મ્યુનિ.તંત્ર-શાસકોનો અણઘડ વહીવટ, આઠ કરોડનો ખર્ચ પાણીમાં,લો-ગાર્ડન હેપી સ્ટ્રીટમાં હવે માત્ર આઠ જ ફુડવાન
મહિને રુપિયા પચાસ હજારથી દોઢલાખ સુધીનુ ભાડુ ના પોષાતા પરવાનેદારો ચાલ્યા ગયા,ચાર વર્ષમાં પ્રોજેકટનું બાળ મરણ
અમદાવાદ,શુક્રવાર,26 એપ્રિલ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર અને શાસકોના
અણઘડ વહીવટના કારણે રુપિયા ૮.૩૫ કરોડનો ખર્ચ કરીને લો-ગાર્ડન વિસ્તારમાં ચાર વર્ષ
અગાઉ શરુ કરવામાં આવેલા હેપી ફુડ સ્ટ્રીટ પ્રોજેકટનુ બાળ મરણ થયુ છે.વર્ષ-૨૦૨૦માં
હેપી ફુડ સ્ટ્રીટ શરુ કરવામાં આવી હતી એ સમયે ૩૧ ફુડવાનને ઉભી રાખવા મંજુરી અપાઈ
હતી. હરાજીમાં ૨૨ લોકોએ ફુડવાન ઉભી રાખવાનો પરવાનો મેળવ્યો હતો.મહિને રુપિયા ૫૦
હજારથી દોઢલાખ સુધીનુ ભાડુ ના પોષાતા પરવાનેદારોએ જગ્યા છોડવાનુ યોગ્ય માન્યુ
છે.હાલમાં માત્ર આઠ પરવાનેદારોની ફુડવાન હેપી ફુડ સ્ટ્રીટ ખાતે ઉભી રહે છે.
અમદાવાદમાં એક સમયે ખાઉ ગલી તરીકે જાણીતી લો-ગાર્ડનની
જગ્યાને હેપી ફુડ સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય
કરવામાં આવ્યો હતો. ૩૭૦ ચોરસ મીટર વિસ્તારમા હેરીટેજ થીમ આધારીત દિવાલ,આર.સી.સી.રોડ,સાઈકલ ટ્રેક તેમજ
પાર્કીંગ સુવિધા ઉભી કરવા પાછળ રૃપિયા ૮.૩૫ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી.૮ ફેબુ્રઆરી-૨૦૨૦ના રોજ
રાજયના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા હેપી ફુડ સ્ટ્રીટ શરુ કરાવવામા આવી હતી.હેપી
ફુડ સ્ટ્રીટ શરુ કરતા પહેલા મ્યુનિ.તંત્રે ૩૦૦ મીટરના સ્ટ્રેચમાં ૩૧ જેટલી
નાની-મોટી ફુડવાનને ઉભી રાખવા હરાજી કરી પરવાનો આપવા નિર્ણય કર્યો હતો.હરાજી સમયે
નાની ફુડવાન ઉભી રાખવા માટે મહિને રુપિયા ૯૦ હજારતથા મોટી ફુડવાન ઉભી રાખવા માટે
મહિને રુપિયા ૧.૬૭ લાખનુ ભાડુ નકકી કરવામા આવ્યુ હતુ.જે તે સમયે મ્યુનિ.તંત્ર
તરફથી કરવામાં આવેલી હરાજી સમયે ૨૨ પરવાનેદારોએ હરાજી પ્રક્રીયામાં ભાગ લીધો
હતો.ફુડ સ્ટ્રીટ શરુ કરાયા બાદ કોરોના મહામારીનો સમય આવ્યો હતો.ઉપરાંત ફુડ
સ્ટ્રીટમાં મુલાકાત લેનારાઓ પાસેથી ટુ વ્હીલર પાર્ક કરવાના કલાકના રુપિયા વીસ તથા
ફોર વ્હીલર પાર્ક કરવાના રુપિયા પચાસ સુધીની રકમ વસુલાતી હતી.દરમિયાન છેલ્લા થોડા
વર્ષમાં સિંધુભવન રોડ ડેવલપ થયો હોવાના કારણે હેપી ફુડ સ્ટ્રીટ ખાતે જનારા
મુલાકાતીઓની સંખ્યા પણ ઘટવા લાગી હતી.પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કહયુ,પરવાનેદારોને
ઉંચી રકમનુ ભાડુ પોષાતુ ના હોવાના કારણે હાલમાં માત્ર આઠ પરવાનેદારો દ્વારા હેપી
ફુડ સ્ટ્રીટ ખાતે તેમની ફુડવાન ઉભી રાખવામા આવે છે.
હેરીટેજ દિવાલ બનાવવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના
પુત્રને કામ અપાયુ હતુ
લો-ગાર્ડનથી એન.સી.સી.સર્કલ સુધીના વિસ્તારમાં હેરીટેજ થીમ
આધારીત દિવાલ બનાવવા ટેન્ડર પ્રક્રીયા સમયે પાલડી વોર્ડના કોંગ્રેસના પૂર્વ
કોર્પોરેટરના પુત્રની આદિત્ય ઈન્ફ્રા બિલ્ડકોનને રુપિયા ૨.૩૫ કરોડનો કોન્ટ્રાકટ
આપવામાં આવ્યો હતો.રનીંગ મીટર દીઠ રુપિયા બે લાખથી પણ વધુ ભાવ કોન્ટ્રાકટરને
ચુકવવામાં આવ્યો હતો.
કોણે-કોણે ફુડવાન ચાલુ રાખવા તૈયારી બતાવી?
ઓફરદાર મહત્તમ
ભાડુ(માસિક)
શાહ નિશાંત ૯૨,૦૦૦
અગ્રવાલ સતિસબાબુ ૯૨,૦૦૦
ચોવીસા નરેન્દ્રભાઈ ૯૨,૦૦૦
પંચાલ વર્ષાબહેન ૯૫,૦૦૦
ચૌધરી તરંગ ૯૪,૦૦૦
ઠકકર રાકેશ ૮૩,૦૦૦
સૈની સુખવિંદરસિંહ ૫૦,૦૦૦
સખીયા કૃપા ૪૫,૦૦૦