પેટમાં ઉદરડાં દોડતા હોય તો પણ ખાતા નહીં પડીકા, CRUNCHEXમાંથી નીકળ્યો મરેલો દેડકો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Dead Frog  Found In Chips packet


Dead Frog  Found In Chips packet: આજકાલ જંકફૂડનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. લોકો હવે બાળકોને ઘરે બનાવેલો નાસ્તો આપવાના બદલે બજારમાં મળતા તૈયાર પડીકા પકડાવી દે છે. આ સ્વાદિષ્ટ પડીકા બાળકોને એટલી હદે દાઢે વળગી ગયા છે કે બાળકો તેને ખાવાની સતત જીદ કરે છે. આપણે બધા જાણીએ જ છીએ કે બજારમાં મળતા તૈયાર પેકેટ સ્વાસ્થ્ય માટે ખૂબ અનહેલ્ધી અને જોખમી હોય છે. તેમછતાં જાણે-અજાણે આપણે બાળકો તૈયાર પેકેટસ પકડાવી દેતા હોઇએ છીએ. ઘણીવાર તૈયાર પેકેટમાંથી ગરોળી, મરેલી જીવાત નિકળવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. 

બાલાજી વેફરના પેકેટમાં મરેલો દેડકો મળ્યો

તાજેતરમાં જામનગરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતની બાલાજી વેફરના પેકેટમાં મરેલો દેડકો મળી આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના રહેવાસી જાસ્મી પટેલના કહેવા અનુસાર તેમણે સોસાયટીની બહાર આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોતાની ભત્રીજી માટે બાલાજી વેફરનું પડીકું ખરીદ્યું હતું અને તેને ઘરે લઇ જઇને ખોલ્યું તો તેમાંથી મરેલો દેડકો નિકળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકારે વેફરના પડીકામાંથી મરેલો દેડકો જોઇને તેઓ દંગ રહી ગયા હતા. ત્યારબાદ સવારે તેમણે આ પડીકું દુકાનદારે બતાવ્યું હતું અને સમગ્ર ઘટના વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ દુકાનદારે એજન્સીવાળા સાથે વાત કરાવી હતી. ત્યારબાદ તેમણે કસ્ટમર કેરમાં વાતચીત કરી હતી, પરંતુ તેમણે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો. 

નમૂના લઇ તપાસ હાથ ધરાઇ

આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે, ટેલિફોનિક સૂચના મળતાં અમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આ દરમિયાન જોવા મળ્યું છે કે, બાલાજી વેફરના પેકેટમાં દેડકો ચગદાઇ ગયો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

ઘટનાના પગલે જામનગર મહાપાલિકાની ફૂડ શાખા આ ઘટનાની નોંધ લઇ તાત્કાલિક દોડતી થઇ ગઇ છે. તો બીજી તરફ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે કે તેમના આરોગ્ય સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ યોગ્ય કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મેનેજરે કહ્યું વાતમાં કોઇ તથ્ય નથી

બાલાજી વેફરના મેનેજર જય સચદેવે આ મામલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અમારો વેફર બનાવવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનથી સજ્જ છે જેથી આ પ્રકારનો બનાવ બને તે શક્ય જ નથી. દેડકો પ્લાન્ટમાં આવે તે વાતમાં કોઇપણ તથ્ય લાગી રહ્યું નથી. જોકે વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.


Google NewsGoogle News