'અમને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા, હવે તે ભાજપમાં જોડાશે', રોહન ગુપ્તા પર કોંગ્રેસ ગુસ્સે ભરાઈ
Rohan Gupta Resigns : લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પરત લીધા બાદ રોહન ગુપ્તાએ આજે (22 માર્ચ) કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. તો બીજી તરફ રોહન ગુપ્તાના રાજીનામાંને લઈને હવે કોંગ્રેસ ગુસ્સે ભરાઈ છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા રોહન ગુપ્તા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા : મનીષ દોશી
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તા પર આરોપ લગાવ્યો કે, 'રોહન ગુપ્તાના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષને પહેલેથી જ જાણ હતી. કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા. કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની ફક્ત જાહેરાત કરી, પણ ટિકિટ આપી નહોતી. રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. સ્ક્રિપ્ટ પ્રમાણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તે કોંગ્રેસ માટે સારી વાત છે. રોહન ગુપ્તાએનાં આરોપ પાયાવિહોણા છે. ત્રણ વર્ષથી કોંગ્રેસે કોરાણે મુક્યાએ વાત સાચી છે. અગાઉ પક્ષની બેઠકમાંથી રણનીતિઓ તથા સ્લોગન સહિતની ગુપ્ત માહિતીઓ લીક થતી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત લીક કરી હતી. અનેક રાજકીય વિશ્વેષકોએ પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા મેળવી હતી. ટિકિટ મળી અને પિતાની તબિયતની વાત કરીને રાજીનામું આપ્યું. ટાઈમ લાઈન નક્કી હતી એ મુજબ રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતી. અમે રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશેએ ખાતરી છે. હવે અમારા કાર્યકરો ફટાકડા ફોડે તો નવાઈ નહીં.'
કોંગ્રેસ નેતાઓએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'રોહન ગુપ્તા ભાજપની લખેલી સ્ક્રિપ્ટ પર ચાલી રહ્યા છે.'
અમિત ચાવડાએ કહ્યું કે, 'કાચા પોચા લોકો હટી જાય. કોંગ્રેસ મજબૂત અને સામી છાતીએ ગોળી ખાવા વાળા લાખો કાર્યકરો છે.'
હેમાંગ વસાવડાએ કહ્યું કે, 'રોહન ગુપ્તાએ ગળે ઉતરે નહીં તેવા કારણો આપ્યા છે. હાઈકમાન્ડ તમારી ઈચ્છા જાણ્યા વગર ટિકિટ જાહેર કરતું નથી.'
હેમાંગ રાવલે કહ્યું કે, 'રોહન ગુપ્તાએ રાજીનામાંમાં જે આરોપ કરેલા છે તે પાયાવિહોણા છે. અહેમદ પટેલની ચૂંટણી અંગત બાબત હતી જે વિપક્ષ અને મીડિયાને જાણ નહોતી કરવાની. ધારાસભ્યોને બેંગલોર લઈ જવાયા હતા. બીજા દિવસે માહિતી મળી હતી કે રોહન ગુપ્તાએ આ માહિતી લીક કરી. વારંવાર દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના બંગલામાં રોહન ગુપ્તા બુકે લઈને જતા દેખાયા હતા. કોંગ્રેસ માટે નવાઈની વાત નથી. તેઓ વોર્ડની ચૂંટણીમાં પણ હારી ગયેલા હતા. હવે તેઓ ભાજપમાં જોડાશે.'
રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
રોહન ગુપ્તાએ કહ્યું કે, 'હું તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને એ જણાવતા દુઃખ થઈ રહ્યું છે કે, ગત બે વર્ષોથી પાર્ટીના સંચાર વિભાગથી જોડાયેલા એક વરિષ્ઠ નેતા દ્વારા સતત અપમાન અને ચરિત્ર હનન કરાઈ રહ્યું છે. હવે વ્યક્તિગત સંકટના સમયમાં મને આ (રાજીનામું) નિર્ણય લેવા માટે મજબૂર કરાયો.'
અગાઉ ઉમેદવારી પરત ખેંચી હતી
કોંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. રોહનના પિતા રાજકુમાર ગુપ્તાએ 2004માં લોકસભા ચૂંટણીમાં તત્કાલિન અમદાવાદ બેઠકથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જેમાં તેઓ હાર્યા હતા.
અગાઉ તેમના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું આપ્યું હતું
અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.
ગુજરાતમાં ક્યારે છે લોકસભા ચૂંટણી?
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. ઉમેદવારી પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે અને નામાંકનની છેલ્લી તારીખ 19 એપ્રિલ હશે, જ્યારે નામાંકન પત્રની તપાસ આગલા દિવસે થશે. નામાંકન પરત લેવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે.