Get The App

અમદાવાદ પોલીસ કમિશ્નરનો મહત્ત્વનો આદેશઃ પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
અમદાવાદ પોલીસ કમિશ્નરનો મહત્ત્વનો આદેશઃ પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી 1 - image


Ahmedabad Police: અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી સામે જ જાહેરમાં ત્રણ પોલીસ ડ્રાઇવર દારૂ પીતા પકડાયા હતા. આ ત્રણ પોલીસ કર્મચારી સતત 24 કલાકની નોકરી કરી ઘરે જતાં હોવાની વિગતોથી પોલીસ કમિશ્નરે એક આદેશ કર્યો છે. આ આદેશ મુજબ પોલીસ સતત 24 કલાક નોકરી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. પોલીસ વાન અને પી.આઇના ડ્રાઇવર તેમજ ડ્યૂટી સ્ટાફને 12કે 8 કલાકની શિફ્ટમાં જ નોકરી કરવા આદેશ અપાયો છે.

24 કલાકની સળંગ શિફ્ટ નહીં મૂકી શકાય

પોલીસ કમિશ્નર જી.એસ મલિકે જાહેરનામું રજૂ કરી જણાવ્યું છે કે, અમદાવાદના અમુક પોલીસ સ્ટેશનોમાં સતત 24 કલાક સુધીની શિફ્ટની નોકરી કરવામાં આવે છે અને બીજા દિવસના 24 કલાકનો ઓફ લેવામાં આવે છે. આ પદ્ધતિ અમુક પોલીસ સ્ટેશનની ફર્સ્ટ અને સેકન્ડ મોબાઇલ વાનના ડ્રાઇવરો અને પીસીઆરમાં જોવા મળે છે. આ પ્રકારની કાર્ય પદ્ધતિ પોલીસ કર્મચારીની શારીરિક, માનસિક સ્થિતિ પર વિપરિત અસર પાડે છે. સતત 24 કલાકની ફરજના કારણે કાયદો-વ્યવસ્થાના પ્રશ્નોને ત્વરિત અને અસરકારક ન્યાય આપી શકાતો નથી. જેથી, અમદાવાદમાં ટ્રાફિક સહિતના કોઈપણ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓએ કોઈપણ સંજોગોમાં 24 કલાકની સળંગ શિફ્ટની ફરજ બજાવવાની રહેશે નહીં. 

આ પણ વાંચોઃ જામનગરની લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીઓ ઝડપાયા

શિક્ષાત્મક પગલાંની કરી જોગવાઈ

પોલીસ સ્ટેશનની ફર્સ્ટ મોબાઇલ, સેકન્ડ મોબાઇલ, કેદી જાપ્તા મોબાઇલ, પીસીઆર અને શી ટીમની ગાડીઓ તથા અન્ય વાહનોમાં ફરજ બજાવતાં ડ્રાઇવર સહિતના કર્મચારીઓ પાસે બંદોબસ્ત કે ખૂબ અછત હોય તો જ 12 કલાકની શિફ્ટવાઇઝ નોકરીની વહેંચણી કરવી. પોલીસ સતત 24 કલાક નોકરી કરે તો સુપરવાઇઝરી અધિકારીઓએ રિપોર્ટ કરવો. આવા કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેવો પરિપત્ર પોલીસ કમિશ્નરે જારી કર્યો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરનો મહત્ત્વનો આદેશઃ પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી 2 - image

આ પણ વાંચોઃ ગુજરાતનાં યુવકોને વિદેશ મોકલવાના નામે ડ્રગ્સ મંગાવાતું! થાઈલેન્ડથી લવાયેલા ગાંજા સાથે સાતની ધરપકડ

પોલીસ તંત્રમાં ઊભા થયા સવાલ

અમદાવાદના 50 જેટલા પોલીસ સ્ટેશનોમાં મંજૂર સ્ટાફ કરતાં ઓછો સ્ટાફ છે. કુલ 125થી 150 કર્મચારીઓ જ હોય છે. તેમાં પોલીસ સ્ટેશનની કામગીરીથી માંડી પેટ્રોલિંગ વાહનોમાં ડ્યુટી સહિતનો સ્ટાફ ક્યાંથી લાવવો? તેવો સવાલ પોલીસ તંત્રમાં ચર્ચાઈ રહ્યો છે. 



Google NewsGoogle News