બેવડી દશેરાથી ફરસાણના વેપારીઓની કમાણી પણ બેવડાઈ, બે દિવસમાં કરોડોના ફાફડા-જલેબીનું થયું વેચાણ
Dussehra 2024 : રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ વિજયાદશમી એટલે કે દશેરા (દસમી) મનાવવામાં આવ્યા છે. આ વર્ષે નવરાત્રિમાં આઠમ-નોમ અને દશેરાની તિથિને લઈને લોકોમાં અસમંજસતા જોવા મળી હતી. આઠમના નૈવેધ ક્યારે કરવા, નોમનો હવન ક્યારે કરવો અને 12 ઓક્ટોબરે દશમ કરવી કે 13 ઓક્ટોબરે? આ તમામ મૂંઝવણના કારણે બેવડી દશેરા મનાવવામાં આવ્યા છે. જેથી મીઠાઈ અને ફરસાણના વેપારીઓને જલસા પડી ગયા છે. કારણ કે બે દિવસ દશેરા મનાવાયા હોવાથી બંને દિવસ ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થયું છે.
લોકોને બે દશેરા અને વેપારીઓને બેવડી કમાણી
ગુજરાતીઓ ખાણી-પીણીના શોખીન તરીકે જાણીતા છે. ત્યારે દશેરાના પર્વે લોકો સવારથી જ ફાફડા, જલેબી, ચોળાફળી સહિતના ફરસાણ અને મીઠાઈઓ ખરીદતા હોય છે, જેથી વેપારીઓને સારી આવક થતી હોય છે. પરંતુ ફરસાણના વેપારીઓ આ વર્ષે સૌથી વધુ ખુશ હતા, કેમ કે તેમને પણ ખબર હતી કે આ વખતે બે દશેરા હોવાથી કમાણી પણ બેવડી થશે. અને થયું પણ એવું જ. દશેરા પર મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ મીઠાઈ-ફરસાણ વેચવાના માંડવા-ટેબલો ગોઠવી દીધા હતા. વેપારીઓએ બેવડી કમાણી રળી લેવા માટે ધૂમ તૈયારીઓ કરી હતી. ગઈકાલે (12 ઓક્ટબર) રાજ્યભરમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી લોકો ઝાપટી ગયા હતા. પરંતુ આજે (13 ઓક્ટોબર) પણ દશેરા હોવાથી વેપારીઓને ફાફડા-જલેબીના વેચાણથી ખુબ કમાણી થઈ છે. વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર લાઈનો જોવા મળી હતી. વેપારીઓ અને કારીગરોના ચહેરા પર ગઈકાલના દશેરાનો થાક સ્પષ્ટ જોઈ શકાતો હતો, પરંતુ આજે પણ કમાણી ચાલુ રહેતા તેઓ ખુશ પણ જોવા મળ્યા હતા.
ડ્રાયફ્રૂટ પણ સસ્તા લાગે તેવા ફાફડા-જલેબીના ભાવ
આ વર્ષે દશેરામાં મીઠાશ આપતા ફાફડા-જલેબીના ભાવે આમ જનતાને દઝાડી છે. મોંઘવારીના મારથી મધ્યમવર્ગના લોકોના બજેટને માઠી અસર થઈ છે. કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે 1 કિલો જલેબીના 600 થી 800 રૂપિયા સુધી અને ફાફડાના 400 થી 700 રૂપિયા સુધી અને ચોળાફળી 400 રૂપિયા સુધી ભાવ નોંધાયા. ફાફડા-જલેબીમાં 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. આથી ડ્રાયફ્રૂટ પણ સસ્તા લાગે તેવા ફાફડા-જલેબીના ભાવ છે. જોકે, આ ભાવ વધારા છતા મીઠાઈ-ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ફાફડા-જલેબીની ખરીદી કરતા હોય છે. તો કેટલાક લોકોએ એક દિવસ અગાઉ જ ફાફડા-જલેબી ખરીદી લીધા હતા તો કોઈએ અગાઉથી ઓર્ડર આપી દીધા હતા. આમ, રાજ્યભરમાં મીઠાઈ-ફરસાણના વેપારીઓએ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી અને મીઠાઈનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો : દશેરાના દિવસે તેજી : સોનું રૂ.78,500 જ્યારે ચાંદી રૂ.91500 બોલાઈ
દુકાનદારોને મળ્યો સારો પ્રતિસાદ
દશેરા પર્વએ ફાફડા-જલેબીની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે. વેપારીઓને પણ આ તહેવારો પર સારી એવી કમાણી જોવા મળી રહી છે. જે વિશે દુકાન માલિકોએ જણાવ્યું કે, 'દશેરાના પર્વ પર સારો માહોલ જોવા મળ્યો. સારા વાતાવરણને કારણે ગ્રાહકો આવી રહ્યાં છે.'
દશેરાની સાચી તિથિ-તારીખ કઈ?
દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ હતા. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર અથવા 13 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. પંચાગ મુજબ, અશ્વિન શુક્લ દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગીને 58 મિનિટથી શરૂ થઈને 13 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાકને 8 મિનિટ સુધી દશેરા હતા. દશેરાનો તહેવાર ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીતનુ પ્રતિક છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના દિવસે રાવણ દહનનુ વિશેષ મહત્વ છે.
જલેબી-ફાફડા ખાવાની કથા
ગુજરાતીઓ દશેરાનો તહેવાર જલેબી-ફાફડા ખાઈને માણે છે. જેની પાછળ એક પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી, તેથી લોકો ભગવાન શ્રી રામની રાવણ પરની જીતને ઉજવવા માટે જલેબી ખાય છે. હિન્દુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે, ઉપવાસ ચણાનો લોટ ખાઈને તોડવો જોઈએ. નવરાત્રિના નવ દિવસના ઉપવાસ બાદ લોકો જલેબી-ફાફડા ખાઈને પોતાનો ઉપવાસ તોડે છે.