અમદાવાદના કેટલાક રસ્તાઓ બુધવારે રહેશે બંધ, મા ભદ્રકાળીની નગરયાત્રા માટે લેવાયો નિર્ણય
Ahmedabad These Routes Closed On 26 Feb: દેશભરમાં બુધવારે (26 ફેબ્રુઆરી) મહાશિવરાત્રિનો પર્વ ઉજવાશે. આ સાથે આવતીકાલે અમદાવાદમાં શહેરના સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નવીકળવાના છે. 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા સવારે 7:30 કલાકે શરૂ થશે. જેને ધ્યાને રાખી નગરચર્યાના રસ્તા સહિત અમુક રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે.
પોલીસ કમિશનરે રજૂ કર્યું જાહેરનામું
પોલીસ કમિશનરના જાહેરનામાં અનુસાર, અમદાવાદ શહેરમાં આવતીકાલ 26 ફેબ્રુઆરીના દિવસે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળવાની છે. જે નગરયાત્રામાં આશરે 5 હજારથી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, પાંચ છોટા હાથી વ્હીકલ, જગન્નાથ મંદિરના હાથી, અખાડાના કલાકાર, નાસિક ઢોલ ગૃપ, પાંચ સાધુની ધજાઓ, એક બેન્ડ વાજાની ટુકડી, એક ડી.જે ટ્રક, ત્રણ ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ-વ્હીલર નીકળવાની છે. તેથી નગરયાત્રા દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ GPSCની વર્ગ 1-2ની બે ભરતીઓ રદ, સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો નિરાશ
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
શ્રી ભદ્રકાળી માતાજી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન- ત્રણ દરવાજા-પાનકોર નાકા-માણેક ચોક-ગોળ ગલીથી મ્યુનિસિપલ કોઠા- ગોળલીમડા-ખમાસા ચાર રસ્તા-જગન્નાથ મંદિરથી જમાલપુર શાકમાર્કેટ- ફૂલબજારની આગળથી રોંગ સાઇડમાં રિવરફ્રન્ટ અંદર-મહાલક્ષ્મી મંદીરથી વિક્ટોરીયાગાર્ડન-અખાડાનંદ સર્કલ-વસંત ચોકથી લાલદરવાજા-અપના બજાર-સિદ્દી સૈયદની જાળી--વીજળીઘર-શ્રી બહુચર માતાનાં મંદિરથી પરત શ્રી ભદ્રકાળી માતાજી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
- વિજળી ઘર ચાર રસ્તાથી પાલીકા બજાર થઈ નેહરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી એલીસબ્રિજથી ડાબી બાજુ વળી વિકટોરીયા ગાર્ડન તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- ગોળલીમડાથી રાયપુર દરવાજા થઈ એસ.ટી. ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- જમાલપુર ચાર રસ્તા થઈ ફૂલ બજારથી સરદારબ્રિજના પૂર્વ છેડાથી ડાબી બાજુના રોડ થઈ પૂર્વનો રિવરફ્રન્ટ રોડથી કામા હોટલ રિવરફ્રન્ટ કટ લઈ ખાનપુર દરવાજાથી ઘી કાંટા તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- કામા હોટલ રિવરફ્રન્ટ ટી થી ડાબી બાજુ વળી બેકરી સર્કલથી રૂપાલી સિનેમાથી જમણી બાજુ વળી નહેરુ બ્રિજ તરફ અવર-જવર કરી શકાશે.
નોંધનીય છે કે, સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ નહીં પડે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 26 ફેબ્રુઆરીની સવારે 4 વાગ્યાથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનારને ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં પોલીસે રિક્ષાચાલકને ફટકાર્યો હેલ્મેટનો મેમો! કુલ 12 હજારનો દંડ ભર્યો
નગરયાત્રાના રૂટના કાર્યક્રમો
- 7.30 વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
- 7.45 વાગે લક્ષ્મી માના પંજાની આરતી
- 8.00 વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
- 8.30 વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
- 9.00 વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
- 9.45 વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
- 10.30 વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
- 11.15 વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
- 12.00 વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
- 12.30 વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
- 1.00 વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
- 1.30 વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો