અમદાવાદ મ્યુનિ. ગાર્ડન વિભાગના ડિરેકટરનું હોદ્દા ઉપરથી રાજીનામું, કમિશનરના નિર્ણય ઉપર આધાર
ત્રણ મહિના અગાઉ રાજીનામુ મુકયા બાદ ડિરેકટર રજા ઉપર ઉતરી ગયા
અમદાવાદ,શુક્રવાર,8 નવેમ્બર,2024
અમદાવાદ મ્યુનિ.ના ગાર્ડન વિભાગના ડીરેકટર જિજ્ઞેશ પટેલે
તેમના હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યા બાદ તેમના રાજીનામા અંગેની ફાઈલ મ્યુનિસિપલ
કમિશનરની મંજુરી માટે મુકાઈ છે. મ્યુનિસિપલ કમિશનરના નિર્ણય ઉપર તેમનુ રાજીનામુ
મંજુર કરાશે કે કેમ તેનો આધાર રહેલો છે. ત્રણ મહિના અગાઉ ડીરેકટર પાર્કસ એન્ડ
ગાર્ડન દ્વારા રાજીનામુ આપવામાં આવ્યા પછી તેઓ રજા ઉપર ઉતરી ગયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં ડીરેકટર
એન્ડ પાર્કસ તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ પટેલને વર્ષ-૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન ઉપરાંત ઔડા હસ્તકના આવેલા ગાર્ડન માટેની જવાબદારી સોંપવામાં આવી
હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે દાયકાથી ફરજ બજાવી રહેલા આ અધિકારી
દ્વારા ૩૦ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ અગમ્યકારણોસર તેમના હોદ્દા ઉપરથી રાજીનામુ આપતો પત્ર
મ્યુનિસિપલ કમિશનરને મોકલી અપાયા બાદ આ
બાબત ઉપર સત્તાધીશો દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાયો હતો.દસ દિવસ અગાઉ
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડીરેકટર એન્ડ પાર્કસની જગ્યા માટે જાહેરાત બહાર
પાડવામાં આવી હતી. રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીને ડીરેકટરના રાજીનામા
અંગે પુછતા તેમણે કહયુ, તેમના
રાજીનામા અંગેની ફાઈલ મ્યુનિસિપલ કમિશનરની મંજુરીમાં પડેલી છે. કમિશનર રજા ઉપરથી
આવ્યા પછી શું નિર્ણય કરે છે એના ઉપર તેમનુ રાજીનામુ મંજુર કરાશે કે નહીં તેનો
આધાર રહેલો છે.
હાલ હું રજા ઉપર છુ,જિજ્ઞેશ
પટેલ
મ્યુનિ.ના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલનો તેમના
દ્વારા રાજીનામુ આપવા અંગે સંપર્ક કરવામા આવતા તેમણે કહયુ, ૩૦ ઓગસ્ટ-૨૦૨૪ના
રોજ મેં રાજીનામુ આપ્યુ હતુ.હાલ હું રજા ઉપર છુ. કયા કારણથી તેમણે રાજીનામુ આપ્યુ
છે એ અંગે તેમણે કહેવાનુ ટાળ્યુ હતુ.