અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, સ્ટ્રીટ વેન્ડર પોલીસીના અમલને લઈ વિપક્ષના તંત્ર-શાસકપક્ષ ઉપર પ્રહાર

વડાપ્રધાન પકોડાતળીને રોજગારી મેળવવા કહે છે,તંત્ર પકોડાની લારી ઉપાડી લે છે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News

       અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, સ્ટ્રીટ વેન્ડર પોલીસીના અમલને લઈ વિપક્ષના તંત્ર-શાસકપક્ષ ઉપર પ્રહાર 1 - image

 અમદાવાદ,સોમવાર,30 ઓકટોબર,2023

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસીના અમલને લઈ વિપક્ષ તરફથી વહીવટીતંત્ર અને શાસકપક્ષ ઉપર આકરા પ્રહાર કરાયા હતા.વડાપ્રધાન  નોકરી ના મળે તો પકોડા તળીને પણ રોજગારી મેળવવા સલાહ આપે છે ત્યારે મ્યુનિસિપલ તંત્ર પકોડા તળી રોજગારી મેળવનારની લારી  ઉપાડી લેતુ હોવાનો આક્ષેપ વિપક્ષનેતાએ બેઠકમાં કર્યો હતો.

બેઠકના આરંભે ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા પશુથી લઈ અન્ય બાબતમાં કાર્યવાહી કરવા મ્યુનિ.તંત્રને આપેલા કડક આદેશ બદલ હાઈકોર્ટનો આભાર વ્યકત કર્યો હતો.વર્ષ-૨૦૧૪માં કેન્દ્ર સરકાર તરફથી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ દેશવ્યાપી શરુ કરાવ્યો હોવા છતાં એક દાયકા બાદ પણ અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડીંગ એકટનો અમલ કરવામા આવતો નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.કેન્દ્ર સરકાર સ્વનિધિથી સમૃદ્ધિ એવી યોજના લાવી છે.આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં પ્રથમ તબકકામાં ફેરીયાઓને દસ હજાર રુપિયા આર્થિક સહાય આપવામા આવે છે.ફેરીયાઓને દસ હજાર રુપિયાની આર્થિક સહાય આપી મ્યુનિ.તંત્ર તેનો રોજગાર છીનવી રહયુ છે.

વર્ષ-૨૦૧૬માં કરવામાં આવેલા સર્વે મુજબ,અમદાવાદમાં ૬૭,૧૯૭ ફેરીયાની મ્યુનિ.તંત્ર દ્વારા  નોંધણી કરાઈ હતી.ફરી એ સ્થળે મુલાકાત કરી તો ૨૮,૮૧૯ ફેરીયા ગાયબ થઈ ગયા હતા.૨૮૮૧૯ ફેરીયાની અરજી મંજુર કરાઈ હતી.અમદાવાદમાં એક લાખથી વધુ ફેરીયા છે.જેમના ઉપર અંદાજે દસ લાખ લોકોનુ જીવન પસાર થઈ રહયુ છે.આ રીતે જો દબાણ દુર કરાશે તો આ પરિવારોની હાય લાગશે.મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર થોડા દિવસ અગાઉ થયેલા હુમલાને વિપક્ષે વખોડતા કહયુ,શહેરમાં આ પ્રકારના બનાવ ના બને એ માટે ફેરીયાઓનો સર્વે કરી વિગત જાહેર કરો, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરો,સ્ટ્રીટ વેન્ડરોને જગ્યા ફાળવો.


Google NewsGoogle News