બહારનું ખાવાનો શોખ હોય તો સાવધાન: વેફરમાંથી દેડકો અને હવે સાંભરમાંથી ઉંદર નિકળ્યો
હવે તો હદ થઇ... સાંભર અને ચોકલેટ સીરપમાંથી મૃત ઉંદર, વેફરમાંથી દેડકો અને આઇસ્ક્રીમમાંથી કપાયેલી આંગળી નિકળી
Alert For Fast Food Lover's: પેક્ડ ફૂડમાંથી મરેલા જીવજંતુ નીકળવા તે જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. હવે તો બ્રાન્ડેડ કંપનીઓ પણ તેમાથી બાકાત નથી. હર્શી જેવી બ્રાન્ડેડ કંપનીના ચોકલેટ સીરપની બંધ બોટલમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. જ્યારે બેંગ્લુરુમાં એક કસ્ટમરે મંગાવેલા પેકિંગમાં જીવતો કોબ્રા આવ્યો હતો. કલ્પના કરો કે પેકિંગમાં મંગાવેલી વસ્તુના બદલે જીવતો સાપ નીકળે તો તમારી સ્થિતિ શું થાય.
હાલમાં જાણે ગુજરાત સહિત દેશભરમાં હોટલ અને બ્રાન્ડેટ કંપનીની એફએમસીજી પ્રોડક્ટમાંથી મરેલા જીવજંતુ નિકળવા તે સામાન્ય બાબત બની ગઇ છે. છેલ્લા એક સપ્તાહમાં એક, બે નહી પરંતુ ચાર ઘટનાઓ સામે આવી છે. જે બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન છે. હાઇજીન નામે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સતત આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા હોવા છતાં ફૂડ વિભાગે આંખે પાટા બાંધ્યા હોય એ પ્રકારે કોઇ કડક કાર્યવાહીના ઉદાહરણ જોવા મળી રહ્યા નથી. આ ચાર કિસ્સાઓમાંથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાંથી બે કિસ્સાઓ સામે આવ્યા છે.
ઘટના નંબર: 1
જો વાત કરવામાં આવે તો ગઇકાલે જામનગર ખાતે બાલાજી વેફરના પેકેટમાંથી એક ગ્રાહકે ખરીદેલા પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. જેને લઇને ફૂડ વિભાગના જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસનો સૂર આલાપી દીધો છે, જ્યારે કંપનીના મેનેજરે પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અમારો વેફર બનાવવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનથી સજ્જ છે જેથી આ પ્રકારનો બનાવ બને તે શક્ય જ નથી. દેડકો પ્લાન્ટમાં આવે તે વાતમાં કોઇપણ તથ્ય લાગી રહ્યું નથી. જોકે વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
ઘટના નંબર: 2
આ ઘટનાને હજુ 24 કલાક પણ પુરા થયા નથી ત્યારે અમદાવાદના નિકોલ ખાતે આવેલી દેવી ઢોસા રેસ્ટોરેન્ટમાં ગ્રાહકના સાંભરમાંથી ઉંદર નિકળ્યો હતો. આ જોઇને ગ્રાહક બે ઘડી માટે ઘડાઇ ગયો હતો. જોકે આ મામલે ગ્રાહકે ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આવી ઘટનાઓ સતત સામે આવી રહી હોવા છતાં ફૂડ વિભાગ ઘોર નિદ્રામાં હોઇ એવું લાગી રહ્યું છે. રેસ્ટોરેન્ટ અને હોટલમાં કેટલી સ્વચ્છતા રાખવામાં આવતી હશે તેના પુરાવા આ ઘટનાઓથી ખબર પડી જાય છે. આ પ્રકારની ઘટનામાં ફૂડ પોઇઝનિંગમાં કોઇ વ્યક્તિનો જીવ જશે ત્યારબાદ તંત્ર જાગશે કે કેમ એ મોટો સવાલ છે?
આમ પણ આપણા ત્યાં તંત્રને રાંડ્યા પછી જ ડહાપણ આવે છે. જોઇએ કે ઉપરોક્ત બે કિસ્સામાં ગુજરાતનો ફૂડ વિભાગ શું પગલાં લે છે.. આ ઘટના બાદ તંત્ર જાગે છે કેમ? જ્યાં ટપરીઓ અને હોટલોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન થતું નથી તેવી હોટલો અને રેસ્ટોરેન્ટ વિરૂદ્ધ પગલાં લેવામાં આવશ કે કેમ એ તો આગામી દિવસોમાં ખબર પડશે.
ઘટના નંબર: 3
આ ઉંદર ત્યારે મળ્યો છે જ્યારે ચોકોલેટ સીરપની સીલબંધ બોટલને ખોલવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટના આ વિડીયોમાં વાઇરલ થયેલી પોસ્ટે યુઝર્સને ચોંકાવી દીધા છે. આ રીલમાં દાવો કરવામાં આવ્યો છે કે હર્શીના ચોકલેટ સીરપની સીલબંધ બોટલની અંદર એક મરેલો ઉંદર મળ્યો છે.
પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રામી નામની યુઝરે લખ્યું હતું કે મેં ઝેપ્ટોમાં આપેલા ઓર્ડરમાં આ ચોંકાવનારી ચીજ મળી. આ જાણકારી બધાના આંખ ખોલી દે તેવી છે. આમ કહીને પછી તે બંધ ઢાંકણું ખોલે છે અને સીરપને એક કપમાં નાખે છે. તેમા લોકો મરેલો ઉંદર જુએ છે. તેના કુટુંબમાંથી કોઈ તેને પાણીથી ધુએ છે જેથી સ્પષ્ટ દેખાય કે અંદર મળેલી ચીજ મરેલો ઉંદર છે. મહિલાએ પોસ્ટમાં લખ્યું હતું કે અમે બ્રાઉની કેકની સાથે ખાવા માટે ઝેપ્ટોમાં હર્શીના ચોકલેટ સીરપનો ઓર્ડર આપ્યો હતો.
અમે કેક પર ચોકલેટ સીરપ નાખવાનો શરુ કર્યો ત્યારે તેમાથી સતત નાના વાળ આવતા અમે તેનું ઢાંકણુ ખોલવાનો નિર્ણય લીધો. તેના ડિસ્પોઝેબલ ગ્લાસમાં નાખતા મરેલો ઉંદર મળ્યો. આ ઉંદર જ છે કે બીજું કંઇ તે જોવા અમે તેને પાણીથી ધોયો તો ખબર પડી કે તે ઉંદર જ છે. કંપનીએ આ પોસ્ટ પર જવાબ આપતા જણાવ્યું હતું કે અમને આ ઘટના બદલ ખેદ છે. અમને બોટલને યુપીસી અને મેન્યુ. કોડ મોકલો જેથી અમારી ટીમ મદદ કરી શકે.
ઘટના નંબર: 4
અન્ય એક ચોંકાવનારો કિસ્સો મુંબઈના મલાડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે આઈસક્રીમ કોનની અંદરથી એક વિકૃત માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેનો ફોટો શેર કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના જણાવ્યા અનુસાર તેણે ઓનલાઇન આઈસક્રીમ ઓર્ડર કર્યો હતો. પ્રાથમિક તબક્કાની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આઈસ્ક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. પોલીસે આઈસ્ક્રીમમાંથી મળેલા માનવ શરીરના અંગને વધુ પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.