દિવાળી પર્વની મધરાતના સમયે મિરઝાપુર કબાડી માર્કેટમાં ભીષણ આગ, અડધો ડઝન દુકાન ખાખ થઈ
કબાડી માર્કેટમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, પાંચ લાખ લિટરથી વધુ પાણી આગ હોલવવા ફાયર વિભાગે વાપરવુ પડયું
અમદાવાદ,શુક્રવાર,1
નવેમ્બર,2024
દિવાળી પર્વની મધરાતના સમયે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં
આવેલી કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગતા અડધોડઝન જેટલી દુકાન આગમાં ખાખ થઈ ગઈ હતી.
મોડી રાત્રિના બે કલાકના સુમારે કબાડી માર્કેટમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં
ભારે અફરાતફરી મચી જવા પામી હતી. કબાડી માર્કેટમાં આગ લાગી હોવા અંગેનો કોલ મળતા
ફાયર વિભાગના ૧૦૦થી વધુના કાફલાએ ૨૧ જેટલા વાહનની મદદથી આગને કાબૂમાં લીધી
હતી.પાંચ લાખ લિટરથી પણ વધુનો પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ કાબૂમાં લીધા બાદ
કુલિંગની કામગીરી કરી હતી. કબાડી માર્કેટમાં આગ લાગવા પાછળનું ચોકકસ કારણ ફાયર
વિભાગને જાણવા મળ્યુ નથી.દિવાળીની રાત્રિએ ૧૦થી શુક્રવારે સવારના ૬ કલાક સુધીના
સમયમાં ફાયર વિભાગે ૪૮ જેટલા કોલ એટેન્ડ કર્યા હતા.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગુરુવારે દિવાળીના દિવસે
સવારથી અલગ અલગ સ્થળોએ અલગ અલગ કારણથી આગ લાગવાના ફાયર વિભાગને કોલ મળવા લાગ્યા
હતા. શહેરના ન્યૂ રાણીપ,મિરઝાપુર
સહિત અન્ય વિસ્તારોમાં બનેલા આગના કોલમાં મિરઝાપુર વિસ્તારમાં આવેલી કબાડી
માર્કેટનો કોલ મોટો હતો. ઈન્ચાર્જ
એડીશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,
મિરઝાપુરના કબાડી માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ શહેરના અલગ અલગ ફાયર
સ્ટેશન ખાતેથી ૧૨ જેટલા ગજરાજ ઉપરાંત એક ફાયર ફાઈટર સાથે સ્ટેશન ઓફિસર,ડીવીઝનલ ફાયર
ઓફિસર અને વિભાગના ફાયર ફાઈટર સહિત વિભાગના ૧૦૦થી વધુ કર્મચારીઓના સ્ટાફે ચારેતરફ
પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરુ કર્યા હતા. આસપાસમાં રહેણાંક
વિસ્તાર આવેલો હોવા ઉપરાંત મધરાતનો સમય હોવાથી આગને હોલવવાની કામગીરીમાં સતર્કતા
રાખવી પડી હતી.આગ લાગવા પાછળનુ કોઈ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.પરંતુ આગને કારણે કોઈ ઈજા કે જાનહાની થઈ નથી.કબાડી
માર્કેટમાં મધરાતે લાગેલી આગથી સ્પેરપાટર્સ સહિતની સાધનસામગ્રીને વ્યાપક નુકસાન
થવા પામ્યુ છે.
ફાયર વિભાગને કયા પ્રકારના કેટલાં કોલ મળ્યાં?
આગનો પ્રકાર મળેલા કોલ
કચરામાં ૩૫
ફેકટરીમાં ૦૨
શોર્ટ સર્કિટ ૦૩
દુકાનમાં ૦૮
મકાનમાં ૨૦
સ્કૂલમાં ૦૧
ઈલે.ડીપી ૦૨
વૃક્ષમાં ૦૧
ઓફિસ ૦૧
કબાડી માર્કેટ ૦૧
ભંગારમાં ૦૧
ગોડાઉનમાં ૦૩
વાહનમાં ૦૨
ફટાકડાંના કયારે-કેટલાં કોલ?
વર્ષ કુલ
કોલ
૨૦૨૧-૨૨ ૧૧૯
૨૦૨૨-૨૩ ૧૧૨
૨૦૨૩-૨૪ ૨૫૩
કુલ ૪૫૪