Get The App

હૉસ્પિટલ સંચાલકો-મેડિકલ સ્ટોર માલિકોનું ઈલુ-ઈલુ, દવાના વેચાણમાં ડૉક્ટરોનું કમિશન, દર્દીનો મરો

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
Doctor Commission In The Sale Of Medicine


Doctor Commission In The Sale Of Medicine: ખ્યાતિકાંડ પછી ખાનગી હૉસ્પિટલોની કાળી કરતૂતો સામે આવી છે. ખાનગી હૉસ્પિટલોમાં મેડિકલ સ્ટોર્સ કે લેબોરેટરી શરુ કરવી હોય તો પાઘડી પેટે 50 લાખ રૂપિયાથી માંડીને એક કરોડ સુધીની રકમ ચૂકવવી પડે છે. તેનું કારણ એ છે કે, એક વાર મેડિકલ સ્ટોર્સ ખોલો પછી તો બખ્ખે બખ્ખાં છે. હૉસ્પિટલમાં દાખલ બધાય દર્દીઓને નાછૂટકે ત્યાંથી જ દવા ખરીદવી પડે છે. ઓછી કિંમતની દવાને છાપેલી કિંમતમાં વેચી મેડિકલ સ્ટોર્સમાં માલિકો ધૂમ કમાણી રહ્યા છે. હૉસ્પિટલ સંચાલકો અને મેડિકલ સ્ટોર્સના માલિકો વચ્ચેની મિલીભગતને લીધે ગરીબ દર્દીઓનો મરો છે.

રાજ્યમાં ખાનગી હૉસ્પિટલોનો રાફડો ફાટ્યો

મેડિકલ વ્યવસાયમાં બમણો નફો રળવા માટે અવનવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ કે રાજ્ય આરોગ્ય વિભાગ ગમે તેટલા નિયમો ઘડે પણ આખરે દર્દીઓનો જ મરો છે. ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલોનો પણ જાણે રાફડો ફાટ્યો છે. શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં શરુ થતી હૉસ્પિટલોમાં જો મેડિકલ સ્ટોર્સ શરુ કરવો હોય તો જાણે બોલી બોલાતી હોય તેવી સ્થિતિ સર્જાય છે. મેડિકલ સ્ટોર્સ શરુ કરનાર હૉસ્પિટલ માલિકને 50 લાખ રૂપિયાથી માંડી એક કરોડ સુધીની રકમની ઓફર કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન, પરિવારના સભ્યોએ પુષ્ટી કરી, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ


હૉસ્પિટલ સંચાલકો-મેડિકલ સ્ટોર્સ માલિકોનું ઈલુ-ઈલુ 

હૉસ્પિટલમાં ધમધમતાં મેડિકલ સ્ટોર્સ પરથી દર્દીઓને દવા ખરીદવા માટે આગ્રહ કરવામાં આવતો હોય છે. આ દવાના વેચાણમાં પણ ડૉક્ટરોને ભરપૂર કમિશન મળતું હોય છે. અજાણ દર્દીઓ પાસેથી દવાની પડતર કિંમત કરતાં બમણાં ભાવ લેવાય છે જેમ કે, બાટલો ચડાવવાની નળીની પડતર કિંમત 10થી 20 રૂપિયા હોય પણ દર્દીઓ પાસેથી 80 રૂપિયા લેવાય છે. આ જ પ્રમાણે કેથેરેટરની કિંમત માત્રને માત્ર 40 રૂપિયા હોય છે. પરંતુ દર્દી પાસેથી 140 રૂપિયા પડાવાય છે. સેફોટેક્ષીન અને સેફટ્રાયોઝોન જેવી ટેબલેટની પડતર કિંમત 50થી 60 રૂપિયા હોય પણ દર્દીઓને 400થી 500 રૂપિયા ચૂકવવા પડે છે.

હૉસ્પિટલના સ્ટાફનો પગાર, લાઇટબીલ પણ મેડિકલ સ્ટોર્સ માલિકોના માથે

એવું પણ જાણવા મળ્યુ છે કે, ઘણાં ઠેકાણે ખાનગી હૉસ્પિટલનું ભાડુ, સ્ટાફનો પગાર અને લાઇટબીલ પણ મેડિકલ સ્ટોર્સના માલિકો ચૂકવે છે. આ પરથી પ્રસ્થાપિત થાય છે કે, મેડિકલ સ્ટોર્સના માલિકો કેટલો નફો રળતાં હશે. આ જ પ્રમાણે, લેબોરેટરી શરુ કરવી હોય તો પાઘડી ચૂકવવી પડે છે. ડૉક્ટરો આ જ લેબના ટેસ્ટ માન્ય રાખીને દર્દીઓના રોગનું નિદાન કરે છે, જેના પેટે ભરપૂર કમિશન મેળવે છે. આમ ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલના સંચાલકો, મેડિકલ સ્ટોર્સ-લેબ માલિકો સુવ્યવસ્થિત રીતે ગરીબ દર્દીઓને લૂંટી રહ્યાં છે.

કમિશનબાજ ડૉક્ટરો એવી દવા લખે કે હૉસ્પિટલના મેડિકલ સ્ટોર્સ પર જ મળે 

મોટાભાગની ખાનગી હૉસ્પિટલમાં ડૉક્ટરો એવી જ દવા લખે છે જે પોતાના મેડિકલ સ્ટોર્સ પર જ મળે. આ ઉપરાંત ડૉક્ટરો દર્દીઓને એવું કહેતાં હોય છે કે, જો આ દવા નહીં લો તો, ફરક નહીં પડે, નાછૂટકે દર્દીને હૉસ્પિટલના મેડિકલ સ્ટોર્સ પરથી જ દવા ખરીદવા મજબૂર થવું પડે છે. રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નરે આદેશ કર્યો છે કે, હવે દર્દીઓ ગમે તે મેડિકલ સ્ટોર્સ પરથી દવા ખરીદી શકશે. પણ આ પરિપત્ર માત્ર કાગળ બની રહી જશે. તેનો અમલ થઈ શકે તેમ જ નથી. હૉસ્પિટલમાં દાખલ દર્દી બીજે સ્થળે મેડિકલ સ્ટોર્સ પર દવા ખરીદવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી.


Google NewsGoogle News