Get The App

નવરાત્રિમાં છેડતીની 16 ફરિયાદ, સૌથી વધુ અમદાવાદમાં મદદ માગી, અકસ્માતના રોજના 500 કેસ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં છેડતીની 16 ફરિયાદ, સૌથી વધુ અમદાવાદમાં મદદ માગી, અકસ્માતના રોજના 500 કેસ 1 - image


During Navaratri Women Molestation-Road Accident Cases Increase: ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એવા નવરાત્રિનું સમાપન થઈ ચુક્યું છે. ત્યારે કહેવાતા સુરક્ષિત રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં બળાત્કાર અને છેડતીની શરમજનક ઘટનાઓ સામે આવી હતી. પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, નવરાત્રિ દરમિયાન ગરબાના સ્થળે યુવતીઓ સાથે છેડતીની 16 જેટલી ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદ મળતાં ‘શી' ટીમે સ્થળ પર જઈને યુવતીઓનું રેસ્ક્યુ કરવા ઉપરાંત આ લુખ્ખા તત્ત્વોને મેથીપાક ચખાડ્યો હતો. આ સિવાય રાજ્યમાં નવરાત્રિ દરમિયાન અકસ્માતથી ઈજાના પણ કુલ 4489 એટલે કે રોજના સરેરાશ 500 ઈમરજન્સી કેસ નોંધાયા છે. 

ગૃહ-વિભાગના મહિલા સુરક્ષાના દાવા પોકળ

ગુજરાતમાં આ વખતે યુવતી- મહિલાઓ લુખ્ખા તત્ત્વોના ભય વિના ગરબા રમી શકે તેવું ‘જડબેસલાક’ આયોજન કર્યાના ગૃહ વિભાગ-પોલીસ ખાતાના દાવા છતાં આ વખતે નવરાત્રિમાં જ બળાત્કારની 3 જેટલી ઘટના સામે આવી હતી. મહિલાઓની સુરક્ષા માટેની હેલ્પલાઈન 181ને ગરબા સ્થળેથી લુખ્ખા તત્ત્વોની છેડતીના કુલ 16 કોલ્સ મળ્યા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 5, સુરત- ભાવનગરમાંથી 2 જ્યારે અમરેલી- આણંદ-દાહોદ-ગાંધીનગર-જામનગર-કચ્છ-રાજકોટમાંથી 1-1 કોલ્સનો આવ્યા હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હેડક્વાર્ટર સામે જ પોલીસકર્મીઓની 'દારૂની મહેફિલ', 5 સામે ગુનો દાખલ કરાયો

યુવતીઓએ માગી પોલીસની મદદ

આ સિવાય ગરબા સ્થળેથી 13 યુવતીઓએ હેરાનગતી અને અપશબ્દો માટે 15 યુવતીઓએ તણાવના પગલે હેલ્પલાઈનની મદદ લીધી હતી. અમદાવાદમાંથી 2 જ્યારે બોટાદ-સુરતમાંથી 1-1 યુવતીને મોડી રાતે ઘરે જવામાં મહિલા પોલીસની મદદ લેવી પડી હતી. અમદાવાદના ગરબા સ્થળેથી હેરાનગતીના 5, ઘરે જવા માટે મદદ માગવાના 2, છેડતીના 5, તણાવ સંબધી 8, સામાન્ય માહિતી મેળવવા 3 એમ સૌથી વધુ 23 કોલ્સ મળ્યા હતા.

આ પણ વાંચોઃ ટ્રેનિંગ વખતે જ તોપગોળો ફાટતાં ગુજરાતનો અગ્નિવીર શહીદ, જામકંડોરણામાં માતમ પ્રસર્યું

અકસ્માતમાં 18 ટકાનો વધારો

બીજી બાજુ જો અકસ્માતની વાત કરીએ તો ઈમરજન્સી સેવા '108' પાસેથી મળતી માહિતી મુજબ રાહતની વાત એ છે કે, નવરાત્રિ દરમિયાન વાહન અકસ્માત સિવાય ઈમરજન્સી કેસમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં હૃદયની ઈમરજન્સીના રોજના સરેરાશ 274 કેસ નોંધાતા હોય છે, જેની સરખામણીએ નવરાત્રિમાં સરેરાશ 262 કેસ નોંધાયા હતા. આ જ રીતે શ્વાસની ઈમરજન્સીના નવરાત્રિમાં કુલ 3578 સાથે રોજના સરેરાશ 398 કેસ સામે આવ્યા હતા. ગત વર્ષની નવરાત્રિની વાત કરવામાં આવે તો શ્વાસની સમસ્યાના રોજના સરેરાશ 264, હૃદયની સમસ્યાના રોજના સરેરાશ 217, સખત તાવના રોજના સરેરાશ 256 કેસ અને વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ 487 કેસ સામે આવ્યા છે, જે આ વર્ષે વઘીને 500 થઈ ગયાં છે. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાના રોજના સરેરાશ 423 કેસ નોંધાતા હોય છે. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિમાં વાહન અકસ્માતી ઈજાના કેસમાં 18 ટકાનો વધારો થયો છે.


Google NewsGoogle News