પ્રજાના વિશ્વાસની ઉણપ ન્યાયતંત્રના પાયાને જોખમમાં મૂકે છે..', સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈ
Justice Gavai Statement On Judiciary System: ન્યાયતંત્રમાં પ્રજાના વિશ્વાસની ઉણપ આપણી સંસ્થા(ન્યાયતંત્ર)ના પાયાને જોખમમાં મૂકે છે. અદાલતોએ જાહેર વિશ્વાસને સતત પોષવાની ખાસ જરૂર છે. ન્યાયતંત્રમાં જનતાનો વિશ્વાસ અકબંધ રાખવાનું બીજું એક સૈદ્ધાંતિક કારણ એ છે કે, વિશ્વાસની ઉણપ લોકોને ઔપચારિક ન્યાયિક પ્રણાલીની બહાર ન્યાય મેળવવા પ્રેરિત કરી શકે છે. જે સાવધતા, ભ્રષ્ટાચાર અને ટોળાના ન્યાયના અનૌપચારિક રસ્તાઓ દ્વારા પણ હોઈ શકે છે અને આ બધાને કારણે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું ધોવાણ થઈ શકે છે એમ શનિવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ગુજરાતના ન્યાયિક અધિકારીઓ માટેની વિશેષ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું.
ન્યાયતંત્રનું કામ પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવાનું છે: જસ્ટિસ ગવઈ
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અને ગુજરાત હાઇકોર્ટ તેમજ ગુજરાત રાજય ન્યાયિક અકાદમીના સહયોગથી હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે સંસ્થાકીય પરિપ્રેક્ષ્ય-સ્વ મૂલ્યાંકન અને સ્વ ઉત્ક્રાંતિ વિષય પર બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓના ડિસ્ટ્રીક્ટ જજ, સેશન્સ જજ અને ન્યાયિક અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સુપ્રીમકોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈએ જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર એક નિર્ણાયક સંસ્થા છે, જે કાયદાનું શાસન જાળવી રાખે છે, રાજ્યના અતિરેક સામે ફરજ બજાવે છે અને નાગરિકોને તેમના અધિકારોના ઉલ્લંઘનથી રક્ષણ આપે છે. બંધારણીય માળખામાં કાયદાના શાસનના આધારે, ન્યાયાધીશોની ભૂમિકા અન્ય સંસ્થાઓ તેમજ તેમના કાર્યમાં જવાબદાકી સુનિશ્ચિત કરવાની છે. જો કે, સંસ્થા (ન્યાયતંત્ર) નું કાર્ય પ્રજાનો તેનામાં વિશ્વાસ જાળવી રાખવાનું છે.
આ પણ વાંચોઃ તરફેણમાં ચુકાદો આવે તો સુપ્રીમ કોર્ટ અદભૂત સંસ્થા અને વિરોધમાં આવે તો...: CJI ચંદ્રચૂડ
ન્યાયમાં વિલંબ અન્યાય સમાનઃ જસ્ટિસ ગવઈ
જસ્ટિસ ગવઈએ અદાલતોમાં પ્રજાના વિશ્વાસની ઉણપ ઉપજાવનારા પરિબળો અંગે ધ્યાન દોરતાં જણાવ્યું કે, તેમાં સૌથી પહેલું પરિબળ ભ્રષ્ટાચાર છે. જેમાં લાંચ, પક્ષપાત કે અયોગ્ય પ્રભાવ દ્વારા કાયદાકીય વ્યવસ્થાના પાયાને નબળા પાડી શકે છે. અન્ય પરિબળમાં તેમણે ન્યાયની કાર્યવાહીમાં વિલંબને ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ન્યાયમાં વિલંબ એ અન્યાય સમાન છે. જે પક્ષકારો અને સમાજ પર મોટાપાયે અસર કરે છે. લાંબા મુકદ્દમા અને ધીમી ચાલતી કોર્ટ પ્રક્રિયાઓ કાયદાકીય પ્રણાલી પરત્વે લોકોમાં ભારે અસંતોષ જન્માવે છે.
ન્યાયાધીશોની વર્તણૂંક વિશે કહી મોટી વાત
લોઅર જયુડીશીયરીમાં ન્યાયાધીશોની વર્તણૂંકને લઇ બહુ મહત્ત્વની વાત કરતાં જસ્ટિસ ગવઇએ જણાવ્યું કે, ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી અનૈતિક પ્રથાઓ પણ ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઓછો કરી શકે છે. ન્યાયાધીશોનું બેન્ચ પર અથવા બેન્ચની બહારનું વર્તન ન્યાયિક નૈતિકતાના ઉચ્ચતમ ધોરણોને અનુરૂપ હોવું જોઈએ.
આ પણ વાંચોઃ ગુજરાતનો 'ઝોળી'દાર વિકાસ: પ્રસૂતાને ઝોળીમાં લઈ જવી પડી હોસ્પિટલ, છોટા ઉદેપુરની બીજી ઘટના
આ મહાનુભાવો હતાં હાજર
આ પ્રસંગે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક-પેટ્રન ઈન ચીફ એવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કોન્ફરન્સમાં રાજયભરમાંથી 550થી વધુ ન્યાયાધીશો ભાગ લેવા આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીરેન વૈષ્ણવ, ગુજરાત સ્ટેટ જયુડીશીયલ એકેડમીના અધ્યક્ષ જસ્ટિસ એ.વાય. કોગજે સહિતના હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના મેમ્બર સેક્રેટરી રાહુલ ત્રિવેદી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના ન્યાયિક અધિકારીઓની કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે સપ્રીમ કોર્ટના જસ્ટીસ બી. આર. ગવઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, કાનુની સેવા સેવા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીરેન વૈષ્ણવ, ગુજરાત સ્ટેટ જ્યુડીશીયલ એકેડમીના અધ્યક્ષ જસ્ટિસ એ. વાય. કોગજે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.