અમદાવાદ મ્યુનિ.માં વીસ વર્ષથી સત્તા છતાં ભાજપના નેતાઓને ગેરકાયદે બાંધકામ તોડવા મેયરને ફરિયાદ કરવી પડે છે
જમાલપુરમાં મ્યુનિ.ના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થયાનો એલિસબ્રિજના ધારાસભ્યનો આક્ષેપ
અમદાવાદ, સોમવાર,30 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વીસ વર્ષથી ભાજપ સત્તા
સ્થાને છે. આમ છતાં ભાજપના નેતાઓને ગેરકાયદેસર બાંધકામ તોડવા અંગે શહેરના મેયરને
ફરિયાદ કરવી પડે છે.જમાલપુરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં સાત માળ
સુધીનું ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યુ હોવા અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત
શાહે મેયરને લેખિત પત્રથી રજૂઆત કરી છે.
જમાલપુર વોર્ડને લઈ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે શહેરના
મેયર પ્રતિભા જૈનને લેખિત રજૂઆત કરી છે.રથયાત્રાના રુટ ઉપર જમાલપુરથી ખમાસા રોડ
ઉપર જમાલપુર પગથીયા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો (રાયખડ) સિટી
સર્વે નંબર-૧૮૮૦ નંબરનો પ્લોટ આવેલો છે.૧૮૮૧ નંબરના પ્લોટના માલિક છે તેણે ૧૮૮૦
નંબરના પ્લોટ ઉપર અમુક જગ્યા માહીતી મળ્યા
મુજબ સાત માળ સુધીનું બાંધકામ કરી કબજો
જમાવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ
છે.આ સંદર્ભમાં આ બાંધકામ ગેરકાયદેસર છે કે કેમ તે અંગે તપાસ કરી ગેરકાયદેસર રીતે
બાંધકામ કરવામાં આવ્યુ હોય તો લેન્ડ
ગ્રેબીંગનો ગુનો દાખલ કરી જે તે વ્યકિત
ઉપર કાર્યવાહી કરી પ્લોટનો કબજો પરત લેશો.
પ્લોટ મ્યુનિ.નો છે,બાંધકામને
લઈ તપાસ કરાવીશુ,રમ્ય
ભટ્ટ
એલિસબ્રિજના ધારાસભ્યે જમાલપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના
પ્લોટમાં સાત માળ સુધીનુ ગેરકાયદે બાંધકામ કરાયુ હોવાની મેયરને લેખિત રજૂઆત કરી
છે.આ અંગે મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહયુ, રાયખડ સિટી સર્વે
નંબર-૧૮૮૦ નંબરનો પ્લોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે પરંતુ બાંધકામ
ગેરકાયદેસર છે કે કેમ તે અંગે તપાસ કરાવીશું.
બે દાયકાથી સત્તામાં છતાં અધિકારીઓ ઉપર અંકુશ નહીં
વર્ષ-૨૦૦૫થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા
સ્થાને છે. એલિસબ્રિજના ધારાસભ્ય પોતે શહેરના મેયર, પક્ષનેતા ઉપરાંત એ.એમ.ટી.એસ.ના ચેરમેન પણ રહી ચૂકયા છે.
હાલમાં શહેર પ્રમુખ હોવા ઉપરાંત ધારાસભ્ય હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ તોડવા પોતાના જ પક્ષના મેયરને રજૂઆત કરવી પડતી હોય તો
એનો અર્થ એ છે કે, મ્યુનિસિપલ
વહીવટી તંત્રના અધિકારીઓ ઉપર સત્તાધારી પક્ષ કે તેના હોદ્દેદારોનો કોઈ અંકુશ નથી.