Get The App

૨૦૧૯માં કાંકરિયા રાઈડ દુર્ઘટનાનાં દોષિત સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને બાલવાટીકા ડેવલપમેન્ટના નામે તાસકમાં અપાઈ

રાઈડ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા, સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને મ્યુનિ.શાસકપક્ષે બ્લેકલિસ્ટ પણ કર્યુ નથી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
૨૦૧૯માં કાંકરિયા રાઈડ દુર્ઘટનાનાં દોષિત સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને બાલવાટીકા ડેવલપમેન્ટના નામે તાસકમાં અપાઈ 1 - image


અમદાવાદ,શુક્રવાર,15 માર્ચ,2024

વર્ષ-૨૦૧૯ના જૂલાઈ માસમાં કાંકરિયા ખાતે રાઈડ દુર્ઘટના બની હતી.જેમાં બે લોકોના મોત થયા હતા.૨૯થી વધુ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.દુર્ઘટના બાદ રાઈડ સંચાલક એવા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ર્ના માલિક અને તેમના પુત્રની ધરપકડ કરાઈ હતી.એક વર્ષથી વધુ સમય કારાવાસમા રહયા બાદ જામીનમુકત થયેલા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને  ૧૨ હજાર ચોરસવાર જગ્યામાં વર્ષો પહેલા બનાવવામા આવેલી બાલવાટીકા ડેવલપમેન્ટના નામે ભાજપ સત્તાધીશોએ તાસકમાં ધરી દીધી છે.પાંચ વર્ષ અગાઉ બનેલી રાઈડ દુર્ઘટનાને લઈ હજુ સુધી મ્યુનિ.શાસકપક્ષ તરફથી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કને બ્લેકલિસ્ટ કરવાની તસ્દી સુધ્ધા લીધી નથી.કાંકરિયા ખાતે જલધારા વોટરપાર્ક બાદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કને રુપિયા ૧૫.૫૦ કરોડના ખર્ચથી બાલવાટીકા નવીનીકરણના નામે સોંપવાનો નિર્ણય મ્યુનિ.ભાજપમાં પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

અમરાઈવાડી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ના માલિક-પ્રોપરાયટર છે.વર્ષ-૨૦૧૯માં ૧૯ જૂલાઈના રોજ સાંજે પાંચ કલાકના સુમારે રાઈડ તૂટી પડી હતી.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજય અને દેશભરમાં પડયા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાનમા લઈ એ સમયની તત્કાલિન રાજય સરકારે તાત્કાલિક અસરથી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી તમામ નાની-મોટી રાઈડ બંધ કરાવી દઈ રાઈડ દુર્ઘટના મામલે તપાસ શરુ કરી હતી.દરમિયાન સુપસસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ના સંચાલકને જેલ ભેગા કરવામા આવ્યા બાદ ભાજપના નેતાઓએ છેક સરકાર સુધી તેમની મુકિત માટે દબાણ શરુ કર્યુ હતુ.રાજય સરકારના આર.એન્ડ બી.દ્વારા રાઈડ દુર્ઘટના બાદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની અનેક ક્ષતિ એ સમયે તપાસમાં બહાર આવી હતી.કાંકરિયા  ખાતે જલધારા વોટર પાર્ક અગાઉ ઘણી વખત વિવાદમા આવી ચૂકયો છે.વર્તમાન ભાજપના સત્તાધીશોએ ગુરુવારે  લોકસભા ચૂંટણી અગાઉની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટિમાં બાલવાટીકા ડેવલપ કરવાના નામે વિવાદાસ્પદ એવા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ને પધરાવી દેવાનો નિર્ણય કરાયો હતો.

બાલવાટીકાની એન્ટ્રી ફી રુપિયા ૩૦થી ૫૦ સુધી વસૂલાશે

મ્યુનિસિપલ તંત્ર તરફથી બાલવાટીકાની જમીન પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧૮૭ના દરથી અપાશે.મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક તરફથી ૨૭ ટકા રેવન્યુ શેર આપવામાં આવશે એમ તંત્ર તરફથી દાવો કરવામા આવી રહયો છે.પરંતુ નવીનીકરણ કરાયા બાદ બાલવાટીકામા એન્ટ્રી લેવા માટે મુલાકાતીઓને રુપિયા ૩૦થી ૫૦ સુધીની રકમ ચૂકવવી પડશે.બાલવાટીકામાં એગ્રો એન્ડ સેમ્પલીંગ પાર્ક, સેલ્ફી ઝોન સહિતની વિવિધ એકવીટી ઉભી કરાશે.દરેક માટેના દર મુલાકાતીઓએ અલગ અલગ ચૂકવવાના રહેશે.

ગોતામાં યુ-૨૦ પાર્ક બનાવવા ૪૨ લાખ રુપિયા આર્કીટેકને ફી ચૂકવાશે

ગોતા વોર્ડમાં ૭૧૫૬ ચોરસ મીટરના પ્લોટને યુ-૨૦ ગાર્ડન તરીકે ડેવલપ કરવા રુપિયા સાત કરોડથી વધુની રકમથી કોન્ટ્રાકટર આસોપાલવ ગાર્ડન કન્સલ્ટન્ટને કામ આપવા સ્ટેન્ડિંગ કમિટિએ નિર્ણય કર્યો છે.આર્કીટેકટ તરીકે પ્રભાકર.બી.ભાગવતને કન્સલટન્ટ તરીકે પ્રોજેકટ કોસ્ટના  રુપિયા ૪૨ લાખ ફી જી.એસ.ટી.સાથે ચૂકવાશે.મ્યુનિ.ના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલના કહેવા મુજબ, આ અગાઉ પણ મ્યુનિ.ના ગાર્ડન ડેવલપ કરવા કન્સલ્ટન્ટની મદદ લેવામાં આવી છે.  


Google NewsGoogle News