હેપીનેસ ઈન્ડેકસ વધારવાની જાહેરાત છતાં અમદાવાદ મ્યુનિ.કોર્પોના ઓકિસજન પાર્ક બદતર હાલતમાં
ઓકિસજન પાર્કમાં છાણ પડેલુ હોય તો લોકોની હેપીનેસ વધે કેવી રીતે
અમદાવાદ,શુક્રવાર,23 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સમયે સત્તાધારી પક્ષે
શહેરીજનોના હેપીનેસ ઈન્ડેકસમાં વધારો થાય એ પ્રકારનુ બજેટ હોવાની જાહેરાત કરી
હતી.બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઓકિસજન પાર્ક બદતર હાલતમાં
છે.શહેરીજનોને શુધ્ધ હવા મળે એ માટે બનાવવામાં આવેલા ઓકિસજન પાર્કમાં છાણ પડેલુ
હોય તો લોકોની હેપીનેસમાં કેવી રીતે વધારો થાય એમ વિપક્ષે મ્યુનિ.બોર્ડ બેઠકમાં
રજૂઆત કરી હતી.
હવાના પ્રદૂષણમાં થઈ રહેલા સતત વધારાની વચ્ચે અમદાવાદ
મ્યુનિ.ની હદમાં ૧૯ ઓકિસજન પાર્ક ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવેલા
છે.શહેરના લોકો સતત પ્રદૂષિત વાતાવરણમાંથી મુકિત મેળવવા આ ઓકિસજન પાર્કની મુલાકાત
લેતા હોય છે.પરંતુ ત્યાં પણ બદતર હાલત જોવા મળે છે.મ્યુનિ.બોર્ડ બેઠકમાં
વિપક્ષનેતાએ ઓકિસજન પાર્કની ખરાબ હાલત અંગે રજૂઆત કરતા કહયુ,નવા વાડજમાં
બનાવવામાં આવેલા ઓકિસજન પાર્કમાં તો છાણના ઢગલા પડેલા હોય છે.સાયન્સ સિટી
વિસ્તારમાં બનાવવામાં આવેલો ઓકિસજન પાર્ક મેદાનમાં ફેરવાઈ ગયો છે.ઓકિસજન પાર્ક
તૈયાર કરાવવા પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ પ્રદૂષિત હવા જ મળવાની હોય તો એનો શુ
અર્થ એવી રજૂઆત કરાતા રિક્રીએશન કમિટિના ચેરમેન વિભાગમાં બચાવનો પ્રયાસ કર્યો હતો.શહેરના
તળાવને ઈન્ટર લિંક કરવાની કાર્યવાહી પણ કાગળ ઉપર કરવામાં આવી હોવાનો બેઠકમાં
આક્ષેપ કરાયો હતો.
ઓકિસજન પાર્ક આસપાસના વિસ્તારમાં હવા શુધ્ધ થઈ હોવા અંગે
કોઈ સર્વે નથી કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી વિવિધ
વિસ્તારમાં ઓકિસજન પાર્ક બનાવવા લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.ઓકિસજન પાર્ક
જે વિસ્તારમાં બનાવવામાં આવ્યા હોય એની આસપાસ આવેલા વિસ્તારમાં હવા કેટલી શુધ્ધ થઈ
અથવા કાર્બન એમીસનમાં કેટલો ઘટાડો થયો એ અંગે ગાર્ડન વિભાગ તરફથી કોઈ સર્વે કરાયો
નથી.
કયા ઓકિસજન પાર્કની બદતર હાલત
૧.નવા વાડજ
૨.સુદર્શન એલિગન્સ સામે
૩.સાયન્સ સિટી,ટી.પી.૨૧૨-૧
૪.ગુલમહોર વિલા,સાયન્સ
સિટી
૫.ટેલીફોન એકસચેઈન્જ,નારણપુરા
૬.પાંચા તળાવ,ઓકિસજનપાર્ક
૭.ભાડજ ઓકિસજન પાર્ક
૮.યાદુડી,છારોડી
ઓકિસજન પાર્ક
૯.ચાંદલોડીયા ઓકિસજન પાર્ક
૧૦.સરખેજ ઓકિસજન પાર્ક