સી પ્લેનના કોઈ ઠેકાણાં નથી ત્યાં પાંચ સ્થળે એરો સ્પોર્ટ્સ શરૂ કરવાનો સિવિલ એવિએશનનો નિર્ણય
Civil Aviation Authority: ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી બંધ પડેલી અમદાવાદના રિવરફ્ટન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન યોજના હજી સુધી ફરી શરૂ થઈ શકી નથી ત્યાં તો રાજ્યના સિવિલ એવિએશન વિભાગે રાજ્યની પાંચ એરસ્ટ્રીપ ખાતે એરો સ્પોર્ટ્સ એકિટવિટી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ સી પ્લેન યોજના 31મી ઓક્ટોબર 2020માં વડાપ્રધાને શરૂ કરાવ્યા પછી છ મહિનામાં (એપ્રિલ 2021) બંધ પડી છે.
સાડા ત્રણ વર્ષથી સી-પ્લેન પ્રોજેક્ટ ઠપ્પ છતાં નવા તુક્કા સુઝે છે
સરકારના સિવિલ એવિએશન પાસે ટેકનિકલ વ્યક્તિઓ સાથે પુરતો સ્ટાફ પણ નથી. મોટાભાગના અધિકારીઓ વધારાના હવાલા સાથે કામ કરી રહ્યાં છે છતાં ટેન્ડર ઇસ્યુ કરીને વિભાગે આશ્ચર્ય સર્જ્યું છે. તાજેતરમાં જ આ વિભાગ તરફથી માંડવી, રાજપીપળા, સાપુતારા, દ્વારકા અને ધોરડો ખાતે એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ કામ માટે જે ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમાં ટોવ્ડ હેન્ગ ગ્લાઈડિંગ, ફુટ-લોન્ચ કરેલા અલ્ટ્રાલાઈટ એરક્રાફ્ટ હેન્ગ ગ્લાઈડિંગ, પેરા મોટરિંગ, પેરા ગ્લાઇડિંગ, હોટ એર બલૂનિંગ, માઈક્રો લાઈટ ફલાઇંગ, એરોબેટિક ડિસ્પ્લે, આરસી એરક્રાફૂટ હેન્ગ ગ્લાઇડિંગ, સ્કાય ડાઇવિંગ અને નેનો-માઈક્રો-સ્મોલ ડ્રોન ફ્લાઇંગ એમ કુલ 10 જાતની પ્રવૃત્તિઓ શરૂ કરવાની થાય છે.
વડાપ્રધાનનું સ્વપ્ન છતાં સરકાર બેદરકાર
અમદાવાદથી કેવડિયા સુધીનો સી-પ્લેન પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું. તેમણે સી-પ્લેન શરૂ કર્યા પછી રાજ્ય સરકારની બેદરકારીના કારણે તે ફરીથી શરૂ થઇ શક્યું નથી. સરકારે ત્રણ વખત પ્રયાસ કર્યા છતાં કોઇ એજન્સી સી-પ્લેન સર્વિસ ચલાવવા તૈયાર થતી નથી. આ પ્રોજેક્ટ માટે સરકારે 17.50 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે જે અત્યારે તો વ્યર્થ સાબિત થયો છે.
ગુજરાતમાં હાલ 11 એરપોર્ટ કાર્યરત છે
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, કંડલા, ભૂજ, પોરબંદર, કેશોદ અને મુન્દ્રા એરપોર્ટ કાર્યરત છે. ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. સરકારની યોજના છે કે રાજ્યના સુરત, વડોદરા, કંડલા, પોરબંદર, ભાવનગર અને કેશોદમાં હાલના એરપોર્ટનો બ્રાઉન ફિલ્ડ તરીકે વિસ્તાર કરાશે, જ્યારે મહેસાણા, અમરેલી અને માંડવી હવાઇ પટ્ટીનું વિસ્તરણ કરવાનું થાય છે.
આ પણ વાંચો: સાબરમતી જેલથી લોરેન્સ બિશ્નોઈના મેસેજ બહાર પહોંચાડાતા હોવાની આશંકા, તપાસનો રેલો આવશે
11 ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અંગે સમજૂતિ કરાર
રાજ્ય સરકારે વર્ષની શરૂઆતમાં 11 નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટને વિકસિત કરવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યા હતા, જેમાં પ્રત્યેક ફિલ્ડ માટે 1500 થી 3000 કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે. આ નવા એરફિલ્ડમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોલાવીરા અને પાલીતાણાની પસંદગી કરવામાં આવી છે.
ત્રણ સ્થળે નવા એરપોર્ટની સંભાવના
ઓથોરિટી સાથે થયેલા કરાર પ્રમાણે રાજ્ય સરકારે ક્ષેત્રિય કનેક્ટિવિટી વધારવા માટે આવશ્યક જમીન, પાણી અને વીજળી જેવી સુવિધાઓ પ્રદાન કરવાનું કહ્યું છે. એટલું જ નહીં વડનગર, સિદ્ધપુર અને કેવડિયામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટની સંભાવના પણ ચકાસવામાં આવી છે.