ગુજરાતમાં ભાજપનો 'પરિવર્તન' પ્રયોગ, ઉમેદવારોની જાહેરાત પહેલાં ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાજપનો 'પરિવર્તન' પ્રયોગ, ઉમેદવારોની જાહેરાત પહેલાં ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન 1 - image

image : Socialmedia

- આગામી ચૂંટણીમાં લોકસભાની 26 બેઠકોના ઉમેદવારમાં ધરખમ ફેરફારના સંકેત     

- હાઇકમાન્ડનો સ્પષ્ટ સંદેશ, જે ઉમેદવાર આવે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવા પડશે, હવે સાંસદ તરીકે કોની લોટરી લાગશે તે મુદ્દે અટકળો     

અમદાવાદ,તા.24 જાન્યુઆરી,બુધવાર

 અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસથી ભાજપ ચૂંટણી જીતવાના કામે લાગ્યુ છે. આ વખતે ભાજપે 400 પ્લસ બેઠકો સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે જેના કારણે અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પણ આ વખતે  રાજકારણની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપે એક નવતર રાજકીય પ્રયોગ હાથ ધર્યો છે.ભાજપે ઉમેદવારોની સત્તાવાર ઘોષણા થાય તે પહેલાં ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા છે.

આ વખતે ભાજપે મોદી કી ગેરંટીના સ્લોગન સાથે ચૂંટણી મેદાને ઉતરવાનુ નક્કી કર્યુ છે. 400 પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપે અત્યારથી જમીની સ્તરે ચૂંટણીલક્ષી તૈયારીઓ આદરી છે. ગુજરાતએ રાજકારણની લેબોરેટરી બની રહી છે ત્યારે નોરિપીટ થિયરી હોય, પંચાયત,કોર્પોરેશનથી માંડીને મંત્રીપદે નવા ચહેરા-યુવાઓને તક આપવાની વાત હોય, સૌથી નાનુ મંત્રીમંડળ હોય, રાતોરાત સરકાર બદલવાની હોય. ગુજરાતમાં અજમાવાયેલા આ બધાય રાજકીય પ્રયોગમાં ભાજપ નેતાગીરીને સફળતા મળી છે. 

હવે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર નવતર રાજકીય પ્રયોગ હાથ ધર્યો છે. ભાજપના રાષ્ટ્ીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતીમાં અમદાવાદમાં થલતેજ ખાતે ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત મંત્રી,ધારાસભ્યો અને ભાજપના નેતાઓની હાજરીમાં અન્ય લોકસભા મત વિસ્તારમાં ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યા હતાં. પહેલીવાર એવુ જોવા મળી રહ્યુ છેકે, ઉમેદવાર વિના  ચૂંટણી  કાર્યાલય શરૂ કરાયા છે.  આ થિયરી લાગુ કરી ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છેકે, જે ઉમેદવાર જાહેર થાય તેને વધાવી લો, એટલુ જ નહીં, પાંચ લાખની લીડથી વિજયી બનાવો. આ ઉપરાંત એવો સંદેશ આપી દેવાયો છેકે, મોદીના નામ પર ચૂંટણી જીતાઇ રહી છે. ભાજપ સમર્પિત મતદારો ઉમેદવારને નહી, મોદીના નામે ભાજપને મત આપે છે. ઉમેદવાર જાહેર કર્યા વિના ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની થિયરી ભાજપ ગુજરાત બાદ આખાય દેશમાં લાગુ કરે તેવુ જાણવા મળ્યુ છે. 

ભાજપે લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુક્યુ છે ત્યારે હવે ઉમેદવાર તરીકે કોની લોટરી લાગે છે તે અંગે અત્યારથી અટકળો શરૂ થઇ છે. અત્યારે ભાજપે નેતા-કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા આદેશ કર્યો છે. 

રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો દાવો, ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતીશું      

ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એવો દાવો કર્યોકે, ભાજપ અગાઉના રેકોર્ડ કરતાં વધુ બેઠકો મેળવશે અને લોકસભામાં યશસ્વી બનીશુ. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યોકે, આ વખતે ગુજરાતમાં ભાજપ હેટ્રિક નોંધાવશે અને 26માંથી 26 બેઠકો પર જવલંત વિજય હાંસલ કરશે. મને વિશ્વાસ છેકે, આ વખતે પણ ગુજરાત અને દેશની જનતા વડાપ્રધાન મોદીને જ આર્શિવાદ આપશે. કાર્યકરોના કામનો જશ મળશે. ગુજરાતે જ સંગઠનને કેવી રીતે મજબૂત કરવુ તે દેશને શિખવ્યુ છે. મારુ સૌેભાગ્ય છે કે, મને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કાર્યાલયના શ્રીગણેશ કરવાની તક ઉપલબ્ધ થઇ છે.

અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે       

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કર્યુ હતું. તે વખતે નડ્ડાએ પણ એ વાત કરીને મને સૌભાગ્ય પ્રાપ્ત થયુ છેકે, હું ગાંધીનગર મત વિસ્તારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યો છું. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખે પણ અમિત શાહના ભરપેટ વખાણ કરતાં કહ્યુંકે, અમિત શાહ બગીચાના માળીને સાચવતા હોય તેમ સાચવે છે.આખા દેશમાં ગુજરાત પહેલુ રાજ્ય છે જયાં ઉમેદવાર વિના ચૂંટણી કાર્યાલય ખુલ્યુ છે. ટૂંકમાં, નડ્ડા અને પાટીલે અમિત શાહ જ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડશે તેવા સ્પષ્ટ અણસાર આપ્યા છે.

મનસુખ વસાવાનું આત્મસમર્પણ ઃ જે ઉમેદવાર હશે તેને જીતાડવાની જવાબદારી મારી       

અત્યાર સુધી મને જ ટીકિટ મળશે તેવી બડાઇ હાંકનારા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ હવે ભાજપ હાઇકમાન્ડ સામે આત્મસમર્પણ કર્યુ છે. પક્ષ સામે નિવેદન કરનારાં મનસુખ વસાવાએ હાઇકમાન્ડના આકરા સંદેશ બાદ એવી પ્રતિક્રિયા આપીકે, કોઇપણ પક્ષનો ઉમેદવાર હોય ભાજપને ફરક પડવાનો નથી. મને ભાજપે છ વખત ટીકીટ આપી છે. પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે. તેને જીતાડવાની જવાબદારી મારી છે. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત નક્કી છે. આમ, ઉમેદવાર નક્કી થયા પહેલાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની થિયરીને પગલે મનસુખ વસાવાની બાદબાકી નક્કી છે પરિણામે તેમણે બેકફુટ પર જઇને પક્ષની શરણાગતિ સ્વિકારવાનુ મન બનાવ્યુ છે. 

મારી ઉંમર થઇ,બીજાને તક આપો, શારદાબેન પટેલ ચૂંટણી નહીં લડે       

આગામી લોકસભાની ચૂંટણીમાં મોટભાગના સાંસદોને ટિકીટ નહી મળે તેવા અંધાણ વર્તાઇ રહ્યા છે. ઉમેદવારની પસંદગી થાય તે પહેલાં જ ઘણાં સાંસદો હું ચૂંટણી લડવાનો નથી તેવી જાહેરાત કરે તો નવાઇ નહી. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પણ આજે ચૂંટણી નહી લડવા નક્કી કર્યુ છે. તેમણે ઇશારો કરતાં કહ્યુંકે, મારી હવે ઉમર થઇ છે. ટિકીટના માપદંડમાં આવતી નથી. દેશને આજે યુવાઓની જરૂર છે. યુવાનો તક આપવી જોઇએ. વર્તમાન સમયમમાં દેશને આઇટી  સેક્ટર-ટેકનોલોજીના જાણકાર યુવાઓને વધુ જરૂર છે.


Google NewsGoogle News