માતા-પિતા જ બેદરકાર, ટુ વ્હીલર પર ન તો પોતે, ન તો બાળકોને હેલ્મેટ પહેરાવી બેસાડે છે
Children In The City Ride Without Helmet: બે સવારીમાં પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું જોઈએ એ વાત સૌ કોઈ જાણે છે અને હેલ્મેટથી માથાની સુરક્ષા થતાં માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટી શકે છે. છતાં પણ માત્ર 2 ટકા લોકો જ પાછળ પોતાના બાળકને બેસાડતી વખતે તેને હેલ્મેટ પહેરાવે છે. 98 ટકા લોકો પોતાના વ્હાલસોયા પાલ્યને શહેરના ટ્રાફિક વચ્ચે વિના હેલ્મેટ લવવા-લઈ જવાનું કામ કરે છે.
સર્વેમાં શું આવ્યું સામે?
બાયો મેડસેન્ટ્રલ નામના પબ્લિક હેલ્થ પર સંશોધન કરતાં સર્વેમાં 'ઈફેક્ટિવ ફેક્ટર્સ ઑફ ઈમ્પ્રુવ્ડ હેલ્મેટ યુઝ ઈન મોટર સાઈક્લિસ્ટ'માં રોજના 62,000 લોકો પોતાના બાળકને લઈને શાળાએ, ટ્યૂશન કલાસીસમાં, ફરવા કે ગાર્ડનમાં જાય છે. પરંતુ તેમાના 2 ટકા લોકો જ વાહન પરની સુરક્ષાનો વિચાર કરે છે. બાકીના 98 ટકા લોકો બાળકોને હેલ્મેટ પહેરાવવામાં માનતા નથી. જો કે અમદાવાદમાં સી.જી.રોડ પર આવેલી એક જાણીતી હેલ્મેટના શોરુમમાં પૂછતા જાણવા મળ્યું કે 2 ટકા લોકો પણ એવા નથી જે બાળકોને નાનપણથી રોડ સેફ્ટીની સમજણ આપીને તેને હેલ્મેટ પહેરાવવાની સમજણ પૂરી પાડે. આપણે ત્યાં સ્પોર્ટ્સ સાઈક્લિસ્ટ બાળકોમાં થોડા અંશે હેલ્મેટ પહેરવાની સમજણ છે. પરંતુ ટુ વ્હીલમાં બાળકોને હેલ્મેટ પહેરાવવાનો વિચાર સદંતર નથી.
આ પણ વાંચો: જૂનાગઢમાં નિયમોની ધજિયા ઉડાવી ભાજપના કાર્યાલયનું નિર્માણ, ખુદ પૂર્વ મંત્રીએ જ પોલ ખોલી
ગુજરાતમાં હેલ્મેટનો ઉપયોગ 25 ટકાથી વધીને 53 ટકા થયો
માતા-પિતા જ્યારે ટુ વ્હીલર પર બેસાડીને બહાર ફરવા લઈ જાય ત્યારે પિતા દંડ ના ભરવો પડે તે માટે પોતે હેલ્મેટ પહેરે, પરંતુ બાળકને હેલ્મેટ પહેરાવવાની ફરજ કે સમજણ આપતા નથી. વર્ષ 2019માં થયેલા સર્વે પ્રમાણે ગુજરાતમાં હેલ્મેટનો ઉપયોગ 25 ટકાથી વધીને 53 ટકા થયો હતો. જે અત્યારે હાઈકોર્ટની ટકોર સાથે સાવ નહીવત્ કક્ષાએ છે. હાઈકોર્ટની ટકોર પછી ફરી પોલીસ જાગી છે. કાયદા પ્રમાણે પાછળ બેઠેલા બાળકને પિલિયન સવાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં પિલિયન રાઈડરને ધ્યાનમાં લઈને પોલીસ દંડ પણ ભાગ્યે જ કરતી જોવા મળે છે. એનાથી ઉલ્ટું જો બાળકે હેલ્મેટ ના પહેર્યું હોય તો તેના માતા-પિતાને દયાભાવથી જવા દેવામાં આવે છે.
ચાંદખેડામાં રહેતા જ્યોતિ સાઉ જણાવે છે કે, 'રસ્તા પર બાળકને લઈને જતી વખતે આપણે પોતે હેલ્મેટ પહેરીએ ત્યારે જ બાળકનો વિચાર આવે, પરંતુ જ્યારે હેલ્મેટની દુકાનમાં જઈએ ત્યારે મોટા ભાગની હેલ્મેટની દુકાનોમાં વાહનોના હેલ્મેટ પણ હોતા નથી. સાય હેલ્મેટવાળા બાળકોના ટુ વ્હીલર હેલ્મેટની કોઈ ઈન્ક્વાયરી નહીં હોવાથી સ્ટોકમાં રાખતા નથી.'
40થી વધુ અકસ્માતોમાં બાળ પિલિયન રાઈડર મૃત્યુ પામ્યા
વર્ષ 2021માં 69635 જેટલાં માર્ગ અકસ્માત મૃત્યુમાંથી 14000 મૃત્યુ પિલિયન રાઈડર એટલે કે પાછળ બેસેનારાના થયા છે. ભારતમાં 2019માં 1168 જેટલા પિલિયન રાઈડર બાળકો મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં 40થી વધુ અકસ્માતોમાં બાળ પિલિયન રાઈડર મૃત્યુ પામ્યા હોવાની ધારણા છે તેની સામે અનેક અકસ્માતોમાં અગણિત બાળકો હેલ્મેટ ન પહેરેલો હોવાના કારણે હેડ ઈન્જરીનો ભોગ તો બને છે. અમદાવાદમાં પ્રમાણિત કહી શકાય એવી હેલ્મેટની દુકાનો વધી છે પરંતુ તેમાં બાળકોને લગતાં હેલ્મેટની માંગ ઓછી હોવાને કારણે તેનો સપ્લાય પણ નહિવત છે.