વ્હીકલ ટેકસ ભરવાની જવાબદારી ડીલરની છતાં Amc પાસે ૬૦ હજારથી વધુ વાહન ધારકોનો ડેટા ઉપલબ્ધ નથી
વર્ષ-૨૦૧૯થી ૨૦૨૧ સુધીમાં મ્યુનિ.તંત્રે ૬૪ હજારથી વધુ વાહનધારકોને અનપેઈડની નોટિસ આપી હતી
અમદાવાદ,મંગળવાર,29
ઓકટોબર,2024
કોઈપણ વાહનની ખરીદી કરવામાં આવ્યા બાદ આજીવન વ્હીકલ ટેકસ
ભરવાની જવાબદારી ડીલરો ઉપાડી લેતા હોય છે.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
ટેકસ વિભાગ પાસે ૬૦ હજારથી વધુ વાહનધારકોનો વ્હીકલ ટેકસ અંગેનો ડેટા ઉપલબ્ધ
નથી.વર્ષ-૨૦૧૯થી ૨૦૨૧ સુધીના સમયમાં આર.ટી.ઓ.પાસેથી ડેટા મંગાવાયા બાદ
મ્યુનિ.તંત્રે ૬૪૪૧૨ વાહન ધારકોને અનપેઈડની નોટિસ આપી હતી.જેના કારણે તંત્રને
રુપિયા ૨.૪૭ કરોડની આવક થઈ હતી. વર્ષ-૨૦૨૨ અને વર્ષ-૨૦૨૩ના વાહનધારકો અંગેનો તેમજ
વર્ષ-૨૦૨૧ સુધીના ૬૦ હજારથી વધુ વાહનધારકોના વ્હીકલ ટેકસ અંગેનો ડેટા
મ્યુનિ.અધિકારી પાસે ઉપલબ્ધ નહીં હોવાથી તેમણે સંપર્ક કરવાનું ટાળી દીધુ હતુ.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાંથી આર.ટી.ઓ.સુભાષબ્રિજ
તથા વસ્ત્રાલ ખાતે નોંધાયેલા વાહનધારકો અંગે મ્યુનિ.ના ટેકસ વિભાગ તરફથી વિગત
મંગાવવામાં આવી હતી. મ્યુનિસિપલ તંત્રને આપવામાં આવેલી વિગત પછી વર્ષ-૨૦૧૯થી ૨૦૨૧
દરમિયાન કુલ ૬૪૪૧૨ વાહન ધારકોને અનપેઈડની નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા જે
તે સમયે આપવામાં આવેલી અનપેઈડ નોટિસ પછી રુપિયા ૨.૪૭ કરોડની આવક થઈ હોવાનો દાવો
કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યકિત દ્વારા નવા વાહનની ખરીદી કરવામાં આવે છે એ સમયે
આજીવન વ્હીકલ ટેકસ મોટાભાગના કેસમાં ડીલરો ભરપાઈ કરી તેની રીસીપ્ટ આપવાની સાથે
આર.ટી.ઓ.બુક પણ વાહનધારકને આપતા હોય છે. આ પ્રકારના સંજોગની વચ્ચે પણ અમદાવાદ
મ્યુનિ.ના ટેકસ વિભાગના અધિકારીને વર્ષ-૨૦૨૨ અને વર્ષ-૨૦૨૩ દરમિયાન આર.ટી.ઓ.માં
નવા કેટલા વાહન રજિસ્ટર્ડ કરવામાં આવ્યા,
રજિસ્ટર્ડ કરવામા આવેલા વાહન પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્હીકલ
ટેકસ પેટે કેટલી આવક થઈ એ અંગે કોઈ માહીતી જ નહતી. રેવન્યુ કમિટીની મળેલી બેઠકમાં
ટેકસ વિભાગના અધિકારીઓને બાકીના વર્ષમાં આર.ટી.ઓ.માં રજિસ્ટર્ડ થયેલા તમામ
કેટેગરીના વાહનો, વાહનધારકોની
સંખ્યા તેમજ કેટલી રકમનો વ્હીકલ ટેકસ વસૂલવાનો બાકી છે એ અંગેની વિગત પુછવામાં
આવતા અધિકારીઓ ચોકકસ જવાબ આપી શકયા નહતા. કમિટીની બેઠકમાંઅંતે વ્હીકલ ટેકસ બાકી
હોય એવા તમામ વાહનધારકોને અનપેઈડની નોટિસ આપવા અધિકારીઓને સુચના અપાઈ હતી.