Get The App

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 1 - image


 સેપ્ટ યુનિવર્સિટીમાં 'મેપ્સ ઈન હિસ્ટ્રીઃ અર્બન ટ્રાન્સફોર્મેશન ઓફ અમદાવાદ' શીર્ષક સાથે એક્ઝિબિશન 

 પહેલા સિટી સર્વેથી લઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, વોટર સપ્લાય મેપ, રિલીફ રોડનું બાંધકામ, સિટી વૉલ ડિમોલેશન વગેરે વિશેની માહિતી રજૂ કરાઈ

Ahmedabad: નવરંગપુરામાં આવેલ સેપ્ટ યુનિવર્સિટી ખાતે ઔડાના સહયોગથી 'મેપ્સ ઈન હિસ્ટ્રીઃ અર્બન ટ્રાન્સફોર્મેશન ઓફ અમદાવાદ' શીર્ષક સાથે એક્ઝિબિશન યોજાયું છે, જેમાં 150 વર્ષ પહેલા બનેલા અમદાવાદના નકશાથી લઈ વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, રિલીફ રોડનું બાંધકામ, વિવિધ પ્રકારના દસ્તાવેજ, વોટર સપ્લાયિંગ મેપ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ એક્ઝિબિશનમાં છેલ્લા 150 વર્ષોમાં પ્રકાશિત થયેલા મુખ્ય નકશા એકઠા કરવામાં આવ્યા છે. 1881માં જ્યારે પહેલીવાર સિટી સર્વે કરવામાં આવ્યો તે સમયે વિવિધ પ્રકારના નકશાંઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ સર્વેમાં મિલકતના માલિકની માહિતી, સર્વે નંબર, ધાર્મિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 19મી સદીના અંત સુધીમાં બોમ્બેની પ્રેસિડેન્સી દ્વારા 2000થી વધારે વસ્તી ધરાવતા એરિયાના સર્વે કરવામાં આવ્યા અને તેનો ઉપયોગ શહેરી વિસ્તારોના આયોજન અને વહીવટ માટે કરવામાં આવતો. 

આ વિશે આ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ રિસર્ચર ડૉ. અંજલિ કદમે કહ્યું કે, 'ઘણા મહિનાઓ સુધી અમે ગવર્નમેન્ટ ઓફિસ, ન્યૂઝપેપર ઓફિસ વગેરે જગ્યાએ વિવિધ રીપોર્ટ અને આર્કાઈવ પેપર્સ વિશેની માહિતી મેળવવામાં પ્રયત્નો કર્યા હતા.અમે અમદાવાદ, ગાંધીનગર, બરોડા, મુંબઈ, પુને અને દિલ્હીના રેકોર્ડ તપાસી 50 જેટલા નકશાઓ એકત્ર કર્યા છે.'  આ સાથે સેન્ટર ફોર રિસર્ચ ઓન આર્કિટેક્ચર અને અર્બનિઝમના હેડ એ. શ્રી વસ્તને કહ્યું કે, 'આ એક્ઝિબિશન દ્વારા લોકોને ઘણી નવી જાણકારી મળશે. આ ડેટા શહેરના વિકાસ અને તેની સાથે સંકળાયેલા આર્કાઈવ્સ અને નકશાઓને દર્શાવે છે. અમે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સમર્થન માટે તેમના આભારી છીએ.' આ એક્ઝિબિશન 8 મેથી સેપ્ટ યુનિવર્સિટી, નવરંગપુરામાં શરૂ થયું છે. જે તમામ લોકો માટે ઓપન ફોર ઓલ રહેશે. 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 2 - image

ટાઉન પ્લાનિંગ માટે હિસ્ટોરિક વોલનું ડિમોલેશન કરાયું 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 3 - image

ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર પાંચને સિટી વૉલ ઈમ્પ્રુવમેન્ટ નામ આપવામાં આવ્યું. આ સ્કીમ પણ મિરામ્સ દ્વારા જ નક્કી કરાઈ હતી. આ સ્કીમને લાગુ કરવામાં ઘણા લોકોએ વિરોધ કર્યો જેને કારણે આ યોજનાના અમલીકરણમાં ઘણો વિલંબ થયો. મિરામ્સે આ યોજનાના હેતુ વિશે કહ્યું હતું કે, આ વૉલની જગ્યાએ રીંગ રોડ તૈયાર કરવામાં આવશે. આ સાથે દિવાલના હટવાથી શહેરમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન થઈ શકશે અને હવા તથા પ્રકાશ વધારે મળશે.આ સાથે વૃક્ષોનું વાવેતર કરી ઉદ્યાનોનું નિર્માણ કરવામાં આવશે.' ડિમોલેશનની આ યોજનાએ દિવાલને સાત ભાગમાં વિભાજિત કરી હતી અને દરેક વિભાગ માટે વિગતવાર યોજનાઓ બનાવવામાં આવી હતી. 

1920ના નકશામાં શહેરને 84 ગ્રીડમાં વહેંચવામાં આવ્યું 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 4 - image

1881 બાદ 1920માં બીજો મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં અમદાવાદને 84 ગ્રીડમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને દરેક ગ્રીડનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. 

દસ્તાવેજની પહેલા ખતપત્રોનો ઉપયોગ કરવામાં આવતો

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 5 - image

ઈ.સ. 1650થી ખતપત્રોનો ઉપયોગ દસ્તાવેજ તરીકે થતો જોવા મળે છે. આ ખતપત્રોમાં મિલકતના માલિકનું નામ, પરિવારના તમામ સભ્યો અને મિલકતની કિંમતનો સમાવેશ કરવામાં આવતો હતો. ખતપત્રમાં ઘરના વિવિધ ભાગોનું વર્ણન કરવામાં આવતું હતું, તેમાં મુખ્યત્વે પાણીનો સોર્સ અને જમીનના ઢોળાવનો ઉલ્લેખ અચૂકપણે કરવામાં આવતો તેમ જોવા મળે છે. આ વિગતવાર લખાણમાં તે સમયની સામાજિક પરિસ્થિતિ પણ માહિતી મળી રહે છે. 

સૌથી પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ જમાલપુર માટે તૈયાર કરાઈ હતી

તે સમયના બોમ્બે પ્રેસિડેન્સીના કન્સલ્ટિંગ સર્વેયર આર્થર એડવર્ડ મિરામ્સે બ્રિટિશ કોલોની માટે 60 ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરી હતી. તેમણે કહ્યું કે, 'આ અધિનિયમ જમીનના મોટા વિસ્તારોને દર્શાવે છે, આ જમીન પર જ્યાં સુધી કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી તે ખેતી માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ, લોકોને રિઝનેબલ કિંમતે જમીન ખરીદવાની સુવિધા મળશે. 'ટાઉન પ્લાનિંગ સ્કીમ્સને અમલમાં મૂકવાનો હેતુ નવા રોડનું બાંધકામ, સ્વચ્છતા અને પાણી પૂરવઠાના યોગ્ય નિયમન થાય તે હતો પરંતુ તેમ છતાં શરૂઆતમાં બનેલી કેટલીક સ્કીમ્સમાં જ્ઞાાતિના પાંસાઓએ અસર કરી હોય તેમ લાગે છે.  શહેરમાં સૌથી પહેલાં જમાલપુર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું જે ઓછી આવક ધરાવતાં લોકો માટે હતું. આ ટાઉન પ્લાનિંગમાં ગટરના પમ્પિંગ સ્ટેશન, એએમટીએસ વર્કશોપ વગેરેની સુવિધા હતી ત્યારબાદ તેમાં લાકડાંના વેપારીઓ માટે પણ જગ્યા ફાળવવામાં આવી. આ સ્કીમના ડેવલપિંગનો કુલ ખર્ચ 1,54,000 થયો હતો તેમાંથી 75,000 પ્લોટ ધારકો પાસેથી દાન તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા અને બાકીની રકમ પ્લોટના વેચાણ બાદ ઉપજી હતી. 

1824 | ગુજરાતમાં પ્રથમ સિટી સર્વેની શરૂઆત થઈ હતી

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 6 - image

ગુજરાતના મહેસૂલ અધિકારી અને ભૂગોળશાસ્ત્રીઓએ 1824માં સિટીસર્વેની કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1863માં તે સમયના તત્કાલીન કલેક્ટર હોપના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તે 1881માં પૂર્ણ થયો.  આ સિટી સર્વે પરથી 'જનરલ ઈન્ડેક્સ ઓર ધ મેપ ઓફ ધ અમદાવાદ'નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં શહેરના નકશા સહિત મિલકતના માલિકની માહિતી પણ આપવામાં આવી હતી. આ નકશામાં રોડ, પ્રાઈવેટ પ્રોપર્ટી, ગવર્નમેન્ટ પ્રોપર્ટી, ચેરીટેબલ ટ્રસ્ટની સંપત્તિ અને પોલની સીમાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે જ, પ્રોપર્ટી રેકોર્ડમાં માલિકનું નામ, સર્વે નંબર અને સર્વે તારીખ જેવી વિગતોનો સમાવેશ કરવામાં આવતો હતો. 1824થી 1826 વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણો અધિકારી મેલ્વિલના માર્ગદર્શનમાં થતાં હતા. આ ડેટા એકત્ર કરવાનો હેતુ જમીનની કિંમત અને કરવેરા નક્કી કરવાનો તથા જે-તે જમીન માટે કર ચૂકવનાર વ્યક્તિની ઓળખ માટેનો હતો. સિટી સર્વેની શરૂઆત 1926માં કરવામાં આવી હતી અને તે વર્ષે બોમ્બે પ્રેસિડેન્સીમાં 34 શહેર અને 26 ગામડાંઓ નોંધાયા હતા. આ સર્વેક્ષણો પહેલાં 1800થી 1823 વચ્ચે લશ્કરી અધિકારીઓએ લશ્કરી માર્ગો પર ભૌગોલિક સર્વેક્ષણ કર્યા હતા. 

60 ફૂટ પહોળા અને 6,000 ફૂટ લાંબા રિલીફ રોડનું નિર્માણ 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 7 - image

આર્થર એડવર્ડ મિરામ્સે રીચી રોડ પર ભીડ ઘટાડવા કાલુપુર રિલીફ રોડનું નિર્માણ કરવાની યોજના ઘડી. આ યોજનામાં 60 ફૂટ પહોળા અને 6000 ફૂટ લાંબા રોડની રચના કરાઈ, જે અમદાવાદ રેલવે સ્ટેશન નજીકના સાકર બજારથી લઈ ભદ્ર સુધીનો હતો. આ યોજનાના અમલીકરણમાં 63,175 સ્ક્વેયર યાર્ડ એરિયા, 1288 જેટલી મિલકતો અને 5000 લોકોને રોડ બનવાથી અસર થતી હતી, કેટલાંક લોકોએ અમદાવાદ મ્યુનિસિપાલિટી વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. પહેલાં  રોડ 80 ફૂટનો બનાવવાનો હતો પરંતુ ધાર્મિક સ્થળોને કારણે તેની પહોળાઈ ઘટાડી 60 ફૂટ કરવામાં આવી. આ રસ્તો બનાવવાનો અંદાજિત ખર્ચ એક કરોડ રૂપિયા થયો, જેમાં સંપાદન ખર્ચ 41,50,000, રોડના નિર્માણની કિંમત 2,88,000 અને જમીન રીસેલ ખર્ચ ૫૨ 63,000 થયો હતો.

શહેરમાં છ જગ્યાએ વોટર ટાવરનું નિર્માણ કરાયું 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 8 - image

પહેલાં ગટર વ્યવસ્થા રૂપે ખાળકૂવા હોવાને લીધે ચોમાસામાં  દુર્ગંધ આવતી હતી ત્યારબાદ પાઈપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની યોજનાઓ ઘડાઈ. ફર્ગ્યુસન દ્વારા 1875માં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જેનો ખર્ચો 9 લાખ હતો અને માથાદીઠ 10 ગેલન પાણી ફાળવવામાં આવ્યું હતું. ડુકેટ દ્વારા દૂધેશ્વરમાં પમ્પિંગ સ્ટેશન હોય તેમ સુચવવામાં આવ્યું, આ સાથે શહેરમાં કાલુપુર, ખાડિયા, જમાલપુર, રાયખડ અને શાહપુરમાં વોટર ટાવરનું નિર્માણ કરાયું હતું. 

એલિજબ્રિજ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 50 હાઉસિંગ સોસાયટીનો સમાવેશ કરાયો 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 9 - image

સાબરમતી નદીની પશ્ચિમ બાજુ બનાવવામાં આવેલી પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ હતી. આ યોજનામાં બે જૂથો હતા, જેમાં દરિયાર ગૂ્રપમાં કાઝીપુર જૂથ કે શાહપુર અને ખાનપુર દરવાજા બહાર આવેલ વિસ્તાર અને એલિસબ્રિજ ગૂ્રપમાં સાબરમતી નદીના પશ્ચિમ ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્કીમમાં 50 હાઉસિંગ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજનામાં ભૂગર્ભ ગટર, પાણી પૂરવઠા અને વરસાદી પાણીની ડ્રેનેજ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજનામાં બનેલી હાઉસિંગ સોસાયટીઓ કો-ઓપરેટિવ સોસાયટીઓ હતી અને અમદાવાદની પહેલી કો-ઓપરેટિવ સોસાયટી બ્રહ્મક્ષત્રિય સોસાયટી હતી, જે માત્ર 80 પરિવારો માટે બનાવવામાં આવી હતી. 

પ્રજાબંધુ સમાચાર પત્રમાં સચવાયેલો અમદાવાદનો ઈતિહાસ 

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 10 - image







1920થી 1950 સુધીના વિવિધ ન્યૂઝ પેપર્સમાં અર્બન ડેવલપમેન્ટ અને વિવિધ સ્કીમ વિશે નિયમિતપણે કવરેજ કરવામાં આવતું હતું. આ આર્ટિકલ્સમાં પ્રજાના મત, તેમના વિચારો, તેમની સમસ્યાઓને સચોટપણે રજૂ કરવામાં આવતી હતી. ટી.પી. સ્કીમના નકશામાં સમાવિષ્ટ ન હોય તેવી આર્થિક અને ટેકનિકલ બાબતો પણ આર્ટિકલમાં લખવામાં આવતી. પ્રજાબંધુ સમાચાર પત્રમાં આ પ્રકારના અહેવાલ સચોટપણે રજૂ કરાયા હતા.  આ આર્ટિકલમાં ટાઉન પ્લાનિંગની ટેકનિકલ બાબતો જે નકશામાં ન હોય તેને પણ સચોટપણે દર્શાવાઈ હતી.

150 વર્ષમાં અમદાવાદ કેટલું વિકસ્યું અને વિસ્તર્યું, નકશાઓમાં સચવાયેલો ભવ્ય ઈતિહાસ 11 - image


Google NewsGoogle News