ગુજરાતમાં લોકસભામાં ભાજપના કાર્યકરો પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા
BJP Gujarat: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનને રાજ્યમાં 2 કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપીને ફરી એક વાર ફાંકા ફોજદારી શરુ કરી છે. પાટીલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો પર 5 લાખ કરતાં વધારે મતે જીતાડવાનો હુંકાર કર્યો હતો પણ ભાજપ ઊંધા માથે પછડાયો હતો.
પાટીલે અતિ મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો
ભાજપ 5 લાખ મતે જીતવાની વાત છોડો પણ તમામ બેઠકો જીતવામાં પણ સફળ નહોતો થયો. બનાસકાંઠા લોકસભા ભાજપ પાસેથી આંચકી લઈને સળંગ ત્રીજી વાર બધી બેઠકો જીતવાની હેટ્રિક કરવા નહોતી દીધી. હવે પાટીલે ફરી એવો જ દાવો કરીને 2 કરોડ સભ્યો નોંધવાનો અતિ મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો છે. ગુજરાતમાં કુલ 4.30 કરોડ મતદારો છે. એ જોતાં પાટીલે લગભગ 45 ટકા મતદારોને ભાજપના કાર્યકર બનાવવાનો ટાર્ગેટ આપી દીધો છે.
આ પણ વાંચો: આજે શિક્ષક દિવસ : પ્રાથમિકથી લઇ કોલેજ-ભવન સુધી 1900 શિક્ષકની જગ્યા ખાલી
લોકસભાની ચૂંટણીમાં 1.19 કરોડ સભ્યવાળા ભાજપને 1.88 કરોડ મત જ મળ્યા
ભાજપનો દરેક કાર્યકર એક-એક મતદારને ભાજપને મત આપવા માટે મનાવી શક્યો હોત તો પણ 1.19 કાર્યકરોના પોતાના અને દરેક કાર્યકરના કારણે પડેલા 1.19 મત મળીને ભાજપને 2.38 કરોડ મત મળ્યા હોત. તેના બદલે ભાજપને 50 લાખ ઓછા એટલે કે, 1.88 કરોડ મતો જ મળ્યા છે. પાટીલે દાવો કર્યો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1.87 કરોડ મત જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 1.73 કરોડ મત મળ્યા હતા. પાટીલે આપેલા આંકડા પરથી સ્પષ્ટ છે કે, ૫ વર્ષમાં ગુજરાતમાં મતદારોની સંખ્યા વધી છે પણ ભાજપને મળેલા મતોમાં વધારો થયો નથી.
આશ્ચર્યજનક રીતે પાટીલે ઉત્તર પ્રદેશ ભાજપનું સંગઠન ગુજરાત કરતાં નિષ્ફળ હોવાનું બતાવવા એવું નિવેદન આપ્યું કે, યુપી ગુજરાત કરતાં ત્રણ ગણું મોટું રાજ્ય હોવા છતાં ભાજપના કાર્યકરોની સંખ્યા ગુજરાત કરતાં થોડીક જ વધારે છે. ગુજરાત યુપીથી બહુ નાનું હોવા છતાં અમે ગુજરાતને સભ્ય સંખ્યાની રીતે દેશમાં સૌથી મોટું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે.