Get The App

ASI ની બોગસ NOC થી દરિયાપુરમાં ઈન્ડસ્ટ્રીયલ શેડ ઉભા કરી દેવાયા છતાં મ્યુનિ.તંત્ર સૂતુ રહયું

ASI તરફથી બોગસ એન.ઓ.સી.ની બાબતમાં સી.બી.આઈ.તપાસ કરાવાતા ઘટસ્ફોટ થવા પામ્યો હતો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ASI ની બોગસ NOC થી દરિયાપુરમાં ઈન્ડસ્ટ્રીયલ શેડ ઉભા કરી દેવાયા છતાં મ્યુનિ.તંત્ર સૂતુ રહયું 1 - image


અમદાવાદ,મંગળવાર,12 નવેમ્બર,2024

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની બોગસ એન.ઓ.સી.થી બાંધવામાં આવેલા છ માળના સલમાન એવન્યુ નામના બિલ્ડિંગ બાદ દરિયાપુરમાં એક જ ફાઈનલ પ્લોટમાં એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.ના આધારે ચાર ઈન્ડસ્ટ્રીયલ શેડ ઉભા કરી દેવાયા છતાં મ્યુનિસિપલ તંત્ર સૂતુ રહયુ હતુ. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાને દેશવ્યાપી એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.નુ કૌભાંડ ચાલતુ હોવાની માહિતી મળતા જે તે સમયે સી.બી.આઈ.તપાસ કરાવતા દરિયાપુરમાં પણ બોગસ એન.ઓ.સી.થી ઈનડ્સ્ટ્રીયલ શેડ ઉભા કરી દેવાયા હોવાનુ ખુલતા મ્યુનિ.તંત્રે રજા ચિઠ્ઠી રદ કરી બાંધકામ તોડવા નોટિસ આપતા ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ-૨૦૧૯થી મ્યુનિ.વિરુધ્ધ કરવામાં આવેલી પિટીશન પેન્ડિંગ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પાસે એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.થી બનાવવામા આવેલા સલમાન એવન્યુને પાંચમી વખત એસ્ટેટ વિભાગે સીલ કર્યા પછી લીગલ કમિટીની મળેલી બેઠકમાં આ બિલ્ડિંગને તોડી પાડવાની કાર્યવાહી એસ્ટેટ વિભાગને સાથે રાખીને કરવા સુચના આપવામાં આવી હતી.અમદાવાદમાં એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.થી ગેરકાયદેસર બાંધકામ કરવાની બાબતમાં વધુ એક ઘટસ્ફોટ થવા પામ્યો હતો.જેમાં દરિયાપુર વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૧૪ના ફાઈનલ પ્લોટ નંબર-૧૪૬ના પાર્ટ-૧૨૭માં એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.ની મદદથી ઈન્ડસ્ટ્રીયલ શેડ બાંધી દેવામાં આવતા એ.એસ.આઈ.તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવ્યા પછી એસ્ટેટ વિભાગ સફાળુ જાગ્યુ હતુ.કમિટીના ચેરમેનના કહેવા મુજબ, એ.એસ.આઈ.તરફથી મ્યુનિ.તંત્રને જાણ કરાયા પછી વર્ષ-૨૦૧૭માં એસ્ટેટ વિભાગે આપેલી રજા ચિઠ્ઠી રદ કરી ૨૬૦ મુજબ નોટિસ આપી બાંધકામ તોડી પાડવા જાણ કરી હતી.આ બાબતને લઈ ઉત્પલ પટેલ, અનમોલ અસરાની ઉપરાંત વિપુલ પટેલ તથા જગત પટેલ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ વર્ષ-૨૦૧૯માં કરવામા આવેલી પિટીશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.વાળા કેસો માટે પણ ખાસ વકીલની નિમણૂંક કરવામાં આવશે.

વેજલપુરમાં ચેરમેનના નામે બોગસ એન.ઓ.સી.બનાવી દુકાનો બાંધી દેવાઈ

અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનના  વેજલપુર વોર્ડમાં આવેલી જલદર્શન સોસાયટીના ચેરમેન-સેક્રેટરીના નામે બોગસ એન.ઓ.સી.બનાવી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ કરી દુકાનો બાંધી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.જલદર્શન સોસાયટીમાં ગેરકાયદે દુકાનો બાંધી દેવાતા સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ મ્યુનિ.તંત્રમાં ૨૧ માર્ચ-૨૦૨૪ના રોજ તેમના નામે રજૂ કરવામા આવેલી એન.ઓ.સી.બોગસ હોવાની લેખિત રજૂઆત કરી હતી. જે પછી ઈમ્પેકટ હેઠળ દુકાનો કાયદેસર કરવા કરવામા આવેલી અરજી ૨૫ ઓકટોબર-૨૦૨૪ના હુકમથી રદ કરાઈ હતી.એસ્ટેટ વિભાગે ૧૧ નવેમ્બરે બોગસ એન.ઓ.સી.થી બનાવવામા આવેલી દુકાનો સીલ કરી હતી.


Google NewsGoogle News