તકેદારીના ભાગરુપે અમદાવાદ મ્યુનિ.દ્વારા ૨૯ બ્રિજ ઉપર લોકોની સલામતી માટે તાર બાંધવાની શરુઆત કરાઈ
ઉત્તરાયણ પર્વ દરમિયાન ગાયો માટે શહેરીજનો ઓનલાઈન દાન કરી શકશે
અમદાવાદ,ગુરુવાર,9 જાન્યુ,2025
૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં ઉત્તરાયણ અને વાસી
ઉત્તરાયણ પર્વ ઉજવાશે. તકેદારીના ભાગરુપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નદી
ઉપર આવેલા બ્રિજ ઉપરાંત ઓવરબ્રિજ મળી ૨૯ બ્રિજ ઉપર લોકોની સલામતી માટે તાર
બાંધવામા આવશે. અત્યારસુધીમાં ૨૩ બ્રિજ ઉપર તંત્ર દ્વારા તાર બાંધવામા આવ્યા છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન ગાયો માટે શહેરીજનો મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર
ઓનલાઈન દાન કરી શકશે.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વનો રાજયના અન્ય શહેર કરતા
અમદાવાદમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમા લઈને
મ્યુનિસિપલ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમા આવેલા ૨૯ જેટલા બ્રિજ, ફલાયઓવરબ્રિજ ઉપર
તકેદારીના ભાગરુપે તાર બાંધવાની કામગીરી શરુ કરવામા આવી છે. છ બ્રિજ ઉપર તાર
બાંધવાની કામગીરી બે દિવસમાં પુરી કરી લેવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર શહેરીજનો ગાય માટે ઘાસ,પૂળા વગેરે માટે
દાન કરી શકશે.