બોપલમાં બંદૂકની અણીએ લાખોનું સોનુ-ચાંદી લૂંટવાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, યુપીથી ચારને ઝડપ્યા
Bopal Robbery Case : રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારીની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 2 જાન્યુઆરીએ કનકપુરા જ્વેલર્સમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ચાર શખ્સો 73 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે દુકાનદારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્વેલર્સમાં લૂટ કરવાના મામલે ચાર શંકાસ્પદોની ઉત્તર પ્રદેશથી અટકાયત કરીને અમદાવાદ લાવી રહ્યા છે. સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરાશે.
આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, લૂંટ બાદ આરોપીઓ ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. જેને લઈને પોલીસે એક ટ્રેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બે શંકાસ્પદ લોકો અલીગઢ, એકને ગાઝિયાબાદ અને એકને ફિરોઝાબાદમાં છુપાયેલા હોવાની પોલીસને જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે ટીમો બનાવીને ચારેય શંકાસ્પદોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદના પેલેડિયમ મોલ પાસે તલવારો વડે આતંક મચાવવાનો કેસ, પોલીસે 5ને ઝડપી પાડ્યા
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ચારેય શંકાસ્પદ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ કામ માટે અમદાવાદમાં રહેતા હતા. જેમાંથી બે સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા હતા. જ્યારે એકનો અગાઉ ચોરીનો ગુનાહિત રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 જાન્યુઆરીએ ચાર લૂંટારુ હેલ્મેટ, મો પર નકાબ બાંધી કનકપુરા જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા હતા અને બંદૂકની અણીએ રૂ.73 લાખના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં હેલ્મેટ પહેરીને દુકાનમાં આવેલા શખ્સનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.