અમદાવાદના 'બંટી ઔર બબલી'એ 3 અઠવાડિયામાં પૈસા ડબલ કરવાની 3.87 કરોડ સેરવી લીધા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
અમદાવાદના 'બંટી ઔર બબલી'એ 3 અઠવાડિયામાં પૈસા ડબલ કરવાની 3.87 કરોડ સેરવી લીધા 1 - image


Fraud in Ahmedabad : અમદાવાદના થલતેજમાં રહેતા એક મહિલાને રોકાણની સામે ત્રણ સપ્તાહમાં જ બમણાં નાણાં આપવાની લાલચ આપીને દંપતિએ  રૂપિયા 3.87 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથકે નોંધવામાં આવી છે.  ફરિયાદી મહિલાનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ 10 લાખના રોકાણની સામે 20 લાખનું વળતર અપાવીને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે.

વીમા કંપનીમાં રોકાણ કરાવતા હોવાનું કહીને ખોટા વાયદા કર્યા હતા

શહેરના થલતેજ સુરધારા સર્કલ પાસે આવેલા મણીચંદ્ર સોસાયટીમાં રહેતા વૈશાલીબેન પટેલના પતિનું અવસાન વર્ષ 2018માં થયું હતું.  વર્ષ 2021માં તેમના સસરાએ જમીનનું વેચાણ કરતા સારી એવી રકમ મળી હતી. આ રકમનું યોગ્ય જગ્યાએ રોકાણ થાય તે માટે વૈશાલીબેન આયોજન કરતા હતા. 

આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે  જીગ્નેશ પંડ્યા (રહે. ઓર્ચિડ પ્રાઇડ, સાઉથ બોપલ) ઇન્સ્યોરન્સ અને ઇન્સ્વેસ્ટમેન્ટનું કામ કરે છે. જેથી રોકાણની સલાહ લેવા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે તે જીગ્નેશ પંડ્યાની સાથે તેની પત્ની રન્નાને પણ મળ્યા હતા. જીગ્નેશે તેમને કહ્યું હતું કે તે ભારતી એક્સા લાઇફ કંપનીમાં સારા હોદા પર કામ કરે છે. જેથી તે ઇન્સ્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો મેનેજ કરી આપશે.એટલું જ નહી 21 દિવસમાં એટલે કે ત્રણ સપ્તાહમાં નાણાં બમણાં કરી આપશે. જેથી વિશ્વાસ કરીને વૈશાલીબેને પહેલા 10 લાખ રૂપિયા આપ્યા હતા. જે બમણા કરીને 20 લાખ થયાનું કહીને આપ્યા હતા.

ત્યારબાદ વધારે રોકાણની સામે નાણાંનું સારૂ વળતર અપાવવાનું કહીને 4.28 કરોડ રૂપિયા લીધા હતા. જેની સામે 40 લાખ જ પરત કરીને બાકીને રકમ નહી આપીને છેતરપિંડી આચરી હતી.  આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News