગની અલગ અલગ યોજનાઓમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પરંતુ 80 ટકા ટ્રીગાર્ડ ખાલી પડ્યાં છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'પૂર્વોત્તર રાજ્ય આસામમાં જંગલોનું પ્રમાણ ઘટી જતાં ગયા વર્ષે સરકારે વૃક્ષ  ઉગાડવા 100 રૂપિયા અને તેનું જતન કરવા 1000 રૂપિયા આપવાની જાહેરાત કર્યા પછી ગ્રીનકવરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગુજરાતે પણ લોકો માટે આવી કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરી ગ્રીન કવરમાં વધારો કરવો જોઈએ. 

ગુજરાતની વસતી સાત કરોડ છે. ચોમાસામાં પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ રોપીને તેનું જતન કરે તો ગુજરાતની ગ્રીનરી પાછી આવી શકે. જો કે તેના માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ. આ વર્ષે વન વિભાગે ત્રણ નવી યોજનાઓ જાહેર કરી છે. જે પૈકી હરીત વન પથમાં 70 હેક્ટર વિસ્તારમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે પંચરત્ન ગ્રામ વાટીકામાં 1000 ગામોમાં પ્રતિ ગામ 50 રોપા અને પંચરત્ન વાવેતરમાં 65 સરોવરની ફરતે ટ્રીગાર્ડ સાથે સરોવરદીઠ 200 રોપાની યોજના બનાવી છે. પરંતુ ભૂતકાળમાં ટ્રીગાર્ડ સાથેના રોપામાં માવજતના અભાવે વૃક્ષો જીવિત રહી શક્યા નથી. સરકારે માવજત અને જાળવણી માટે ઈન્સેન્ટીવ આપવા જોઈએ.

ગુજરાતમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસો નિષ્ફળ, 10 કરોડ વૃક્ષોની વાવણી સામે 10 લાખનો જ ઉછેર 2 - image


Google NewsGoogle News