'એનિમિયામુક્ત ભારત'નો દાવો પોકળ, ગુજરાતમાં 15-49 વર્ષની 65% મહિલાઓ જ પીડિત નીકળી
Anemia Cases Rise In Gujarat: એનિમિયામુક્ત ભારતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં એનિમિયાની સ્થિતી ચિંતાજનક છે. એનુ કારણ એ છે કે, 15-49 વર્ષની 65 ટકા મહિલાઓ એનિમિયાગ્રસ્ત છે. લાખો કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછીય એનિમિયાને કાબુમાં કરી શકાયો નથી તે વાત જાણે પ્રસ્થાપિત થઈ છે.
ગુજરાતમાં એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક
ગુજરાતમાં મોટાભાગની મહિલાઓ એનિમિયાથી પિડીત છે. સામાન્ય રીતે સર્ગભા મહિલાઓને એનિમિયા થાય છે. શરીરમાં આયર્નની ઉણપને કારણે મહિલાઓ એનિમિયાનો રોગનો શિકાર બની રહી છે. એનિમિયામાં લોહીમાં રક્તકણોની ઉણપ જોવા મળે છે. આ માટે આરોગ્યપ્રદ આહાર જરૂરી છે. એનિમિયામુક્ત ભારત કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં એનિમિયાનું પ્રમાણ ચિંતાજનકહદે વધી રહ્યું છે.
આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યુ છે
ગુજરાતમાં 15-49 વર્ષની 65 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. છતાંય આરોગ્ય વિભાગ સિદ્ધીઓની ડીંગો હાંકી રહ્યુ છે. અરુણાચલમાં 40 ટકા, ગોવામાં 39 ટકા, દિલ્હીમાં 49 ટકા, રાજસ્થાનમાં 59 ટકા, તેલંગાનામાં 57 ટકા, પંજાબમાં 58 ટકા અને મહારાષ્ટ્રમાં 54 ટકા મહિલાઓ એનિમિયાગ્રસ્ત છે. વાઈબ્રન્ટ ગુજરાત આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે તેવી બડાઇ હાંકવામાં આવી રહી છે. ત્યારે નાના રાજ્યો કરતાં ગુજરાતમાં એનિમિયા ગ્રસ્ત મહિલાઓની સંખ્યા વઘુ છે. આ પરથી એ વાત સાબિત થઇ રહી છે કે, ગુજરાતમાં હજુ એનિમિયાને કાબૂમાં લેવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યુ છે. નિષ્ણાતોએ એવી પણ ભિતી વ્યક્ત કરી છે કે, જો આજ પરિસ્થિતી રહી તો ગુજરાતમાં એનિમિયાગ્રસ્ત મહિલાઓની સંખ્યામાં હજુ વધારો થશે.