Get The App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં માર્ક ઉમેરી નોકરી આપવાનું કૌભાંડ

મેરીટ માર્કસમાં છેતરપિંડી,ચેડાં થયા હોવાનું બહાર આવતા મ્યુનિ.ના હેડ કલાર્ક સસ્પેન્ડ,ત્રણ ઉમેદવારના હુકમ રદ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં માર્ક ઉમેરી નોકરી આપવાનું કૌભાંડ 1 - image


અમદાવાદ,મંગળવાર,31 ડિસેમ્બર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૯૩ જેટલા ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી માટે પ્રક્રીયા કરાઈ હતી.આ પ્રક્રીયા  દરમિયાન એક અરજદારે મ્યુનિસિપલ કમિશનરને મેરીટ માર્કસમાં ચેડાં કરાયા હોવાની આશંકા વ્યકત કરી લેખિત રજૂઆત કરતા મ્યુનિ.સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં એજન્સી દ્વારા આપવામાં આવેલી રી ફાઈનલ આન્સર કીના આધારે આપેલા રીઝલ્ટના માર્કસ અને નિમણૂંક આપવામાં આવેલા અરજદારોના મેરીટ માર્કસમાં ચેડાં થયા હોવાનું જણાઈ આવતા મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતાતથા આ અંગેની કામગીરી સંભાળતા પુલકીત સથવારાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરુ કરાઈ છે. ત્રણ ઉમેદવારોને પ્રોબેશન ઉપર આપવામાં આવેલા હુકમ રદ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ મામલે મ્યુનિ.તંત્રે કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરુ કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગમાં ટેકનિકલ સુપરવાઈઝરની ખાલી પડેલી ૯૩ જગ્યા ભરવા તંત્રે પ્રક્રીયા કરી હતી. આ પૈકી ૩૭ જગ્યા બિનઅનામત, ૩૪ જગ્યા શૈક્ષણિક પછાત વર્ગ, ૩ જગ્યા અનુસુચિત જાતિ,૧૦ જગ્યા અનુસુચિત જનજાતિના ઉમેદવારોમાંથી,૯ જગ્યા આર્થિક નબળા વર્ગના ઉમેદવારોથી  ભરવાની હતી.૯૩ જગ્યા માટે કુલ ૧૨૩૭૭ અરજી મ્યુનિ.તંત્રને મળી હતી.જે પૈકી ૧૦૧૮૯ ઉમેદવારોને માન્ય ઉમેદવાર ગણી ૧૮ ઓગસ્ટ-૨૪ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષામાં ૫૯૫૫ ઉમેદવારો હાજર રહયા હતા.પરીક્ષા પુરી થયા પછી તે જ દિવસે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.સમય મર્યાદામાં વાંધા સુચન મંગાવવામાં આવ્યા હતા.આવેલા વાંધાસુચનનો નિકાલ કરી ફાઈનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.જેમાં પણ ઉમેદવારો તરફથી વાંધા સુચન મંગાવવામાં આવ્યા હતા.આવેલા વાંધાસુચનનો નિકાલ કરી ફાઈનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.જે ફાઈનલ આન્સર કી મામલે પણ  છ ઉમેદવારોએ ગુજરાત  હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.હાઈકોર્ટના હુકમને ધ્યાનમાં લઈ રી ફાઈનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

કોર્ટ મેટરનો નિકાલ થયા પછી મેરીટના આધારે પાંચ ઓકટોબર-૨૪ના રોજ સ્ટાફ સિલેકશન કમિટીના ઠરાવ મુજબ ૯૩ ઉમેદવારોને પ્રોબેશન પિરીયડ ઉપર૯ ઓકટોબર-૨૪ના હુકમથી નિમણૂંક આપવામાં આવી હતી.એક અરજદાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવેલી લેખિત રજૂઆતને પગલે સેન્ટ્રલ ઓફિસના સ્ટાફ દ્વારા જ પ્રાથમિક તપાસ કરવામાં આવતા મેરીટ માર્કસમાં ચેડાં કરી નોકરી આપવાનું કૌભાંડ બહાર આવવા પામ્યુ હતુ.મેરીટ માર્કસમાં ચેડા કરાયા હોવાનું જણાતા આ અંગે કામગીરી સંભાળતા હાલમાં મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા અને અગાઉ સીનીયર કલાર્ક કમ ડીટીપી ઓપરેટર તરીકે ફરજ બજાવતા પુલકીત સી સથવારાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે.

ત્રણ ઉમેદવારોને કટ ઓફ માર્કસ સુધી પહોંચાડી દેવામાં આવ્યા

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે કહયુ,ત્રણ ઉમેદવાર કે જેમાં જય અશોકભાઈ પટેલ, મોનલ હીરેન લિંબાચીયા ઉપરાંત તમન્નાકુમારી દીનેશભાઈ પટેલના પસંદગી યાદીમાં જણાવેલા માર્કસ કરતા ઓછા માર્કસ હોવાનુ જણાતા તેમને પ્રોબેશન પિરીયડથી આપવામા આવેલ નિમણૂંક ૨૭ ડિસેમ્બરના હુકમથી રદ કરવામાં આવેલ છે. ત્રણ ઉમેદવારોને કટ ઓફ માર્કસ સુધી પહોંચાડવા એ પ્રકારનું આયોજન કરાયુ હતુ કે જો બારીકાઈ પૂર્વક જોવામાં આવ્યુ ના હોત તો ખબર પણ ના પડે કે આ ઉમેદવારોને કટઓફ માર્કસ સુધી પહોંચાડી દેવાયા છે.જુદી જુદી કેટેગરી માટે કટઓફ માર્કસ અલગ અલગ રાખવામાં આવ્યા હતા.

બે વર્ષમાં મ્યુનિ.માં થયેલી તમામ ભરતી માટે તપાસ કરાશે

મ્યુનિ.ના ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં મેરીટ માર્કસમાં ચેડાં કરી નિમણૂંક આપવાનુ કૌભાંડ બહાર આવ્યા પછી છેલ્લા બે વર્ષના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોઈ ખાતા માટે ભરતી કરવામાં આવી હોય તે તમામ ખાતામાં કરવામા આવેલી ભરતી અંગે તપાસ કરવા મેયર પ્રતિભા જૈને અધિકારીઓને સુચના આપી છે.

આર્થિક લેવડદેવડ અંગે પણ મ્યુનિ.તંત્ર તપાસ કરશે

ટેકનિકલ સુપરવાઈઝરની નિમણૂંકને લઈ બહાર આવેલા કૌભાંડમાં કોઈ પણ પ્રકારની આર્થિક લેવડ દેવડ કરવામાં આવી હતી કે કેમ એ મુદ્દા ઉપર પણ મ્યુનિસિપલ તંત્ર તરફથી તપાસ કરવામાં આવશે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહયુ, મ્યુનિ.ના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ડિપાર્ટમેન્ટને આ મામલે સંપૂર્ણ તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી છે. આ કૌભાંડમાં કોઈ પ્રકારની આર્થિક લેવડ કરાઈ હશે તો તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ કરાવવામાં આવશે.


Google NewsGoogle News