Get The App

અમદાવાદની ફક્ત બે શાળામાંથી RTE હેઠળ પ્રવેશમાં છબરડાં, ખોટાં દસ્તાવેજ બનાવી લીધો હતો પ્રવેશ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
અમદાવાદની ફક્ત બે શાળામાંથી RTE હેઠળ  પ્રવેશમાં છબરડાં, ખોટાં દસ્તાવેજ બનાવી લીધો હતો પ્રવેશ 1 - image
File Photo

RTE False Admission: RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ, તંત્રમાં રહેલાં અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સરકારની આ યોજનાનો લાભ ગરીબ અને વંચિતોને મળવાને બદલે જે લોકો રૂપિયા ખવડાવીને ખોટા દસ્તાવેજ બનાવવાની તેવડ ધરાવતા હોય તેવા વાલીઓના બાળકોને મળી રહ્યો છે. અમદાવાદની સાત શાળા દ્વારા આ વિશે ડીઈઓને ફરિયાદ કરતાં આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. આ દરમિયાન ડીઈઓએ તપાસ હાથ ધરી 175 બાળકોના એડમિશન ચાલુ વર્ષના અંતે રદ કર્યાં છે.

અમદાવાદની બે ખાનગી શાળા કેલોરેક્સ અને ઉદગમ સ્કૂલે ડીઈઓને ફરિયાદ કરી હતી. જેના પગલે ડીઈઓએ આવા તમામ વાલીઓ સામે કડક પગલાં લીધો છે. ડીઈઓ દ્વારા નોટિસ પાઠવી રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં આ પ્રકારની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. 

આ પણ વાંચોઃ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

શું હતો સમગ્ર મામલો? 

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ સહિત અનેક શાળાએ ડીઈઓને ફરિયાદ કરી હતી કે, RTE હેઠળ ખોટા દસ્તાવેજ બનાવી સદ્ધર વાલીઓ પણ પોતાના બાળકોનો પ્રવેશ કરાવી રહ્યાં છે. જેમાં શાળાઓ દ્વારા ડીઈઓ કચેરીને લિસ્ટ આપવામાં આવ્યું હતું, જેમાં દોઢ લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના નામ હતાં, જેમના બાળકોએ RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હતો. 

ડીઈઓએ કરી કાર્યવાહી

આ લિસ્ટ બાદ ડીઈઓએ તમામ વાલીઓની ચકાસણી કરી હતી. જેમાંથી કેલોરેક્સ સ્કૂલના 63 વાલીઓમાંથી 60 વાલીઓએ ખોટી આવક બતાવી પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજું ઉદગમ સ્કૂલમાંથી આપેલા 30 વાલીના લિસ્ટમાંથી 20 વાલીઓની સુનાવણી પૂરી થઈ, જેમાંથી 18 વાલીઓએ ખોટી આવક બતાવી પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય અન્ય શાળામાંથી પણ ફરિયાદ આી હતી, તેની સુનાવણી દરમિયાન અન્ય આવા વાલીઓ સામે આવતાં ફક્ત સાત શાળામાંથી જ 175 વાલીઓને નોટિસ આપવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ન બગડે તેથી શૈક્ષણિક વર્ષના અંતથી આ તમામ બાળકોનું એડમિશન રદ ગણાશે. 

ડીઈઓએ વધુમાં જણાવ્યું કે, આરટીઇમાં પ્રવેશ મેળવ્યા સમયે એક શરત આપવામાં આવે છે કે, જો વાલીની આવક દોઢ લાખથી વધુ થાય તો આરટીમાંથી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. વાલી જાતે પોતાની રીતે આરટીઇમાંથી પ્રવેશ રદ કરાવવા અંગેની અરજી આપી શકે છે. તેમાં ઘણી વખત એવું બને છે કે, ચાલું અભ્યાસે ઘણીવાર વાલીની આક વધી જતાં તેઓએ તાત્કાલિક પ્રવેશ રદ કરવાનો હોય છે. પરંતુ, વાલીઓ તેની કાળજી નથી રાખતાં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક કુખ્યાત ગુનેગાર પર મોટા એક્શન, ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો

ખોટી આવક બતાવી મેળવ્યો પ્રવેશ

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે આ શૈક્ષણિક વર્ષમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરની શાળાઓમાં RTE કાયદા હેઠળ અપાયેલા 175 પ્રવેશ રદ કર્યા છે. તાજેતરમાં જ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ તરફથી ફરિયાદ મળ્યા બાદ આ 63 વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન, આવા વાલીઓના બાળકોનું શૈખણિક વર્ષના અંતે એડમિશન રદ્દ કરવામાં આવ્યું છે.'

જરૂરિયાતમંદ બાળકોના અધિકારનું વળતર કોણ આપશે? 

આ ઘટસ્ફોટ બાદ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, આવા ગણતરીના ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે વંચિતોનો હક છીનવાઈ રહ્યો છે, ત્યારે જે બાળકોનો બંધારણીય હક છીનવાયો છે તેનું વળતર કોણ ચૂકવશે? આ સિવાય આ તો ફક્ત બે શાળામાંથી બહાર આવેલાં છબરડાં છે. સમગ્ર ગુજરાતમાં આવા કેટલાં વાલીઓ હશે જેણે ખોટા દસ્તાવેજો બનાવીને પોતાના બાળકોનો પ્રવેશ મેળવ્યો હશે, આ તમામને સરકાર દ્વારા ક્યારે શોધવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને તેમનો હક ક્યારે મળશે? આ સિવાય જો કોઈ શાળા પોતાની તરફથી આ પ્રકારે એક્શન ન લેત તો શું તંત્ર ઉંઘતુ જ રહેત? આ સિવાય હજુ અન્ય શાળાઓમાં ડીઈઓ ક્યારે તપાસ કરશે? જ્યારે બાળકોના ફોર્મ ભરવામાં આવે ત્યારે જ દસ્તાવેજોનું વેરિફિકેશન કેમ કરવામાં નથી આવતું? 


Google NewsGoogle News