ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી CEO ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓને જેલમાં ધકેલાયા
Khyati Hospital Controversy : નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી મોત નીપજાવવાના ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપી સીઇઓ ચિરાગ હીરાસિંહ રાજપૂત, પ્રતિક યોગેશભાઇ ભટ્ટ, પંકીલ હસમુખભાઇ પટેલ, રાહુલ રાજેન્દ્રકુમાર જૈન અને મિલિન્દ કનુભાઇ પટેલના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાંચેય આરોપીઓને સાબરમતી જેલમાં એટલે કે, જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
ગ્રામ્ય કોર્ટે આરોપીઓને પૃચ્છા કરી કે, પોલીસ વિરૂદ્ધ કોઇ ફરિયાદ છે..? તો, નકારમાં જવાબ આપ્યો
આજે શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા ઉપરોકત પાંચેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાયા ત્યારે ન્યાયાધીશે તેઓને પોલીસ પરત્વે કોઇ ફરિયાદ છે કે કેમ તેવી પૃચ્છા પણ કરી હતી. જો કે, આરોપીઓએ તેનો નકારમાં જવાબ આપ્યો હતો. તો, ક્રાઇમબ્રાંચે પણ આરોપીઓના વઘુ રિમાન્ડની માંગણી કરી ન હતી. જેને પગલે ગ્રામ્ય કોર્ટે આરોપી સીઇઓ ચિરાગ રાજપૂત સહિતના પાંચેય આરોપીઓને સાબરમતી જેલમાં ધકેલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સમગ્ર કેસની તપાસ શહેર ક્રાઇમબ્રાંચને સોંપાઇ હતી. જેમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, રિમાન્ડ દરમ્યાન કરાયેલી તપાસમાં કેટલાક દર્દીઓની ફઇલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મીસીંગ છે, એટલું જ નહી મરણ જનાર બંને દર્દીઓના કોરોનરી એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી રિપોર્ટ જે ખ્યાતિ હોસ્પિટલમાં તૈયાર કરાયા હતા, તે જ બોગસ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કેસમાં સીસ્ટેમેટીક ઇકોનોમીક ફ્રોડનો ગંભીર ગુનો બનતો હોવાનું જણાયું હતું.
ટૂંકમાં, જરૂર નહી હોવાછતાં દર્દીઓની બારોબાર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી સરકારી નાણાં સેરવી લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ અને તેના આરોપીઓ દ્વારા બહુ પદ્ધતિસરનું આર્થિક કૌભાંડનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવતુ હતું.