દિવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાના ૧૮૯ કોલ, પાંચ દુકાન આગમાં ખાખ થઈ
શુક્રવારે મધરાતે શાહપુરના ત્રિપાઠી હોલ પાસે આવેલી બંધ દુકાનોમાં આગ લાગી હતી,પશ્ચિમઝોનમાં આગના ૬૫ કોલ
અમદાવાદ,મંગળવાર,5
નવેમ્બર,2024
અમદાવાદમાં દિવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન જુદા જુદા
વિસ્તારમાં ફટાકડા તથા શોટ સરકીટના કારણે આગ લાગવાના કુલ ૧૮૯ કોલ ફાયર વિભાગને
મળ્યા હતા.શુક્રવારે મધરાતના સમયે શાહપુર વિસ્તારમાં આવેલા ત્રિપાઠી હોલ પાસેની
પાંચ જેટલી બંધ દુકાનોમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી.ગત વર્ષે દિવાળીના તહેવાર
સમયે શહેરમાં આગ લાગવાના ૨૫૩ કોલ નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે આગના બનાવમાં
ઘટાડો થવા પામ્યો હતો.પશ્ચિમ ઝોનમાં આગ લાગવાના સૌથી વધુ ૬૫ કોલ ફાયર વિભાગને પાંચ
દિવસમાં મળ્યા હતા.
દિવાળી પર્વના પાંચ
દિવસ દરમિયાન અમદાવાદ ફાયર વિભાગને આગ લાગવાના વિવિધ વિસ્તારમાંથી કોલ મળતા અલગ અલગ ફાયર સ્ટેશનનો સ્ટાફ આગ હોલવવાની
કામગીરીમાં સતત વ્યસ્ત રહયો હતો.શુક્રવારે
પડતર દિવસની રાતે ૧૧.૧૫ કલાકના સુમારે બેરલ માર્કેટ પાસે આગ લાગવાની ઘટના બની
હતી.શાહપુરમાં આવેલી હલીમની ખડકી પાસે પણ ફટાકડાંના કારણે આગ લાગવાની ઘટના બની
હતી.શાહપુર ત્રિપાઠી હોલ પાસેની બંધ દુકાનોમાં આગ લાગતા ફાયર વિભાગે ત્રણ વાહનોની
મદદથી આગ હોલવી હતી.જો કે તમામ દુકાન આગમાં ખાખ થઈ ગઈ હતી.કાલુપુરમાં આવેલી જાગૃત
પોળના મકાનમાં આગ લાગતા રહીશોએ આગ લાગવા અંગેનો વિડીયો વાઈરલ કર્યો હતો.ફાયર
વિભાગને ૧ નવેમ્બરે આગ લાગવાના કુલ ૫૦ કોલ મળ્યા હતા.૨ નવેમ્બરને બેસતા વર્ષના
પર્વે આગ લાગવાના ૩૪ કોલ ફાયર વિભાગને મળ્યા હતા.૩ નવેમ્બરે શહેરમાં આગ લાગવાના ૧૪
કોલ ફાયર વિભાગને મળ્યા હતા.૪ નવેમ્બરે આગ લાગવાના ૧૧ કોલ ફાયર વિભાગને મળ્યા
હતા.પાંચ દિવસ દરમિયાન કચરા ઉપરાંત મકાન,દુકાન, ઈલેકટ્રીક ડીપી.,વાહન, વૃક્ષ, કબાડી માર્કેટ,ગોડાઉન, સ્કૂલ સહિતના
સ્થાનોએ ફટાકડા તથા શોર્ટ સરકીટથી આગ
લાગવાની ઘટનાઓ બની હતી.સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહતી.
ઝોન વાઈસ અંગાર કોલ કયાં-કેટલાં?
ઝોન કોલ
પૂર્વ ૪૧
પશ્ચિમ ૬૫
ઉત્તર ૨૬
દક્ષિણ ૨૯
મધ્ય ૨૮
કુલ ૧૮૯
આગ લાગવાના કુલ કેટલાં કોલ?
પ્રકાર કોલ
ફેકટરી ૦૩
શોટ સરકીટ ૦૫
દુકાન ૧૮
મકાન ૪૧
સ્કૂલ ૦૧
ઈલે.ડીપી ૦૯
વૃક્ષ ૦૫
ઓફિસ ૦૨
કબાડી માર્કેટ ૦૩
ભંગાર ૦૧
ગોડાઉન ૦૫
વાહન ૧૩
ટાવર ૦૧
કુલ ૧૮૯