દેશમાં પ્રથમ ક્રોકોડાઇલ પાર્કનો પ્રોજેક્ટ ધૂળધાણી, સંકલનના અભાવે 5 કરોડનો ખર્ચ વેડફાયો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
crocodile park project in baroda has stalled


Baroda Crocodile Park: નવલખી કંપાઉન્ડ નજીક કૉર્પોરેશન અને વન ખાતા દ્વારા દેશનો પ્રથમ ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ વર્ષ 2008માં શરુ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમગ્ર પ્રોજેક્ટ સરકાર સાથેના સંકલનના અભાવના કારણે ઘૂળધાણી કરી દેવામાં આવ્યો છે. જેથી મગરો પણ વિશ્વામિત્રીના પાણીની સાથે સાથે બહાર સોસાયટી વિસ્તારમાં લટાર મારવા નીકળી પડે છે. શહેરની મઘ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર સાબરમતી નદીની જેમ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયના મૅયર અને હાલના વિધાનસભાના દંડક બાળુ શુક્લએ માટીના પાળા બનાવવાની શરુઆત કરી હતી અને તે સમયે વિશ્વામિત્રીમાં મગરોની સંખ્યા વઘુ હોવાથી વિશ્વામિત્રીમાં જેસીબી અને બુલડોઝર ઉતારવામાં આવતાં હોવાથી જળચર પ્રાણીને નુકસાન થતું હતું જેથી પર્યાવરણવિદોએ તેનો વિરોધ કર્યો હતો અને સમગ્ર મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો.

મગરો માટે સુરક્ષિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો

આ જળચર પ્રાણીઓનો પ્રશ્ન સર્જાતાં ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં દેણાથી વડસર સુધીના વિસ્તારમાં વસતાં મગરોને એક જ સ્થળે સાથે રાખી ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું નક્કી થયું હતું. જેથી મગરો માટેની સુરક્ષિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં નવલખી મેદાન પાછળ વિશ્વામિત્રીના કિનારા પાસેની 60 એકર ખુલ્લી જગ્યામાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ ધીમી ગતિએ શરુ થયો હતો. તે બાદ કમિશ્નર પદે એચ. એસ. પટેલની નિયુક્તિ થઈ. રાજમહેલની યુએલસીમાં ખુલ્લી થયેલી 60 એકર જમીન હાઉસિંગ માટે હતી પરંતુ નદી કિનારાની જગ્યા હોવાથી હાઉસિંગ માટે ખાડા ટેકરાને કારણે તે જગ્યા પર હાઉસિંગની સ્કીમ થઈ શકે તેમ ન હતી. જેથી તત્કાલીન કમિશ્નર એચ. એસ. પટેલે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીની મંજૂરી લઈ આ જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે વન ખાતાને જવાબદારી સોપવાનું નક્કી કર્યું હતું. આ જમીન વન ખાતાને સોપવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ વન ખાતાએ ક્રોકોડાઇલ પાર્ક માટે ફેન્સિંગ રૂ. 5 કરોડની માતબર રકમ ફાળવી હતી અને ફેન્સિંગ કરવામાં આવી હતી.

સમગ્ર પ્રોજેક્ટ અભરાઇ પર ચડી ગયો

કૉર્પોરેશન દ્વારા આ કામગીરી કરવાની અને રાજ્યના મહેસૂલ વિભાગ સુધીની સમગ્ર મંજૂરી લેવામાં આવી હતી. દરમ્યાનમાં ઑડિટ વિભાગ દ્વારા આ જમીન કૉર્પોરેશન અને વન ખાતાને ફાળવવામાં આવી. તેના બદલામાં જમીનની કિંમત લેવામાં આવી છે કે કેમ? તે અંગેનો ખુલાસો જિલ્લા કલેક્ટરને કરવામાં આવ્યો હતો. જેથી તેનો યોગ્ય રીતે ખુલાસો નહીં થતા સમગ્ર પ્રોજેક્ટ બે વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અભરાઈ પર ચડી ગયો છે.

crocodile park project in baroda has stalled

જમીન તબદીલીની રકમના વિવાદને કારણે  ક્રોકોડાઇલ પાર્ક અભરાઈ પર

વહીવટી તંત્ર વચ્ચેના સંકલનના અભાવે ક્રોકોડાઇલ પાર્ક અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે. સરકારના ધારાધોરણ મુજબ એક વિભાગમાંથી બીજા વિભાગને જમીન તબદીલ કરવાની હોય તો તે જમીનની રકમ સરકારે લેવાની હોતી નથી તેમ છતાં ઑડિટ વિભાગે જમીનની કિંમત અંગે વાંધો લીધો હતો જેથી આજે વર્ષો પછી પણ ક્રોકોડાઇલ પાર્કની જમીન અંગેનો વિવાદ યથાવત્ રહ્યો છે.

આ પણ વાંચો : ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, BSFના બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

ઑડિટ વિભાગે વાંધો લીધો ત્યારથી સમગ્ર પ્રોજેક્ટ ઠપ પડ્યો

વિશ્વામિત્રી નદી કિનારે નવલખી કંપાઉન્ડને અડીને આવેલી જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ જમીનની રકમ અંગેનો ઑડિટ વિભાગે વાંધો લીધો ત્યારથી સમગ્ર પ્રોજેક્ટ ઠપ પડ્યો છે. અગાઉ આ જમીન અંગે મહેસૂલ વિભાગની પણ મંજૂરી લેવામાં આવી હતી તેમ છતાં જમીનની કિંમત અંગે ઑડિટ વિભાગના વાંધાને કારણે આજે પણ વિવાદ રહેલો છે.

crocodile park project in baroda has stalled

સયાજીરાવના સમયથી રાજમહેલમાં ક્રોકોડાઇલ પોન્ડ હતું

સયાજીરાવ ગાયકવાડના સમયથી રાજમહેલ કંપાઉન્ડમાં ક્રોકોડાઇલ પોન્ડ હતું, જેમાં મગરો રાખવામાં આવતાં હતા અને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. જે મગરનું નામ બોલે તે મગર તળાવના કિનારે બહાર આવતો અને જે વ્યક્તિ મગરનો રિંગ માસ્ટર હોય તે કિનારે આવેલા મગરને ખાવાનું ખવડાવી તળાવમાં પરત જવા સૂચના આપતા હતા. આઝાદી સમયે રાજ્યોના વિલીનીકરણ થઈ ગયા બાદ ક્રોકોડાઇલ પોન્ડમાં રાખેલા મગરોની દેખભાળ કરવાનું રાજવી પરિવાર માટે મુશ્કેલ બન્યું હતું. જેથી તે મગરોને વિશ્વામિત્રી નદીમાં રાખવાની વ્યવસ્થા કરી હતી જેથી ધીરે ધીરે મગરો છેક દેણા ગામ અને વડસર સુધી પરિવારને રહેવા વસવાટના ગોખ બનાવવા માંડ્યા હતા. જેથી આજે વિશ્વામિત્રી નદીમાં અંદાજે 500થી વઘુ મગર વસવાટ કરતાં થઈ ગયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 4 બાળકોનાં મોત, કુલ મૃત્યુઆંક 65 થયો, લોકોની ચિંતા વધી

ક્રોકોડાઇલ પાર્ક માટે 60 એકર જમીન ફાળવવામાં આવી હતી

રાજમહેલ નવલખી કંપાઉન્ડ કૃત્રિમ તળાવ પાછળ ક્રોકોડાઇલ પાર્ક માટે ૬૦ એકર જમીન ફાળવવામાં આવી હતી જ્યાં દેશનું પ્રથમ ક્રોકોડાઇલ કન્ઝર્વેશન સેન્ટર બનાવવાનું આયોજન હતું. વિશ્વામિત્રી નદીના દેણા ગામથી લઈને વડસર સુધીના વિસ્તારમાં અનેક સલામત જગ્યાએ મગરોએ પોતાના વસવાટ બનાવ્યા છે. ખાસ કરીને સયાજીબાગ મ્યુનિસિપલ કમિશ્નરના બંગલાથી લઈને છેક પ્લેનેટોરિયમ સુધીના વિસ્તારમાં મગરોના વસવાટ આવેલા છે. તે બાદ ભીમનાથ બ્રિજ પાસે અને વડસર બ્રિજની આસપાસ પણ મગરો ગોખ બનાવી વસવાટ કરી રહ્યા છે એ સ્થિતિને ઘ્યાનમાં રાખી આ સમગ્ર વિસ્તારમાં વસવાટ કરતાં મગરોનું ક્રોકોડાઇલ કન્ઝર્વેશન સેન્ટર બનાવવાનું નક્કી થયું હતું.

દેશમાં પ્રથમ ક્રોકોડાઇલ પાર્કનો પ્રોજેક્ટ ધૂળધાણી, સંકલનના અભાવે 5 કરોડનો ખર્ચ વેડફાયો 4 - image


Google NewsGoogle News