Get The App

ખ્યાતિ હોસ્પિટલની કરતૂત: આધેડને પરાણે સ્ટેન્ટ મૂક્યું, 11 દિવસમાં મોત, પોલીસ તમાશો જોતી રહી

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ખ્યાતિ હોસ્પિટલની કરતૂત: આધેડને પરાણે સ્ટેન્ટ મૂક્યું, 11 દિવસમાં મોત, પોલીસ તમાશો જોતી રહી 1 - image


Khyati Hospital Case: સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામના વતની અને કડીના વિનાયકપુરા સ્થાયી થયેલા ગણપતભાઈ વાળંદે વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા નિઃશુલ્ક કેમ્પમાં ભાગ લીધો હતો. ડોક્ટરોએ ગણપતભાઈની હૃદયની એક નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરવાની સલાહ આપી હતી. તેમના પત્નીએ ઓપરેશન કરવાની ના પાડી ત્યારે તબિબોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડ અંતર્ગત સારવારમાં કોઈ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે, ઓપરેશન બાદ તબિયત લથડતા ૧૧ દિવસની સારવારમાં ગણપતભાઈએ દમ તોડયો હતો. 

ખ્યાતિ હોસ્પિટલની કરતૂત: આધેડને પરાણે સ્ટેન્ટ મૂક્યું, 11 દિવસમાં મોત, પોલીસ તમાશો જોતી રહી 2 - image

આ મામલે પરિવારે સ્થાનિક પોલીસને અરજી આપી હતી. પરંતુ સ્થાનિક પોલીસે અરજી મળ્યા બાદ તપાસ કરવાની તસ્દી લીધી નહતી. પોલીસે નિષ્પક્ષ તપાસ કરી હોત તો બોરીસણાના બે દર્દીના જીવ બચી ગયા હોત.

ગણપતભાઈની એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી

ગણપતભાઈ છગનભાઈ વાળંદ (બજાણીયા)એ પોતાના ગામ વિનાયકપુરા ખાતે ખ્યાતિ હોસ્પીટલ દ્વારા આયોજીત નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાં ઉપસ્થિત ડોક્ટર દ્વારા ગણપતભાઈ સહિત અંદાજે 7થી 8 લોકો જેઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ધરાવે છે તેમને વધુ તપાસ માટે અમદાવાદ ખ્યાતી હોસ્પીટલ ખાતે આવવાનું જણાવ્યું હતું. આથી ગણપતભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેન અમદાવાદ પીએમજેએવાય કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે તપાસ તેમજ સારવાર માટે ગયા હતા. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ ગણપતભાઈના શરીરમાં એક નળી બ્લોક હોવાનું તેમજ ઓપરેશન કરવું પડશે તેમ જણાવતા તેમના પત્નીએ ના પાડી હતી. પરંતુ ડોક્ટરોએ પીએમજેએવાય કાર્ડ હેઠળ ઓપરેશનનો કે સારવારનો કોઈપણ ચાર્જ કે ફી નહીં લાગે તેમ સમજાવતા એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી.

આ પણ વાંચો: મણિપુરમાં ફરી પરિસ્થિતિ બેકાબૂ: CM સહિત સાત ધારાસભ્યોના ઘર પર હુમલો, ઈન્ટરનેટ બંધ-કર્ફ્યૂ


દર્દીને સરકારી હોસ્પીટલમાં એડમીટ કરાયા

ઓપરેશન કરાવ્યા બાદ ગણપતભાઈની તબીયત વધુ લથડતા ફરજ પરના ડોક્ટરોએ સારવાર અર્થે અમદાવાદ સરકારી હોસ્પીટલ ખાતે રિફર કરવાનું જણાવતા પરિવારજનો ગણપતભાઈને અમદાવાદ સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા અને એડમીટ કર્યા હતા. જે દરમિયાન સરકારી હોસ્પીટલના ડોક્ટરોએ તપાસ કરતા ખ્યાતિ હોસ્પીટલના ડોક્ટરો દ્વારા ગણપતભાઈને અયોગ્ય રીતે ઓપરેશન તેમજ સારવાર કરી શરીરને વધુ નુકસાન પહોંચાડયું હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે કોઈપણ જાતની ગંભીરતા દાખવી નહીં 

આથી ગણપતભાઈના પરિવારજનોએ ખ્યાતિ હોસ્પીટલના ડોક્ટરોની બેદરકારી અંગે સ્થાનિક પોલીસ મથકે લેખીત અરજી કરી હતી અને કાર્યવાહીની પણ માગ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ જાતની ગંભીરતા નહીં દાખવી તે સમયે કાર્યવાહી કે તપાસ કરવાની પણ તસ્દી લીધી નહોતી. જો સ્થાનિક પોલીસે તે સમયે અરજી અંગે નિષ્પક્ષ અને કડક તપાસ કરી હોત તો બોરીસાણા ગામના બે વ્યક્તિના ડોક્ટરની બેદરકારીના ભોગ બન્યા ન હોત અને બંને જીવ બચી ગયા હોત.

ખ્યાતિ હોસ્પીટલના ડોક્ટરો સામે ગંભીર આક્ષેપ

જ્યારે આધેડ ગણપતભાઈનું 11 દિવસની સારવાર બાદ ચોથી નવેમ્બરે રોજ મોત નિપજ્યું હતું જે સમગ્ર બનાવ બાદ પાટડીના બજાણા ખાતે તેઓની લૌકિકક્રિયા 15મી નવેમ્બરના રોજ રાખવામાં આવી હતી. જ્યારે મૃતકના પત્ની લક્ષ્મીબેન, જમાઈ કલ્પેશભાઈ સહિત પરિવારના નરસિંહભાઈ તેમજ અન્ય સગા-સબંધીઓએ ખ્યાતિ હોસ્પીટલના ડોક્ટરો સહિતનાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને સરકારની પીએમજેએવાય યોજના હેઠળ માત્ર સરકારી રૂપિયા પડાવવાની લાલચમાં ગણપતભાઈને ઓપરેશન જરૂરી નહીં હાવા છતાં ઓપરેશન કરી મોત નિપજાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદના ભાટ સર્કલ પર રૂ.120 કરોડના ખર્ચે આઇકોનીક બ્રિજનું કામ શરૂ, નીચે બનશે અંડરપાસ: આવતીકાલથી બે વર્ષનું ડાયવર્ઝન

ખ્યાતી હોસ્પીટલના ડોક્ટરો, ટ્રસ્ટીઓ, સંચાલકો સહિતનાઓને ઝડપી પાડી કડક સજા આપવાની પણ માગ કરી હતી. તેમજ હોસ્પીટલ દ્વારા યોજાયેલ કેમ્પ દરમિયાન નોંધાયેલા દર્દીઓ અને તેમની શારીરિક સ્થિતિ સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવે તો વધુ કૌભાંડો બહાર આવી શકે તેમ છે.

જિલ્લામાં બહારની હોસ્પિટલો દ્વારા યોજાતા કેમ્પ અંગે તપાસ હાથ ધરો

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત આસપાસના તાલુકાઓમાં પણ અમદાવાદ, રાજકોટ સહિતની હોસ્પીટલો દ્વારા નિદાન અને સારવાર કેમ્પ યોજાય છે. ત્યારે ખ્યાતી હોસ્પીટલ કાંડ જેવો અન્ય કોઈ બનાવ ન બને તે માટે જિલ્લાના આરોગ્ય તેમજ વહિવટી તંત્ર દ્વારા ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.


ખ્યાતિ હોસ્પિટલની કરતૂત: આધેડને પરાણે સ્ટેન્ટ મૂક્યું, 11 દિવસમાં મોત, પોલીસ તમાશો જોતી રહી 3 - image


Google NewsGoogle News