દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં મોટી કાર્યવાહી, વધુ એક કેસમાં 70 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ
Dahod News: દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદના સર્વે નંબરના 112 જમીન માલકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 70થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધાતા સમગ્ર દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નકલી બિન ખેતી કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈષવ પરીખની ધરપકડ બાદ એકાએક તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ પણ નકલી બિન ખેતી કેસમાં 33 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
આ અગાઉ પણ દાહોદમાં બોગસ બિન ખેતી પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા રેવન્યૂ સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારને આર્થિક નુકસાન કરી છેતરપિંડી કરવાના બનાવમાં ત્રણ ફરિયાદોમાં સાત મહિલાઓ સહિત 33 સામે નામજોગ ગુનો દાખલ થયો છે. વિવિધ સર્વે નંબરોમાં ડીડીઓ કચેરીના 14, એસડીએમ કચેરીના 3 તેમજ કલેકટર કચેરીના ત્રણ મળી કુલ 19 બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ ફેરપ્લે સટ્ટાબાજી એપનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો, મુંબઈ અને કચ્છમાં 8 સ્થળોએ EDના દરોડા
દાહોદમાં દાહોદના મન્નાન તાહેરભાઇ જીનીયા, નલવાયા રતનસિંહ લુણાજી, મોઢિયા મીઠાલાલ માણેકલાલ, સૈફુદ્દીન નોમાન જીરુવાલા, નિકેશ ગંભીરસિંહ બળદવાળા, સુલેમાન બેલીમ જામદરખા, નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા, કાળીયાની વિધવા દુખલી રળીયાદીના માવી દિનેશ દિતિયા, નસીરપુરના કતીજા હમલા કરસના, મંડાવાવ ગામના નલવાયા રાયસીંગ કુંવરા, ખરોડ ગામના મોતિયા સુરપાલ નીનામા તથા રામપુરા ગામના બદલી માતરા મુણીયા વગેરેએ તારીખ 13 જુલાઈ 2009થી 29 ડિસેમ્બર 2018 દરમિયાન દેલસરની રેવન્યૂ સર્વે નંબર 35/1/5 પૈકી 3, દાહોદની સીટી સર્વે નંબર 1613/1, દાહોદના રેવન્યૂ સર્વે નંબર 574, દેલસરના રેવન્યૂ સર્વે નંબર 50/1, દાહોદના રેવન્યૂ સર્વે નંબર (13/2) (31/10), કતવારાના રેવન્યૂ નંબર 100, બોરવાનીના રેવન્યૂ સર્વે નંબર 142, દાહોદના રેવન્યૂ સર્વે નંબર 449 પૈકી 1 તેમજ રેવન્યૂ સર્વે નંબર 450/1, નસીરપુરના રેવન્યૂ સર્વે નંબર 48/2, મંડાવની રેવન્યૂ સર્વે નંબર 251, ખરોડના રેવન્યૂ સર્વે નંબર 301/306, રામપુરાના રેવન્યૂ સર્વે નંબર 20, દાહોદના રેવન્યૂ સર્વે 97/2 પૈકી 83 વાળી જમીનોમાં બોગસ બિન ખેતી તેમજ 37એ ના બનાવટી હુકમો તૈયાર કરી તેને સાચા તરીકે વિવિધ કચેરીઓમાં ઉપયોગકર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં દાહોદના આઠ સહિત કુલ ૧૩ સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.
સોસાયટીના સભ્ય તરીકે મહિલાનું નામ દાખલ કરવા બનાવટી હુકમ
આ સિવાય દાહોદની લેન્ડ માર્ક હાઇરાઇઝ બિલ્ડિંગ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. તેના ડેવલોપર તરીકે આ બિલ્ડીંગમાં કામ કરનાર શૈશવ પરીખ બોગસ બિન ખેતી પ્રકરણમાં જેલવાસો ભોગવી રહ્યા છે. જેમાં એક મહિલા સહિત ત્રણ સામે ફોજદારી ગુનો દાખલ થયો છે. આ જમીન સીટી સરવે 1601/1, 1601/1/6 વાળી જમીનમાં શહેરના ગોધરા રોડ ભાગોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત કેશવલાલ શાહ, શ્રીકાંત શાહ તેમજ દીનાબેન શ્રીકાંત શાહે પોતાના મળતિયાઓ સાથે તારીખ 20 મે 2017થી તારીખ 14 જુલાઈ 2022 દરમિયાન પ્રાંત અધિકારીનો બોગસ હુકમ ઉભો કર્યો હતો. જેના આધારે સર્વે નંબર 1601/અ/6માં 783.75 ક્ષેત્રફળ પૈકી 129.3750 ચોરસ મીટર જમીનમાં ભાગ્યોદય કો. ઓપરેટીવ સોસાયટી- દાહોદના સભ્ય બીનાબેન શાહનું નામ દાખલ કરવા ખોટો બનાવટી હુકમ બનાવ્યો હતો. જેનો સીટી સર્વે કચેરીમાં ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી દઇ મિલકત બારોબાર વેચાણ કરી દેતા આ ત્રણેય સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસ કમિશનરનો મહત્ત્વનો આદેશઃ પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી
એકજ પરિવારના ત્રણ સભ્યો દ્વારા 2.86 કરોડના પ્રીમિયમની ચોરી
દાહોદ કસ્વાની જુની ચંદન તલાવડીની આગળના ભાગે આવેલા રેવન્યૂ સર્વને ૭૨૪ સીટી સર્વે નંબર 1618 માં મોટા ઘાંચીવાડા વિસ્તારના કૈયા યુસુફ મોહમ્મદ સફી, કૈયા ઇબ્રાહીમ મોહમ્મદ સફી તેમજ કૈયા સુલેમાન મોહમ્મદ સફીએ અન્ય મળતિયાઓ સાથે ભેગા મળી તારીખ 13 મે 2015થી તારીખ 4 ડિસેમ્બર 2020ના સમયગાળા દરમિયાન 3293 ક્ષેત્રફળ વાળી જમીનમાં નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીના 15 મે 2016નો બોગસ હુકમ બનાવ્યો હતો. જેનો સીટી સર્વે કચેરીમાં ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું હતું. જેના આધારે 2,86,450ની સરકારના પ્રિમિયમની ચોરી કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે આ ત્રણેય ઇસમો સામે ફોજદારી ગુનો દાખલ કર્યા બાદ ધરપકડ કરી હતી.
દાહોદની સાત મહિલા સહિત 14 ઇસમો દ્વારા ઠગાઇ કરતા ગુનો દાખલ
દાહોદમાં બિનખેતીના ખોટા હુકમો બનાવી દાહોદ કલેકટર કચેરીમાં તેનો ઉપયોગ કરતા દાહોદની સાત મહિલા સહિત કુલ 14 વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. દાહોદના કૃષ્ણકાંત દુર્લભદાસ ગાંધી, નૂરજહાં અસલમ પટેલ, ભારતીબેન કૃષ્ણકાંત ગાંધી, રાજેશકુમાર કૃષ્ણકાંત ગાંધી, બિલાલ વલીભાઇ પટેલ, સઇદ વલીભાઇ પટેલ, ફિરોજ વલીભાઇ પટેલ, રુકસાના વલીભાઇ પટેલ, નુરજહાં વલીભાઇ પટેલ, ફાતેમા સલીમ પટેલ, તૌફીક સલીમ પટેલ, હિના સલીમ પટેલ, નરગીસ સલીમ પટેલ તથા જાદરખા રાજબખા બેલીમ એમ કુલ 14 લોકોએ તારીખ 19 નવેમ્બર 1974થી 3 જુલાઈ 2018ના સમયગાળા દરમિયાન પોતાના મળતિયા સાથે ભેગા મળી ષડયંત્ર રચ્યું હતું. રેવન્યૂ સર્વે નંબર 769/3/1 તેમજ 769/3/2 તેમજ 797/1 રેવન્યૂ સર્વે નંબર 554 પૈકી 2 તેમજ 554/3 વાળી જમીનમાં બિન ખેતીના ખોટા હુકમો તૈયાર કર્યા હતાં અને સરકારી કચેરીમા પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રિમીયમની ચોરી કરી હતી. દાહોદ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા આર.એચ. શેખે દાહોદ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દાહોદની સાત મહિલા સહિત કુલ 14 લોકો વિરૂદ્ધ ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.