મ્યુનિ.તંત્ર દ્વારા પકડવામાં આવેલા ૭૫૦ પશુ લઈ જનારી પાંજરાપોળને પશુ દીઠ ૭ હજાર આજીવન નિભાવ ખર્ચ અપાશે
પશુદીઠ આજીવન નિભાવ ખર્ચ ચાર હજારથી વધારી સાત હજાર કરવા રજુઆત કરાઈ હતી
અમદાવાદ,ગુરુવાર,9 નવેમ્બર,2023
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાંથી પકડવામાં આવતા પશુ
પૈકી નહીં છોડાવવામા આવતા પશુઓ પાંજરાપોળ દ્વારા લઈ જવામાં આવે છે.પશુદીઠ આજીવન
નિભાવખર્ચ રુપિયા ચાર હજારથી વધારીને સાત હજાર કરવા પાંજરાપોળ તરફથી રજુઆત થઈ
હતી.સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં એક મહિનાના સમય દરમિયાન ઓછામાં ઓછા ૭૫૦ કે તેથી
વધુ પશુ લઈ જનાર પાંજરાપોળને પશુદીઠ રુપિયા ૭ હજાર આજીવન નિભાવખર્ચ ચુકવવા અંગે
દરખાસ્ત મંજુર કરાઈ હતી.
મ્યુનિસિપલ તંત્ર તરફથી અત્યારસુધીના સમયમાં શહેરમાંથી
પકડવામાં આવેલા અને પશુમાલિકો તરફથી છોડાવવામાં નહીં આવેલા પશુઓ પાંજરાપોળમાં લઈ
જવા બદલ પશુ દીઠ આજીવન રુપિયા ચાર હજાર નિભાવખર્ચ આપવામાં આવતો હતો.પહેલી
સપ્ટેમ્બર-૨૦૨૩થી અમદાવાદમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩નો અમલ
કરવામાં આવી રહયો છે.જે અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૭૧૬૬ પશુ પકડવામાં આવ્યા છે.૨૦૭
જેટલી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં તાકીદની દરખાસ્ત
મંજુર કરવામા આવ્યા બાદ ચેરમેને કહયુ,પકડાયેલા
પશુની સંખ્યાની સામે છોડાવવામાં નહીં આવતા પશુઓની સંખ્યાનુ પ્રમાણ વધારે
છે.મ્યુનિ.તંત્રના ઢોરડબાની મર્યાદીત સંખ્યાને ધ્યાનમાં લેતા પશુદીઠ આજીવન નિભાવ
ખર્ચની રકમ રુપિયા ચાર હજારથી વધારીને
રુપિયા સાત હજાર કરવાની પાંજરાપોળ તરફથી મળેલી રજુઆતનો સ્વીકાર કરાયો છે.પરંતુ
ઈચ્છુક માન્ય સંસ્થાએ મહિનાની પહેલી તારીખથી ત્રીસ કે એકત્રીસ તારીખ સુધીમાં માસિક
લઘુત્તમ ૭૫૦ કે તેથી વધુ પશુ લઈ જવાના રહેશે.પાંજરાપોળ તરફથી ઘાસના ભાવમાં થયેલા
વધારા ઉપરાંત કોરોનાના કારણે દાનના પ્રવાહમાં થયેલો ઘટાડો તેમજ ટ્રાન્સપોર્ટેશનના
ખર્ચમાં થયેલા વધારા સહિતના અન્ય કારણો
આજીવન નિભાવખર્ચમાં વધારો કરવા રજુ કર્યા હતા.