PSIના વિવિધ વર્ગોની 3ની જગ્યાએ હવે માત્ર 2 તબક્કામાં પરીક્ષા, ભરતી પ્રક્રિયામાં થયા ફેરફાર
હવે દોડ નિયત સમયમાં પાસ કરવાની રહેશે પણ કોઈ ગુણ નહીં મળે
અગાઉ કુલ 400 ગુણની MCQ પરીક્ષા લેવામાં આવતી હતી
Gujarat Police : પોલીસ ખાતામાં સબ ઈન્સ્પેક્ટરના વિવિધ વર્ગોની ભરતી પરીક્ષામાં સરકારે ફેરફારો કર્યા છે, જે પ્રમાણે ત્રણની જગ્યાએ માત્ર બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. એટલે કે પહેલાં સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી પછી પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે શારીરિક કસોટી પછી સીધી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે
પહેલા સબ ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટીમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે પરંતુ તેના કોઈ ગુણ આપવામાં આવશે નહી. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જેને રદ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શારીરિક ધોરણો લોકરક્ષક દળની સમાન જ રાખવામાં આવ્યા છે. એટલે કે, ઉમેદવારોએ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાય કરવાની રહેશે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.
પ્રાથમિક પરીક્ષાની જગ્યાએ હવે મુખ્ય પરીક્ષા લેવાશે
શારીરિક કસોટી બાદ લેવામાં આવતી 100 ગુણની પ્રાથમિક પરીક્ષાની જગ્યાએ હવે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને લીગલ મેટર્સ એમ 100-100 ગુણના ચાર પેપર મળી કુલ 400 ગુણની MCQ પરીક્ષા લેવામાં આવતી હતી, તેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવેથી 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં પ્રથમ પેપર 200 ગુણનું MCQ આધારીત રહેશે, જ્યારે દ્વિતીય પેપર 100 ગુણનું વર્ણનાત્મક રહેશે.