Get The App

નાગરિકોને મ્યુનિ.બિલ્ડિંગમાં જવા માટેના પેડેસ્ટ્રીયન બ્રિજ,મલ્ટિલેવલ પાર્કિંગ સુવિધા સાથે દાણાપીઠ ફાયર સ્ટેશન બનશે

રુપિયા ૬૫ કરોડથી વધુના ખર્ચથી ૮૦ વર્ષ જુના દાણાપીઠ ફાયર સ્ટેશનના સ્થાને નવુ બિલ્ડિંગ માર્ચ-૨૦૨૫ સુધીમાં તૈયાર થશે

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
નાગરિકોને મ્યુનિ.બિલ્ડિંગમાં જવા માટેના  પેડેસ્ટ્રીયન બ્રિજ,મલ્ટિલેવલ પાર્કિંગ  સુવિધા સાથે દાણાપીઠ ફાયર સ્ટેશન બનશે 1 - image


અમદાવાદ,ગુરુવાર,31 ઓકટોબર,2024

નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગમાં જવા માટેના પેડેસ્ટ્રીયન બ્રિજ, મલ્ટિલેવલ પાર્કિંગ સહિતની અન્ય સુવિધા સાથે દાણાપીઠ ફાયર સ્ટેશન બનશે.રુપિયા ૬૫.૩૫ કરોડના ખર્ચે ૮૦ વર્ષ જુના દાણાપીઠ ફાયર સ્ટેશનના સ્થાને નવુ બિલ્ડિંગ માર્ચ-૨૦૨૫ સુધીમાં તૈયાર થઈ જશે.આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની મંજુરીના કારણથી તેમજ પ્લોટના પાછળના ભાગમાં આવેલા રહેણાંક વિસ્તારના રહીશોના વિરોધના કારણથી ડાયાફાર્મ વોલ બનાવવાની કામગીરીમાં વિલંબ થયો હતો.

દાણાપીઠ ફાયર સ્ટેશનનુ જુનુ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યા પછી  આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા તરફથી નવા બનનારા બિલ્ડિંગની ઉંચાઈ ઘટાડી નવેસરથી મંજુરી મેળવવા જણાવતા ૧૬ સપ્ટેમ્બર-૨૦૨૨થી નવા બિલ્ડિંગનું બાંધકામ શરુ કરવામાં આવ્યુ હતુ.૧૫ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં કામગીરી પુરી કરવાનુ શકય નહીં જણાતા સમય મર્યાદા ૧૫ માર્ચ-૨૦૨૫ સુધી લંબાવી આપવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,રુપિયા ૬૫.૩૫ કરોડના ખર્ચથી તૈયાર થનારા દાણાપીઠ ફાયર સ્ટેશનના નવા બિલ્ડિંગમાં ૫૦૧૩ ચોરસ મીટર જગ્યામાં ફાયર સ્ટેશન ,સ્ટાફ કવાટર્સ, મલ્ટિલેવલ પાર્કિંગ સહિતની સુવિધા હશે.બિલ્ડિંગમાં ૧૯૮૩૭ ચોરસ મીટર જગ્યા મળશે.જેમાં ફાયર વ્હીકલ માટે પાંચ ગેરેજ, સ્ટોરરુમ ઉપરાંત આધુનિક કંટ્રોલરુમની વ્યવસ્થા કરવામાં આવશે.ઓફિસર્સ કેબિન, મલ્ટિપર્પઝ હોલ,ફાયર ઈકવીપમેન્ટ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.ફાયર વિભાગના અધિકારીઓ,જવાનો અને કર્મચારીઓ માટે વન થી લઈ થ્રી બીએચકે સુધીના મકાન બનાવાશે.બિલ્ડિંગ બન્યા બાદ મલ્ટિલેવલ પાર્કિંગમાં ૩૦૩ ફોર વ્હીલર તથા ૨૨૨ ટુ વ્હીલર પાર્ક કરી શકાશે.નાગરિકો તેમના વાહન મલ્ટિલેવલ પાર્કિંગમાં પાર્ક કરી પેડેસ્ટ્રીયન બ્રિજ ઉપરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગમાં સરળતાથી જઈ શકશે.મ્યુનિ.બિલ્ડિંગમાં જવા લોકોને રસ્તો ક્રોસ કરવો નહીં પડે.દાણાપીઠ રહેણાંક ગીચ વિસ્તાર હોવાથી માત્ર રાત્રિ દરમિયાન કામ થઈ શકયુ હતુ.ઉપરાંત આસપાસના વિસ્તારમાં શાકમાર્કેટ હોવાના કારણે વાહન પાર્કિંગ તથા રો મટીરીયલ રાખવામા પણ મુશ્કેલી પડી રહી છે.


Google NewsGoogle News