હવે 132 વર્ષ જૂના એલિસબ્રિજ પર અવર-જવર કરી શકશે રાહદારીઓ, મજબૂતીકરણ માટે ફાળવાયા રૂ. 32 કરોડ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Ellisbridge


Ahmedabad Ellisbridge : અમદાવાદ મહાનગર પાલિકાએ કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંગ્રેજ શાસનકાળ દરમિયાન બાનાવેલા એલિસબ્રિજનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે. આ સાથે બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી માટે 32.40 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.

હેરિટેજ વિરાસતને જળાવવા સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલાં એલિસબ્રિજ ઐતિહાસિક હોવાથી જર્જરીત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા અને સમયસર અદ્યતન ટેકનોલોજી દ્વારા યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયો હતો આ બ્રિજ

1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસબ્રિજની લંબાઇ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર અને 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

બ્રિજનું રીપેરીંગ કામ પૂરું થતાં રાહદારીઓ માટે ખુલ્લો મુકાશે

બ્રિજના પુનઃસ્થાપન બાદ રાહદારીઓ માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. લોકો હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ શકે એ પ્રકારે બ્રિજનું રીપેરીંગ કામમાં મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવશે. આ સાથે સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા માટે બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.


Google NewsGoogle News