ગુજરાતમાં ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને 27 થયો, નવા 13 કેસ સાથે 20 જિલ્લામાં પગપેસારો
Image : Representative |
Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે (20 જુલાઈ) ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે 7 બાળકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 9 કન્ફર્મ કેસ થયેલા છે. હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુઆંક વધીને ૨૭ થયો છે.
ગુજરાતમાં હાલ કુલ 71 કેસ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ વાયરલ એન્કેરેલાઈટિસના કુલ 71 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર-અરવલ્લી-મહેસાણામાં 4, મહીસાગર-રાજકોટ ગ્રામ્ય-સુરેન્દ્રનગર બનાસકાંઠામાં 2, ગાંધીનગર ગ્રામ્ય-ખેડામાં 5, પંચમહાલમાં 11, વડોદરા શહેર-વડોદરા ગ્રામ્ય-નર્મદા-ભાવનગર-દેવભૂમિ દ્વારકા-રાજકોટ શહેર-કચ્છમાં 1 કેસનો સમાવેશ થાય છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. આ રીપોર્ટના પરિણામ પણ આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં અરવલ્લી-મહેસાણામાંથી સૌથી વધુ 2, સાબરકાંઠા-ગાંધીનગર-પંચમહાલ-મોરબી-વડોદરામાંથી 1-1 દર્દીઓના કેસ પોઝિટિવ મળી આવ્યા છે.
પંચમહાલમાં સૌથી વધુ મૃત્યું
અત્યાર સુધી ચાંદીપુરાથી 27ના મૃત્યુ થયા છે. જેમાં પંચમહાલમાંથી સૌથી વધુ 4, અમદાવાદ શહેર-અરવલ્લી-મોરબીમાંથી 3, સાબરકાંઠા-રાજકોટ-દાહોદમાંથી 2 જ્યારે મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય- ગાંધીનગર શહેર-વડોદરા ગ્રામ્ય-દેવભૂમિ દ્વારકામાંથી 1-1 બાળકોના મૃત્યુ થયા છે. 17 જુલાઇના ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 14 હતો અને તે હવે વધીને 27 થયો છે. આમ, ચાર દિવસમાં મૃત્યુઆંકમાં બમણો વધારો થયો છે.
આ પણ વાંચો : ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે? કેવી રીતે ફેલાય છે આ, જાણો સંપૂર્ણ માહિતી
મધ્ય પ્રદેશનો દર્દી ગુજરાતમાં સારવાર હેઠળ
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના વાયરલ એન્કેરેલાઈટીસના 41 દર્દીઓ દાખલ છે અને 3 દર્દીને રજા અપાઇ છે. રાજસ્થાનના બે કેસમાંથી 1 દર્દી દાખલ છે અને છનું મૃત્યુ થયું છે. મધ્ય પ્રદેશનો પણ 1 દર્દી ગુજરાતમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 17248 ઘરમાં કુલ 1,21,826 વ્યક્તિઓના સર્વેલન્સની કામગીરી કરાઇ હતી.