મંદિર પરીસરમાં કચરો બાળવા ઉપરાંત દર્શન માટેના રોડ ઉપર ભંગાર મુકાતા બાલાજી મંદિરને ૫૦ હજારનો દંડ
દર્શનાર્થીઓ માટેના પાથ વે રેલીંગમાં જુનો સામાન ભરી રખાયો હતો
અમદાવાદ,બુધવાર,8 જાન્યુ,2025
અમદાવાદના એસ.જી.હાઈવે ઉપર આવેલા બાલાજી મંદિર પરીસરમાં
કચરો બાળવા ઉપરાંત દર્શનાર્થીઓ માટેના પાથ વે રેલીંગમાં જુનો સામાન અને ભંગાર મુકી
રાખવામાં આવ્યો હોવાનુ જોવા મળતા મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ તરફથી રૃપિયા ૫૦ હજારનો
વહીવટી ચાર્જ ભરવા નોટિસ આપવામાં આવી છે.
ગોતા વોર્ડમાં
એસ.જી.હાઈવે રોડ ઉપર આવેલા બાલાજી મંદિર પરીસરમાં બુધવારે સવારે ખાડો કરી કચરો બાળવામા આવ્યો હોવાનું મ્યુનિ.ના
સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીના રાઉન્ડ દરમિયાન તપાસમાં બહાર આવ્યુ હતુ.પરીસરમાં
લકુલેશ યુનિવર્સિટીની દીવાલને સમાંતર દર્શનાર્થીઓ માટેની પાથ વે રેલીંગ આવેલી
છે.રેલીંગમાં જુનો સામાન,ભંગાર, પ્લાસ્ટિક મીણીયા
વગેરે લાંબા સમયથી ભરી રાખીને સફાઈ બાબતમા ઉદાસીનતા દાખવવામા આવી હોવાનુ ધ્યાનમા
આવતા રૃપિયા ૫૦ હજારનો વહીવટી ચાર્જ ભરવા ડેપ્યુટી ડાયરેકટર સોલિડ વેસ્ટ, ઉત્તર-પશ્ચિમ ઝોન
તરફથી નોટિસ આપવામાં આવી છે.