Get The App

'સરકાર છતાં અમારા કામ થતા નથી..', ગુજરાતના ધારાસભ્યોની સરકારી બાબુઓ પર 'બ્લેમ ગેમ'

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Complaint of BJP MLAs in Gujarat


Complaint of BJP MLAs in Gujarat: આમજનતાનો ઠીક પણ ભાજપના ધારાસભ્યો જ ભાજપ સરકારથી ખુશ નથી. ભાજપના ધારાસભ્યો જ હવે જાહેરમાં ભડાશ કાઢી રહ્યાં છે કે, અમારી સરકાર છતાંય અમારા જ કામો થતાં નથી. સરકારી બાબુઓને પ્રજાલક્ષી કામો કરવામાં રસ રહ્યો નથી. અમદાવાદ ખાતે સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ એક સૂરે કહ્યું કે, 'વારંવાર રજૂઆત કર્યા પછીય જમીની સ્તરની કામગીરી થતી નથી.'

ભાજપના ધારાસભ્યોનો બળાપો

અનેક વખત રજૂઆત કરાઈ પણ સરકારી જમીન પર દબાણો દૂર કરાયા નથી, સરકારી બાબુઓ ધારાસભ્યોને ગાંઠતા નથી. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે એવો બળાપો કાઢ્યો હતો કે, 'સરકારી જમીનો પર દબાણ દૂર કરવા રજૂઆત કરી હોવા છતા તંત્રને જાણે કઈ પડી નથી. સંકલન સમિતિમાં 15 વખત દબાણને લઈને ફરિયાદ કરી હોવા છતા અધિકારીઓ એક જ જવાબ આપે છે કે, થઈ જશે. પણ અત્યાર સુધી અસરકારક પગલાં લેવાયા નથી.'

સરકારી બાબુઓ ધારાસભ્યોને ગાંઠતા નથી: અમુલ ભટ્ટ

ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે પણ જાહેર માર્ગો પર નોનવેજની ધમધમતી દુકાનો મુદ્દે પગલાં લેવા ફરિયાદ કરી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે જરાય રસ દાખવ્યો નથી. સરકારી બાબુઓ જાણે ધારાસભ્યોને ગાંઠતા જ નથી. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે નારોલ તળાવના વિકાસને લઈને છેલ્લાં દોઢ વર્ષથી રજૂઆત કરી રહ્યા છે છતા કોઈ નક્કર પગલાં લેવાતા નથી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ધડબડાટી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઘટ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો


નાછૂટકે ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જે જરૂરી પગલા નહીં ભરો તો નારોલ તળાવ પણ ચંડોળા તળાવ બની જશે. આ ઉગાઉ પણ ધારાસભ્ય અમુલ ભટ્ટે ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. અન્ય એક ધારાસભ્યએ તો જાહેરમાં કહ્યું હતું કે, વહીવટી તંત્રમાં ભષ્ટાચાર વકર્યો છે.આમ  ભાજપના ધારાસભ્યોને  સરકારી બાબુઓ ગાંઠતાં નથી. પ્રજાના કામો કરાવવામાં ય ધારાસભ્યોને આંખે  પાણી આવી રહ્યું છે. જો ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની આવી દશા હોય તો સામન્ય જનતાની શું હાલત હશે? તેવી કલ્પના કરવી રહી.

કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યું કે સંકલન સમિતિની બેઠકમાં માત્ર ચા-નાસ્તો થાય છે. જમીની સ્તરની કામગીરી થતી નથી. અનેકવાર ફરિયાદો કર્યા પછીય તંત્ર કામગીરી કરતુ નથી. 

ફૂટેલું તંત્ર: ફરિયાદનો પત્ર આક્ષેપિત લોકોને બતાવે છે!

સરકારી તંત્ર જ ફુટેલું છે તેવો ભાજપના ધારાસભ્યનો આરોપ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોની સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યએ એવો ઉભરો ઠાલવ્યોકે, જો દબાણ તોડાવવા માટે ફરિયાદ કરો તો મ્યુનિ.ના અધિકારી જે તે વ્યક્તિને ધારાસભ્યનો ફરિયાદનો લેટર દેખાડી દે છે. ફરિયાદમાં શું શું લખ્યુ છે તેની વિગતો સુધ્ધાં આપી દે છે. ભાજપના ધારાસભ્યએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યોકે, તો પછી, અમારી સલામતીની શું? આમ, ભાજપના ધારાસભ્યો જ |સરકારી અધિકારીઓની પોલ ઉઘાડી પાડી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યો અધિકારીરાજને લઈને નારાજ છે. ધારાસભ્ય કુમાર કાનાણી, યોગેશ પટેલથી માંડીને દસથી વધુ ધારાસભ્યો સરકારી તંત્ર-અધિકારીઓની વિવિધ ફરિયાદોને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ કરી ચૂક્યા છે. આ સિલસીલો હજુય જારી રહ્યો છે. સરકારી બાબુઓ કોઈને ગાંઠતા નથી. એટલું જ નહીં, સચિવાલયથી માંડીને સરકારી કચેરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વકરેલો ભ્રષ્ટાચારથી આમજનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

'સરકાર છતાં અમારા કામ થતા નથી..', ગુજરાતના ધારાસભ્યોની સરકારી બાબુઓ પર 'બ્લેમ ગેમ' 2 - image


Google NewsGoogle News