લિવેબલ,સ્માર્ટ સિટીનો ટેગ છતાં અમદાવાદમાં પ્રાથમિક સુવિધાને લગતી રોજની બે હજાર ફરિયાદ
સાડા ત્રણ વર્ષના સમયમાં ૨૨.૫૦ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકોએ કરી
અમદાવાદ,શુક્રવાર,25 ઓકટોબર,2024
અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને સત્તાધારી
ભાજપ દ્વારા લિવેબલ અને સ્માર્ટ સિટીના ટેગ અંગે અવારનવાર ગુલબાંગ હાંકવામાં આવે
છે.બીજી તરફ અમદાવાદમાં પ્રાથમિક સુવિધાને લગતી લોકો રોજની બે હજાર ફરિયાદ કરે
છે.સાડા ત્રણ વર્ષના સમયમાં ૨૨.૫૦ લાખથી વધુ પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ
શહેરીજનો તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામા આવી છે. આ મુદ્દે
મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા.
મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામા આવતી નળ,ગટર અને રસ્તા
સહીતની અન્ય પ્રાથમિક સુવિધાના સતત કથળી રહેલા સ્તર ઉપર વિપક્ષનેતાએ આકરા પ્રહાર
કર્યા હતા. અમદાવાદને કલીનેસ્ટ સિટી સહીતના નવા નવા નામથી ઓળખ આપવાનો વહીવટી તંત્ર
અને શાસકપક્ષ પ્રયાસ કરતુ રહે છે.પરંતુ લોકો તરફથી પ્રાથમિક સુવિધાને લઈ કરવામા
આવતી ફરિયાદોનો પણ નિકાલ કરવામા આવતો નથી.મોટાભાગની ફરિયાદો નિકાલ કર્યા પહેલા જ
કલોઝ કરી દેવામાં આવે છે.એપ્રિલ-૨૦૨૧થી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીના સાડા ત્રણ વર્ષના
સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકો તરફથી
કરવામા આવેલી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદોમાં ૧૩ લાખથી વધુ ફરિયાદ નળ,ગટર અને રસ્તાની
છે.સાડા ત્રણ વર્ષ એટલે કે ૧૨૭૭ દિવસના સમયમાં મળેલી ફરિયાદોમાં ૨.૩૫ લાક ફરિયાદ
સફાઈ અંગેની તથા ૨.૭૪ લાખ ફરિયાદ સ્ટ્રીટ લાઈટ અંગેની હતી.
કયા ઝોનમાં કેટલી ફરિયાદ
ઝોન કુલ
ફરિયાદ(લાખમાં)
મધ્ય ૪.૧૦
પૂર્વ ૨.૪૧
ઉત્તર ૪.૧૨
ઉ.પ. ૧.૮૮
દક્ષિણ ૩.૬૦
દ.પ. ૧.૨૯
પશ્ચિમ ૪.૮૯