Get The App

હવાનું પ્રદૂષણ નિયંત્રિત નહીં થતુ હોવા છતાં AMC નું વર્ષ-૨૦૨૫-૨૬નું બજેટ કલાઈમેટ એકશન પ્લાન આધારીત હશે

રેઈન વોટર હાર્વેસ્ટીંગ,ગ્રાઉન્ડ વોટર રી ચાર્જ સહીતના અગાઉ જાહેર કરાયેલા પણ સફળ નહીં થયેલા મુદ્દાઓને ફરી સમાવાશે

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
હવાનું પ્રદૂષણ નિયંત્રિત નહીં થતુ હોવા છતાં AMC નું વર્ષ-૨૦૨૫-૨૬નું બજેટ કલાઈમેટ એકશન પ્લાન આધારીત હશે 1 - image


અમદાવાદ,શનિવાર,12 ઓકટોબર,2024

અમદાવાદમાં હવાનુ પ્રદૂષણ ઘટવાના બદલે વધી રહયુ છે.પીરાણા ખાતે આવેલા મ્યુનિ.ના કચરાના ડુંગર ઉપરાંત  શહેરના એરપોર્ટ વિસ્તાર,ચાંદખેડા સહિતના વિસ્તારોમાં એર કવોલીટી ઈન્ડેકસ ઘટાડવામાં તંત્ર નિષ્ફળ સબિત થઈ રહયુ છે. ગટરો અંગે ચાર મહીનામાં મ્યુનિ.તંત્રને ૧.૩૫ લાખ ફરિયાદ મળી હતી. સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતુ હોવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ.તંત્રને અનેક વખત ફીટકાર આપી છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રે વર્ષ-૨૦૨૫-૨૬નું વાર્ષિક બજેટ કલાઈમેટ એકશન પ્લાન આધારીત બનાવવા નિર્ણય કર્યો છે.મ્યુનિ.ના આગામી અંદાજપત્રમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ગ્રાઉન્ડ વોટર રી ચાર્જ સહીતના અગાઉ જાહેર કરાયેલા પણ સફળ નહીં થયેલા મુદ્દાઓને ફરીથી સમાવાશે.

અમદાવાદના હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા ઘણાં વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અખતરાં કરવામાં આવી રહયા છે. શહેરીજનો તેમના વાહનો મુકી અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા થાય એ માટે એ.એમ.ટી.એસ.ની સાથે વર્ષ-૨૦૦૮-૦૯માં બી.આર.ટી.એસ. શરુ કરવામાં આવી હતી. હાલમાં આ બંને સર્વિસ ખોટ કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બંને સર્વિસ ચાલુ રાખવા દર વર્ષે લોન આપવી પડે છે. શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં વોલ ટુ વોલ રોડ બનાવાથી હવાના પ્રદૂષણમાં ઘટાડો થશે એવા મિથ્યા આશાવાદ સાથે મોટી રકમનો ખર્ચ કરી અનેક વિસ્તારમાં વોલ ટુ વોલ રોડ બનાવી તો દેવાયા હવે વરસાદી પાણી ભરાવાના સ્પોટની સંખ્યા વધી ગઈ છે.રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે મ્યુનિ.તંત્રે તમામ ૪૮ વોર્ડમાં આવેલી સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા માટે આવાહન કર્યુ હતુ. આમ છતાં સોસાયટીઓ તરફથી પણ પરકોલેટીંગ વેલ બનાવવાને લઈ મ્યુનિ.તંત્રને કોઈ ખાસ હકારાત્મક પ્રતિયુત્તર આપવામાં આવ્યો નથી.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે કામ કરતા નહીં હોવાના મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષને આડેહાથ લીધા પછી અપગ્રેડેશનના કામ આપવામાં આવ્યા છે.

મ્યુનિ.ના આગામી અંદાજપત્રમાં કયા મુદ્દા હશે?

- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ગ્રાઉન્ડ વોટર રીચાર્જ,અર્બન ગ્રીન, સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ

-કલાઈમેટ એકશન પ્લાન અંતર્ગત ઈલેકટ્રીક સીટી, ફયુઅલ, ગેસ વગેરેના વપરાશને નિયંત્રિત કરી ગ્રીન હાઉસ એમીશન ઓછુ કરી શકાય એ માટે યુઝ ઓફ રીન્યુએબલ એનર્જી, બાયામીથેનેશન પ્લાન્ટ, ઈલેકટ્રીક મોબીલીટી જેવા પ્રોજેકટ ઉપર ભાર મુકવામાં આવશે.

શનિવારે સેટેલાઈટ વિસ્તારમાં હવાનું સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું

સફર એપ્લીકેશન ઉપર વિવિધ શહેરના વિસ્તારના એર કવોલીટી ઈન્ડેકસની વિગત અપડેટ કરાય છે.કોઈ પણ શહેરનો એર કવોલીટી ઈન્ડેકસ ૧૦૦થી ઉપર જાય એ આરોગ્યને હાનિકારક માનવામા આવે છે.શનિવારે સાંજે  ૬.૩૦ કલાકે અમદાવાદનો ઓવરઓલ એર કવોલીટી ઈન્ડેકસ ૧૦૧ નોંધાયો હતો.સેટેલાઈટ વિસ્તારમાં એર કવોલીટી ઈન્ડેકસ ૧૫૩ નોંધાયો હતો.અન્ય વિસ્તારમાં એર કવોલીટી ઈન્ડેકસ આ મુજબ નોંધાયો હતો.

કયાં કેટલો એર કવોલીટી ઈન્ડેકસ

સીટી ઓવરઓલ       ૧૦૧

સેટેલાઈટ               ૧૫૩

રાયખડ                 ૧૩૫

પિરાણા                 ૧૦૮

રખિયાલ                ૧૦૨

બોપલ                  ૧૦૧

એરપોર્ટ                 ૦૯૪

નવરંગપુરા             ૦૭૯


Google NewsGoogle News