ગોતામાં નીલગાય સાથે અથડાતા બાઈક સવારનું મોત, એક બાળક સહિત બે ઈજાગ્રસ્ત
Accident Incident In Gota : ગુજરાતના ગામડાઓના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર રોઝડાં-નીલગાય જોવા મળતી હોય છે. ઘણી વખતે રસ્તા પર ફરતા પશુઓના કારણે અકસ્માતની ઘટના સર્જાતી હોય છે, ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાં રોડ પરથી પસાર થતા સમયે નીલગાય સાથે ટકરાતા બાઈક સવારનું મોત નીપજ્યું, જ્યારે બાઈક સવારની પત્ની અને બાળકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
ગોતામાં નીલગાય સાથે ટક્કરથી બાઈક સવાર મોત, બે ઈજાગ્રસ્ત
પોલીસની જાણકારી મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં ગોતા પાસેની ઉમા શરણમ સોસાયટી પાસેથી જૈમિન પટેલ (ઉં.વ. 40) નામના શખસ પોતાની પત્ની અને બાળક સાથે બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઓચિંતા નીલગાય વચ્ચે આવતા જોરદાર ટક્કર વાગી હતી. જેમાં જૈમિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા લોકો એકઠા થઈ જતા જૈમિનને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવારની પત્ની અને બાળક પણ ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો બીજો કેસ, હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શહેરમાં નીલગાયના આટાફેરાને લઈને વન વિભાગના અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી.