મ્યુનિ.બજેટ બેઠકમાં વિપક્ષનેતાનો આક્ષેપ, સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસથી આપવાનુ પાંચ હજાર કરોડનું કૌભાંડ
૧.૭૫ લાખ ચોરસ મીટર જમીનનું ઓછુ વેલ્યુએશન કરાયુ હોવાના આક્ષેપ બાદ બોર્ડ બેઠકમાં ભારે હોબાળો
અમદાવાદ,શુક્રવાર,16 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.ની બજેટ બેઠકમાં સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ
ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવાનુ પાંચ હજાર કરોડનું કૌભાંડ કરવામાં આવી રહયુ હોવાનો
વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો હતો.૧.૭૫ લાખ ચોરસ મીટર જમીનનુ ઓછુ વેલ્યુએશન કરી
ડેવલપમેન્ટ રાઈટસ આપવાના નામે મળતીયાઓને આ પ્લોટ પધરાવી દેવાનો કારસો રચાઈ રહયો
હોવાનો બોર્ડ બેઠકમાં આક્ષેપ કરાતા એક માત્ર પૂર્વ રેવન્યુ કમિટિ ચેરમેને
વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ સામે જવાબ આપવાનો પ્રયાસ કર્યા બાદ બેઠકમાં હોબાળો મચી
ગયો હતો.શાસક અને વિપક્ષના સભ્યો આમને સામને આવી જતા અધ્યક્ષસ્થાનેથી મેયરે બેઠક
થોડા સમય માટે મુલત્વી રાખવાની ફરજ પડી હતી.
સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ અંતર્ગત ૧૧ કિલોમીટરના વિસ્તારના
ડેવલપમેન્ટ માટે અત્યાર સુધીના સમયમાં રુપિયા ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.મ્યુનિ.ના
વર્ષ-૨૦૨૪-૨૫ના જનરલ બજેટ ઉપરની ચર્ચા દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે, સાબરમતી રિવરફ્રન્ટના
થોડા સમય અગાઉ જાહેર કરવામાં આવેલા પ્રતિ ચોરસ મીટરના ભાવને લઈ ત્રણ તબકકામાં રુપિયા
પાંચ હજાર કરોડનું કૌભાંડ કરવામાં આવી રહયુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.વિપક્ષનેતાએ
સાબરમતી રિવરફ્રન્ટની જમીનનુ જાણી જોઈને ઓછુ વેલ્યુએશન કરવાનું, જમીનના ડેવલપમેન્ટ
રાઈટસ આપવાનુ તેમજ રિવરફ્રન્ટની જમીન પ્રતિ ચોરસ મીટર માત્ર રુપિયા દસના ભાવથી લીઝ
ઉપર આપવાનુ કૌભાંડ આકાર લઈ રહયુ હોવાનો બેઠકમાં આક્ષેપ કર્યો હતો.આક્ષેપના પગલે બેઠકમાં
સોંપો પડી ગયો હતો.વિપક્ષનેતાએ રાજય સરકાર તરફથી આઠ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટના
વલ્લભસદન પાસે આવેલા એક પ્લોટનું વેલ્યુએશન કરાવ્યુ હતુ.એ સમયે પ્લોટનો પ્રતિ ચોરસ
મીટર ભાવ રુપિયા ૭.૮૬ લાખ આવ્યો હતો.હવે વલ્લભસદનમાં આવરી લેવામાં આવેલી ૨૭,૯૪૩ ચોરસ મીટર જમીનનો
પ્રતિ ચોરસ મીટર ભાવ રુપિયા ૩.૨૨ લાખ આવ્યો છે.આઠ વર્ષ પછી ભાવ વધવાના બદલે ઘટયો છે.૭.૮૬
લાખ પ્રતિ ચોરસ મીટરના ભાવ મુજબ વેલ્યુએશન કરવામાં આવે તો વલ્લભસદન પાસેના પ્લોટની
કુલ કિંમત રુપિયા ૨૧૯૬.૩૧ કરોડ થાય છે.આમ માત્ર વલ્લભસદનના વેલ્યુઝોનમાં આવતી ૨૭,૯૪૩ ચોરસ મીટર જમીનના
નકકી કરવામાં આવેલા વેલ્યુએશનથી રુપિયા ૧૨૯૬.૫૫ કરોડનું નુકસાન તંત્રને થઈ રહયુ છે.રાજય
સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી-૨૦૦૨ મુજબ વેલ્યુએશન કરવામાં આવે તો અંદાજે દસ હજાર
કરોડ જમીનની વેલ્યુ થાય એમ છે.આમ ખોટા વેલ્યુએશનથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન
લિમિટેડને રુપિયા પાંચ હજાર કરોડનુ નુકસાન કરવાનો કારસો રચાઈ રહયો છે.વિપક્ષનેતાના
આક્ષેપ બાદ પૂર્વ રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક
વકીલે વિપક્ષનેતા રિવરફ્રન્ટ કમિટિમાં હોવા છતાં ત્યાં રજૂઆત કરતા નથી અને અહીં રજૂઆત
કરે છે એવી રજૂઆત કરતા બેઠકમાં વિપક્ષને રજૂઆત કરવાનો અધિકાર છે એવી દલીલ સાથે જ હોબાળો
મચી ગયો હતો.
નીતિન પટેલના સમયમાં રિવરફ્રન્ટના બે પ્લોટ માટે ૧૬૭.૧૨
કરોડ કિંમત નકકી કરાઈ હતી
રાજય સરકારની પ્રાઈસ ફિકસીંગ કમિટિ દ્વારા વર્ષ-૨૦૧૬માં
સાબરમતી રિવરફ્રન્ટના બે પ્લોટના વેચાણ માટે વેલ્યુએશન કરવામાં આવ્યુ હતુ.એ સમયના
શહેરી વિકાસ મંત્રી નિતીન પટેલે ૧૨૮૦ ચોરસ મીટર ક્ષેત્રફળવાળા શેખપુર-ખાનપુરાના
સર્વે નંબર ૩૩૫નો ભાવ નકકી કરી ૧૭ માળનુ બાંધકામ થઈ શકે એ માટે ૧૬,૭૭૩ ચોરસ મીટર
બિલ્ટઅપ એરીયા નકકી કર્યો હતો.આ માટે પ્લોટની તળીયાની કિંમત પ્રતિ ચોરસ મીટર
રુપિયા ૭.૮૬ લાખ નકકી કરી રુપિયા ૧૦૦.૬૪ કરોડ આવક અંદાજવામાં આવી હતી.ચંગીઝપુર
ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર-૧૮૪ બીજો પ્લોટ હતો.જેમાં ૨૫ માળનુ બાંધકામ થઈ
શકે એ માટે ૧૧,૦૭૪ ચોરસ
મીટર બિલ્ટઅપ એરીયા નકકી કરાયો હતો.આ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૯૬ લાખ
ભાવ નકકી કરાયો હતો.જેની કુલ કિંમત રુપિયા ૬૬.૪૫ કરોડ હતી.રાજય સરકારે લેન્ડ
ડિસ્પોઝેબલ પોલીસી અંતર્ગત આ બે પ્લોટના ભાવ જાહેર કર્યા હતા પરંતુ પ્લોટનુ વેચાણ
થઈ શકયુ નહોતુ.
મ્યુનિ.અધિકારીઓના દુબઈ પ્રવાસ બાદ ડેવલપમેન્ટ રાઈટસ સાથેની ફોર્મ્યુલા અમલમાં
આવી
વર્ષ-૨૦૧૬થી ૨૦૨૨ સુધી રાજય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ
પોલીસી હેઠળ વેલ્યુએશન નહીં કરાવવા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન
લિમીટેડ દ્વારા નિર્ણય કરાયો હતો.પરંતુ મ્યુનિ.અધિકારીઓ દુબઈના પ્રવાસે જઈ પરત
આવ્યા બાદ કેટલાક ઉદ્યોગપતિ રિવરફ્રન્ટની મુલાકાતે આવ્યા બાદ રિવરફ્રન્ટની ૧.૭૫
લાખ ચોરસ મીટર જમીનના વેચાણ માટે અલાયદી સાબરમતી લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી-૨૦૨૩
બનાવી માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા પ્લોટને ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવાનો
કારસો રચાઈ રહયો હોવાનો વિપક્ષનેતાએ બેઠકમાં આક્ષેપ કર્યો હતો.
રિવરફ્રન્ટ બોર્ડ મિટીંગમાં આ મામલે મૌખિક રજૂઆત કરાઈ હતી
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની પ્રોજેકટ કમિટિ
ઉપરાંત ઓડિટ, નોમીનેશન
કમિટિ તેમજ બોર્ડ કમિટિ કાર્યરત છે.વિપક્ષનેતાએ આ સમગ્ર મામલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
કોર્પોરેશન લિમીટેડની મળેલી બોર્ડ બેઠકમાં મૌખિક રજૂઆત કરી હોવાનુ તેમનુ કહેવુ છે.